‘એક વાર છોકરીની પાછળ જવું, એ પીછો કરવો ના ગણાય’ બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો!
મુંબઈ: તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) છેડતી અને જાતીય સતામણીના કેસની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે માત્ર એક જ વાર છોકરીની પાછળ જવું એ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354(D) અને POCSO એક્ટ હેઠળની જોગવાઈઓ હેઠળ છેડતીનો ગુનો ના ગણાય.
છોકરાઓને નિર્દોષ જાહેર કર્યા:
અહેવાલ મુજબ જસ્ટિસ ગોવિંદ સાનપની સિંગલ-જજ બેન્ચે 5 ડિસેમ્બર, 2024ના રોજ ચુકાદો આપ્યો હતો. 14 વર્ષની છોકરીના કેસમાં જાતીય સતામણી અને પીછો કરવાના આરોપનો સામનો કરી રહેલા 19 વર્ષના બે છોકરાઓને સંડોવતી અરજીઓની સુનાવણી દરમિયાન આ ટીપ્પણી કરવામાં આવી હતી. ન્યાયાધીશે છોકરાઓને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે છોકરાઓ માત્ર એક વાર પીડિતાની પાછળ ગયા એ પીછો કરવાના ગુના હેઠળ ના આવે.
ચુકાદોમાં કહેવામાં આવ્યું કે, “એ નોંધનીય છે કે પીછો કરવાના ગુના લગાવવા માટે, ફરિયાદ પક્ષે સાબિત કરવું આવશ્યક છે કે આરોપીએ વારંવાર અથવા સતત પીડિતાની પાછળ ચાલે છે, જોયા કરે છે અથવા સીધા અથવા ઇલેક્ટ્રોનિક, ડિજિટલ મીડિયા દ્વારા સંપર્ક કરે છે. એક વાર પીડિતાને અનુસરવું પીછો કરવાનો ગુનો લાગવા માટે પુરતું નથી.”
આપણ વાંચો: Pune Porsche accident: બોમ્બે હાઈકોર્ટે આરોપી સગીરને મુક્ત કરવા આદેશ આપ્યો, કાકીને સોંપાશે કસ્ટડી
શું હતો કેસ?
જાન્યુઆરી 2020માં આરોપી સગીર યુવતીની પાછળ ગયો હતો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવતીના અસ્વીકાર છતાં તેણે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપ મુજબ તેણે યુવતીના ઘરમાં ઘુસીને તેનું મોં દબાવીને અને અયોગ્ય રીતે સ્પર્શ કરીને તેના પર બળજબરી કરી હતી.
આરોપ મુજબ ઘટના દરમિયાન બીજો આરોપી કથિત રીતે ઘરની બહાર ઊભો હતો. ટ્રાયલ કોર્ટે બંને છોકરાઓને IPC અને POCSO હેઠળ આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા.
હાઈકોર્ટે પ્રથમ આરોપીને પીડિતાના ઘરમાં ઘુસીને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યો હતો. જો કે પીછો કરવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો, કારણ કે કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે આરોપીએ માત્ર એક જ વાર પીડિતાનો પીછો કર્યો હતો.
બીજા છોકરાને બંને ગુનામાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાએ જુબાનીમાં બીજા આરોપીને કોઈ ચોક્કસ ભૂમિકા આપી નથી. બંને ઘટનાઓ દરમિયાન પ્રથમ આરોપીની સાથે અલગ અલગ આરોપી હતો.