નેશનલ

અપરિણીત યુગલને નૉ એન્ટ્રીઃ OYO હૉટેલ્સની આ નવી પોલીસી વિશે તમારું શું માનવું છે.

ભારતનું અગ્રણી અને લોકપ્રિય ટ્રાવેલ બુકીંગ પ્લેટફોર્મ છે. ભારતમાં OYO હોટેલ્સ માત્ર યુવાનોમાં જ લોકપ્રિય નથી, પરંતુ દેશના દરેક શહેરમાં તેની માંગ ઘણી વધારે છે. OYO વિશે લોકોમાં સામાન્ય માન્યતા એ છે કે અવિવાહિત યુગલો ત્યાં સૌથી વધુ જાય છે. વર્ષ 2025 ની શરૂઆતમાં, OYOએ આ ધારણાને બદલવા માટે એક નવું પગલું ભર્યું છે. OYO એ હાલમાં જ તેની પાર્ટનર હોટલ માટે નવી ચેક-ઈન પોલિસી શરૂ કરી છે, જે અનુસાર અવિવાહિત યુગલોને હવે તેમના સંબંધના માન્ય પુરાવા વિના OYO ફ્રેન્ચાઇઝીની હોટલમાં રૂમ બુક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. OYOના નવા નિયમો અનુસાર, અપરિણીત યુગલો હવે રૂમ બુક કરી શકશે નહીં. અને આ નિયમ ઉત્તર પ્રદેશના મેરઠથી લાગુ થશે.

OYO માં અપરિણીત યુગલના પ્રવેશ પર પ્રતિબંધઃ-
OYO એ તેની ફ્રેન્ચાઇઝી હોટલ માટેના ચેક-ઈન નિયમોમાં સુધારો કર્યો છે અને આ વર્ષથી નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવો નિયમ જણાવે છે કે અપરિણીત યુગલો હવે OYO હોટલમાં ચેક-ઈન નહીં કરી શકે. હાલમાં તો OYO એ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં આ નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ, હવે અપરિણીત યુગલોને OYO હોટલમાં ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. OYOના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે હોટલ બુક કરાવનારા યુગલોને ઓનલાઈન અથવા ઓફલાઈન બુકિંગ દરમિયાન સરકાર માન્ય દસ્તાવેજો બતાવવા પડશે. આ પગલાનો હેતુ સામાજિક સંવેદનશીલતા અને કાયદો અને વ્યવસ્થાનો આદર કરવાનો છે. OYO એ તેની ભાગીદાર હોટલોને તેમની વિવેકબુદ્ધિથી યુગલોના બુકિંગને નકારવાનો અધિકાર આપ્યો છે.

યુપીના આ શહેરમાંથી આ નિયમ લાગુ કરવામાં આવશેઃ-
OYOને મેરઠ સહિત અન્ય કેટલાક શહેરોના નાગરિક જૂથો તરફથી પ્રતિસાદ મળ્યો હતો, જેમાં અપરિણીત યુગલોને ચેક-ઇન કરવાની મંજૂરી ન આપવાની માગણી કરવામાં આવી હતી. OYOએ મેરઠમાં આવેલી તેની પાર્ટનર હોટલોને આ નીતિને તાત્કાલિક લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ પોલિસીની અસર સારી રહેશે તો કંપની અન્ય શહેરોમાં પણ તેને લાગુ કરવા પર વિચાર કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં એવું થાય છે કે OYO રૂમ્સના ભાડા ઘણાં જ વાજબી હોવાથી અનેક અવિવાહીત કપલો અહીં ટૂંક સમય માટે (અડધો દિવસ, એક દિવસ) રોકાવા આવતા હોય છે. તેમને કારણે પરિવારવાળી વ્યક્તિ જલદીથી OYOમાં આવવાનું કે એકવાર આવી ગયા પછી ફરી વાર આવવાનું પસંદ કરતી નથી. આ નવા નિયમનો હેતુ પારિવારિક લોકોને લાંબા સમય સુધી OYO રૂમ્સમાં રોકાવા અને પુનરાવર્તિત બુકિંગને પ્રોત્સાહિત કરવાનો છે.

Also read: પરિણીતા અને પ્રેમીએ OYOનો રૂમ બુક કર્યો, સાત કલાક બાદ મળ્યા આવી પરિસ્થિતિમાં…

OYOએ આ પગલા લેવાનું કારણ જણાવ્યુંઃ-
OYO ઉત્તર ભારતના પ્રાદેશિક વડા પવન શર્માએ જણાવ્યું હતું કે, “OYO સુરક્ષિત અને જવાબદાર આતિથ્ય સેવાના નિયમો માટે પ્રતિબદ્ધ છે. અમે વ્યક્તિગત સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત અધિકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ સાથે સાથે અમે કાયદા અને નાગરિક સમાજનું પણ સન્માન કરીએ છીએ. અમે સમાજ પ્રત્યેની અમારી જવાબદારી પણ સમજીએ છીએ. એટલે જ અમે સમય સમય પર અમારી નીતિની અને તેની અસરની સમીક્ષા પણ કરીએ છીએ. કંપનીની આ પહેલ જૂની ધારણાને બદલવા માટે કરવામાં આવી છે. આ નિયમો પરિવારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય, ધાર્મિક અને એકલા પ્રવાસીઓ માટે સલામત અનુભવ આપવા માટે લાવવામાં આવ્યા છે. આ સિવાય બ્રાન્ડની ઈમેજ સુધારવા માટે આ નિયમ લાવવામાં આવી રહ્યો છે.

OYOએ safe hospitality પર પોલીસ અને હોટેલ ભાગીદારો સાથે સંયુક્ત સેમિનાર, અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોટેલ્સને બ્લેકલિસ્ટ કરવા અને OYO બ્રાન્ડનો ઉપયોગ કરતી અનધિકૃત હોટેલ્સ સામે પગલાં લેવાની શરૂઆત કરીને પોતાની છબી સુધારવાનો અને લોકહૃદયમાં સ્થાન પામવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તેમના આવા પ્રયાસો વિશે તમારું શું માનવું છે એ અમને કમેન્ટ બૉક્સમાં જરૂરથી લખીને મોકલજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button