નવી દિલ્હી: હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના બે કેસ ભારતમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં મળી આવેલા બે કેસની પુષ્ટિ કરી છે. કોરોના પાનડેમિક દરમિયાન થયેલા અનુભવોને યાદ કરતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે કોરોના વાયરસ વખતે કરેલી ભૂલો ટાળવાથી આ વાયરસ અમે લડી શકાય છે, તો પહેલા આ વાયરસ વિષે જાણકારી મેળવી લેવી જરૂરી છે.
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ શ્વસનતંત્રને ચેપ લગાડતો વાયરસ છે, જેને કારણે સામાન્ય રીતે હળવાથી મધ્યમ ફલૂ જેવા લક્ષણો દેખાય છે. આ વાયરસ શિયાળાના મહિનાઓમાં સૌથી વધુ ફેલાઈ શકે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિઓના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.
આ લક્ષણો જોવા મળી શકે છે:
આ વાયરસના ચેપથી સામાન્ય રીતે ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફનો પડી શકે છે. ખાસ કરીને ખૂબ નાની વયના, વૃદ્ધો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, ન્યુમોનિયા અથવા બ્રોન્કિઓલાઇટિસ જેવી વધુ ગંભીર શ્વસનને લગતી પરિસ્થિતિઓનો અનુભવ કરી શકે છે.
આ પણ વાંચો…ઠંડા પ્રદેશમાં ફરવા જાઓ છો? તો આમના જેવી ભૂલ ના કરતા, જુઓ વિડીયો
ચેપ લાગવાનું વધુ જોખમ કોને?
HMPV નો ચેપ કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે, પરંતુ આ વાયરસ નાના બાળકો, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓ માટે સૌથી વધુ ચિંતાનો વિષય છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાસ કરીને સંવેદનશીલ હોય છે, લગભગ 5-16% કેસમાં ન્યુમોનિયા જેવી તકલીફ થઇ શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ પણ વધુ ગંભીર લક્ષણોનો અનુભવ કરી શકે છે.
આરોગ્ય નિષ્ણાતોએ સલાહ આપી છે કે હાલ ગભરાવાનું કોઈ તાત્કાલિક કારણ નથી, ચેપ લાગવાનું વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓએ વાયરસના સંપર્કમાં આવવાથી બચવા માટે સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને શિયાળા દરમિયાન.