અમદાવાદ: હાલ ચીનમાં ફેલાયેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ને કારણે દુનિયાભરમાં ભયનો માહોલ છે. ભારતમાં પણ કર્ણાટકના બેંગલુરુમાં આ વાયરસના બે કેસ નોંધાયા હોવાની પૃષ્ટી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ HMPVનો પ્રથમ કેસ નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચીનમાં ફેલાઈ રહેલા HMPVને સમગ્ર વિશ્વમાં દહેશત છે. ત્યારે આજે HMPVએ ભારતમાં દસ્તક દીધી છે અને બેંગલુરુમાં બે કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ પ્રથમ કેસ નોંધાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ પૃષ્ટી કરવામાં આવી નથી .
આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા
HMPV વાયરસને લઈને રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગે HMPV વાયરસને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
શું કરવું?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત ક૨વો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું?
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
- ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.