અકસ્માત પીડિતનો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો, બે રાજ્યએ હાથ ઊંચા કર્યા
લખનઊઃ અકસ્માત અને મૃત્યુ જેવા પ્રસંગોએ પણ માનવ સંવેદનશીલ નથી બની શકતો એનું એક વરવું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારક્ષેત્ર અંગેના વિવાદને પગલે અકસ્માતનો ભોગ બનેલા 27 વર્ષીય યુવકનો મૃતદેહ ચાર કલાકથી વધુ સમય સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો. આ ઘટનાએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે અને આવી ગંભીર પરિસ્થિતિઓમાં જવાબદારી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
ઘરેથી કામ માટે દિલ્હી જઈ રહેલા રાહુલ અહિરવાર નામના 27 વર્ષીય યુવકનું રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ મધ્યપ્રદેશના હરપાલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. હરપાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના મહોબકાંઠ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે તેવું કહીને પોલીસે પરત ફરી હતી. ત્યારબાદ ગ્રામજનોએ યુપી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, પરંતુ મહોબકાંઠ પોલીસે પણ આ મધ્યપ્રદેશ પોલીસનું કામ છે તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા.
બંને રાજ્યોની પોલીસે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા બાદ સ્થાનિકોએ રોડ બ્લોક કરીને વિરોધ કર્યો હતો, જેને કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ સમગ્ર સમય દરમિયાન લાશ રોડ પર જ પડી રહી હતી. ચાર કલાક બાદ મધ્યપ્રદેશ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ પછી જ સ્થાનિક લોકોએ વાહનોને રસ્તા પરથી પસાર થવા દીધા હતા.
પિતરાઈ ભાઈ રામદીને તેમની વેદના શેર કરતાં કહ્યું હતું કે, ”મારા પિતરાઈ ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ વિસ્તાર મધ્યપ્રદેશ હેઠળ આવે છે, પરંતુ કોઈ જવાબદારી લેવા તૈયાર ન હોવાથી કલાકોથી લાશ રસ્તા પર પડી રહી હતી. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ અમને ઠપકો આપ્યો અને કહ્યું કે આ તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી. રામદીને અધિકારીઓને તાત્કાલિક શબપરીક્ષણ હાથ ધરવા પણ વિનંતી કરી હતી જેથી પરિવાર રાહુલના અંતિમ સંસ્કાર કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે આ અકસ્માત માટે જવાબદાર વાહનની ઓળખ કરવામાં આવે.”
મૃતક રાહુલના લગ્ન તાજેતરમાં જ થયા હતા. તે મજૂરી કામ કરવા માટે દિલ્હી દિલ્હી જઇ રહ્યો હતો ત્યારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો અને અધિકારીઓ રાતે 11 વાગે મૃતદેહને રસ્તા પરથી ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
આ પણ વાંચો…પતિની અંગત મિલકત નથી, પત્નીનું સન્માન કરવું જોઈએ વીડિયો વાયરલ કેસમાં હાઇકોર્ટની ટિપ્પણી
આ ઘટનાની વ્યાપક ટીકા થઈ છે, ઘણા લોકોએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના પોલીસ દળો વચ્ચે સંકલનના અભાવ પર સવાલ ઉઠાવ્યા છે. મૃતદેહને દૂર કરવામાં વિલંબ માત્ર પરિવારના દુઃખને લંબાવતો નથી, પરંતુ આવી કટોકટીની પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં પ્રણાલીગત નિષ્ફળતાઓને પણ પ્રકાશિત કરે છે.