પતિની અંગત મિલકત નથી, પત્નીનું સન્માન કરવું જોઈએ વીડિયો વાયરલ કેસમાં હાઇકોર્ટની ટિપ્પણી
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે પત્નીનું શરીર તેની અંગત મિલકત છે. લગ્ન પતિને માલિકીનો અધિકાર કે પત્ની પર નિયંત્રણનો હક્ક આપતા નથી, પતિ પત્નીના શરીરનો માલિક નથી. પતિ પત્નીની સ્વાયત્તતા અને વ્યક્તિત્વનો આદર કરવા બંધાયેલ છે. બળજબરી દ્વારા, દુરુપયોગ દ્વારા અથવા પત્નીની સંમતિ વિના તેની અંગત વિગતો જાહેર કરવી એ વિશ્વાસ અને કાયદેસરતાનું ઘોર ઉલ્લંઘન છે. કેસની વિગત મુજબ પત્ની દ્વારા મિર્ઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશનમાં એક એવા પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પત્નીએ ફરિયાદ કરી હતી કે પતિએ ગુપ્ત રીતે પત્ની સાથેની ખાનગી પ્રવૃત્તિઓનો વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને પત્નીના પિતરાઈ ભાઈ સાથે શેર કર્યો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને રદ કરવા પતિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે એવી દલીલ પણ કરી હતી કે કાયદેસર રીતે પરિણીત પતિ હોવાને કારણે કલમ 67B IT એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો નથી.
Also read: બાહુબલી ધનંજય સિંહને અલાહાબાદ હાઈકોર્ટનો ઝટકો, સજા પર સ્ટે આપવાનો ઇનકાર
પતિની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે પતિ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેની પત્નીના વિશ્વાસ અને વફાદારીનું સન્માન કરે. ફેસબુક પર ખાનગી ઘટનાઓના વિડિયો અપલોડ કરીને પતિએ વૈવાહિક સંબંધોની પવિત્રતાનો ગંભીર ભંગ કર્યો છે. પત્નીને પણ વ્યક્તિગત સ્વતંત્રતા છે. પત્નીનું શરીર તેની પોતાની મિલકત છે, અને તેની સંમતિ તેના અંગત અને જીવનના તમામ પાસાઓમાં સર્વોપરી છે. પત્નીની સંમતિ વિના તેની અંગત વિગતો શેર કરવી એ વિશ્વાસ અને કાયદાનો ભંગ છે. હવે સમય આવી ગયો છે કે પતિએ જૂની માનસિકતા છોડી દેવી જોઈએ અને સમજવું જોઈએ કે તે પત્નીની સ્વાયત્તતા અને વ્યક્તિત્વનો આદર કરવા માટે બંધાયેલો છે. પત્નીનું શરીર, પ્રાઈવસી અને અધિકાર તેના પોતાના છે અને તે તેના પતિની માલિકીના નથી.