ધર્મતેજ

હૃદયને તપાસો તો ખરા!

ગીતા મહિમા -સારંગપ્રીત

ભગવાન કૃષ્ણ સમજાવે છે કે તે પરબ્રહ્મ ભગવાન દરેકના હૃદયમાં વિરાજમાન છે. અવિશ્વસનીય શક્તિઓ અને ઊંડી લાગણીઓનો જાણે પોતામાં સમાવેશ કરીને ભગવાન સામાન્ય માનવ સાથે સંવાદ સાધે છે. તે સંવાદ માટે શ્રીહરિએ જે સ્થાન પસંદ કર્યું છે તે છે આપણું હૃદય ! શ્રી કૃષ્ણ ભગવાન કહે છે – સર્વસ્ય ચાહં હ્રદિ સંનિવિષ્ટ: (ગીતા 15/15), બધાના હૃદયમાં હું રહું છું.’

હા, “ભગવાન આપણા હૃદયમાં વસે છે” આ ફક્ત એક માન્યતા નથી પરંતુ દાર્શનિક રીતે પણ તે તથ્ય એક વિશેષ મહત્વ ધરાવે છે. આ ઉચ્ચ દર્શનને આધારે, વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોએ ભગવાનની આ વિશિષ્ટ લીલાની નોંધ પણ લીધી છે. હિંદુ ધર્મમાં, ભક્ત અને ભગવાનનો સંબંધ ભૌતિક સીમાઓથી પર છે. ભગવાન તે સીમાને પાર કરીને ભક્તના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. તેઓ ત્યાં સદા વસે છે. પરિપક્વ ભક્ત આ નિવાસની સુવાસને સારી રીતે અનુભવે છે. ભગવાનના કૃપામય વાસથી ભક્તનું જીવન સુખમય સુવાસિત બને છે. ભગવાનનું દિલમાં રહેવું એક આંતરિક અનુભવ છે. જ્યારે આપણે પોતાની આંતરિક શાંતિ અને સ્થિતિને અનુભવીએ છીએ, ત્યારે આ ભક્તિનું સીમાચિ સમજાય છે. ભગવાન સાથેના આ આંતરિક સંવાદનો અનુભવ ભક્તિ અને આધ્યાત્મિકતામાં ઊંડાઈ લાવે છે.

ભારતના પ્રાચીન વિદ્વાનોએ જણાવ્યું છે કે, ભગવાનનું અસ્તિત્વ માત્ર સૃષ્ટિનું સર્જન પૂરતું નથી, પરંતુ જીવનના ભીતરની લાગણીઓ સાથે તેઓ ઓતપ્રોત છે. મહંત સ્વામી મહારાજ જેવા સંતોએ સમજાવ્યું છે કે, જીવંતરૂપે ચારેય તરફના વાતાવરણની સાથે ભગવાનની લાવણ્યમય મૂર્તિ આપણાં હૃદયમાં સદા છે. જયારે ભક્તિની સીમા પર ભકત પહોંચે ત્યારે તેને આ બાબત અનુભવાય છે, તેમાં કોઈ સંશય નથી. આ જ રીતે ભક્તને ભગવાનના શાશ્વત અસ્તિત્વની પ્રતીતિ અને તેમની લીલાઓની જીવંત અનુભૂતિ મળે છે.

જે ભગવાન આપણા હૃદયમાં વસે છે તે જ ભગવાન યોગક્રિયાના ધ્યેય છે. આધ્યાત્મિક જીવન માટે યોગ અને ધ્યાન પણ મહત્વપૂર્ણ છે. કેમ કે યોગ દ્વારા હૃદયની અંદર શાંતિનો અહેસાસ કરી શકાય છે. પરંતુ આ શાંતિને પરમ શાંતિ સુધી ભક્તની લાગણીઓ પહોંચાડે છે. આ લાગણીઓ ભક્તિના બંધનથી બંધાયેલી છે. જે આ પવિત્ર અનુભવને વધુ ઊંડો કરે છે તે યોગ અને ધ્યાન દ્વારા, પોતાના આંતરિક જગતમાં જઈને, ભગવાનની હાજરીને અનુભવી શકે છે.

ભગવાન આપણા હૃદયમાં વસે છે, આ માન્યતા માત્ર ધાર્મિક નથી, પરંતુ આ સમજણ કોઈ પણ ક્ષેત્રના જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. તે વ્યક્તિગત પોષણ અને શાંતિ માટે માર્ગદર્શક પણ છે. આ મર્મને સમજ્યા વગર કેવળ ભૌતિક સંપત્તિ અને સાધન વ્યર્થ સિદ્ધ થાય છે. કેમકે ભગવાન સર્વ શક્તિમાન છે. ભગવાન સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક છે. તે આપણી પાસે આપણા હૃદયમાં છે, આ મર્મની વાત જ સાચું બળ પ્રદાન કરે છે. nશિક્ષણ, સત્તા અને સંપત્તિની ટોચ ઉપર બેઠેલા આ પ્રભાવશાળી વ્યક્તિઓનાં જીવન પણ વ્યર્થ ગયા છે એવા અનેક દાખલાઓ છે. તેઓમાં શું ખૂટતું હતું ? કેમ અસીમિત સાધનોનો સરવાળો શૂન્ય જ બની રહ્યો ? આ પ્રશ્નના જવાબમાં ઉત્તર મધ્યકાલીન ભક્તકવિ નિષ્કુળાનંદ કહે છે- એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડા વીસ; જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ. હા, જેમ એકડા વગરનાં મીંડાઓનું કોઈ મૂલ્ય નથી તેમ જ ભગવાન વગર અન્ય સાધનો પણ વ્યર્થ જ સિદ્ધ થાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. રાધાક્રિશ્નન કહે છે- ઝવય આત્મિક કે આધ્યાત્મિક વિકાસ જ સાચો વિકાસ છે. તે ભગવાન વગર શક્ય નથી.

અહીં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. આ મહાપુરુષો, ચિંતકો કે કવિઓને પ્રગતિનાં સાધનો કે સોપાનો સિદ્ધ કરવા સાથે કશો જ વિરોધ નથી. હા, તેમનો અભિપ્રાય એટલો જ છે કે આ સાધનો પણ મૂલ્યવાન બની જાય જો તેને ભાગવાની કૃપા અને પ્રેમ સાથે જોડવામાં આવે. જ્યારે આપણે આ સિદ્ધાંતને સમજીએ અને સ્વીકારીએ છે, ત્યારે જીવનમાં અનંત આનંદ અને સંતોષ લાવવો સરળ બની શકે છે. ભગવાન આપણા હૃદયમાં છે આ વિચાર આપણે જીવનમાં રોજબરોજની પ્રવૃત્તિઓને નવી દૃષ્ટિથી જોવામાં મદદ કરે છે, અને આપણને ભૌતિક સીમાઓથી પર એક આધ્યાત્મિક અનુભવ તરફ દોરી જાય છે. બસ, ક્યારેક હૃદયને તપાસો તો ખરા!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button