કડકડતા શિયાળામાં દિલ્હીમાં વરસાદ, સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ હેઠળ,સેંકડો ફ્લાઈટ, ટ્રેનને અસર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે સવારની શરૂઆત વરસાદ સાથે થઈ હતી. હવામાન વિભાગે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું છે કે હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના સાથે વાતાવરણ વાદળછાયું છે. બે દિવસના ગાઢ ધુમ્મસ બાદ રાજધાની દિલ્હીમાં આજે (સોમવારે) ધુમ્મસમાંથી રાહત મળી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. આવતીકાલથી ફરી એકવાર ધુમ્મસ છવાશે. આજે તાપમાનમાં પણ થોડો ઘટાડો થયો છે. IMDની આગાહી અનુસાર, આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
રવિવારે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને વિઝિબિલીટી ઝીરો થઇ ગઈ હતી, જેને કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા. દિલ્હીમાં રવિવારે સતત ચોથા દિવસે ઝીરોવિઝિબિલિટી નોંધાઈ હતી. સવારે 4 થી 7.30 વાગ્યાની વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય માટે વિઝિબિલીટી શૂન્ય થઇ જતા ફ્લાઈટ અને ટ્રેનના સંચાલનને અસર થઇ હતી. રવિવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ હતું. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે કોઈ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી ન હતી અથવા રદ કરવામાં આવી ન હતી, પણ ઝીરો વિઝિબિલીટીને કારણે એક હાથ દૂરની વસ્તુ પણ જોવી મુશ્કેલ બની હતી, જેને કારણે ફ્લાઇટ શેડ્યુલ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા અને અનેક ફ્લાઇટ મોડી પડી હતી. શનિવારે પણ દિલ્હીમાં વિક્રમી નવ કલાક સુધી ઝીરો વિઝિબિલીટી રહી હતી, જેના કારણે 400 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાઈ ગયું હતું અને અનેક લોકોને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાનો વારો આવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે સવારે 5.30 વાગ્યે દિલ્હીમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રવિવારે AQI અત્યંત નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ઉત્તર ભારતના અન્ય શહેરોમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિઓનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે કોલ્ડ ડે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પહાડોમાં સતત હિમ વર્ષા થઇ રહી હોવાથી કાશ્મીરના ઉંચાઈવાળા વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સવારે 5.30 વાગ્યે -1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડની સ્થિતિ પણ આવી જ છે. આ દિવસોમાં ઔલીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. અહીં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાયેલી છે.
જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટબાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 6 જાન્યુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની શક્યતા છે.