કાશ્મીર ખીણમાં રાતના તાપમાનમાં ઘટાડોઃ કોકરનાગ સૌથી ઠંડુંગાર
શ્રીનગરથી લઈને પહેલગામમાં પણ તાપમાનનો પારો માઈનસમાં
શ્રીનગરઃ કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૮.૧ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાતા સૌથી ઠંડું સ્થળ રહ્યું હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસ ૨.૫ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો. ઉત્તર કાશ્મીરમાં સ્કીઇંગ માટે પ્રખ્યાત પ્રવાસી રિસોર્ટ શહેર ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉરપાંત, કાશ્મીરના પ્રવેશદ્વાર ગણાતા કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પમ્પોર શહેરમાં કોનીબલમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો: કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોમાં મોસમની થઈ પહેલી હિમવર્ષાઃ શ્રીનગર-લેહ હાઈ-વે બંધ
ઉત્તર કાશ્મીરના કુપવાડામાં રાત્રિનું તાપમાન માઇનસ ૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૮.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ખીણમાં અત્યાર સુધીનું સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ કાશ્મીરમાં ‘ચિલ્લાઇ-કલાં’ એટલે કે મહા ઠંડીનો સમયગાળો ચાલી રહ્યો છે. ૪૦ દિવસનો આ ગાળો ૨૧ ડિસેમ્બરથી શરૂ થયો હતો, જે ૩૦ જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ દરમિયાન હિમવર્ષાની સંભાવના સૌથી વધુ હોય છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ પછી ૨૦ દિવસ ‘ચિલ્લાઇ-ખુર્દ'(નાની ઠંડી) અને ૧૦ દિવસ ‘ચિલ્લાઇ-બચ્ચા'(બાળક જેવી ઠંડી) આવે છે.