ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગરબડ થઈ ગઈ એવું સ્વીકાર્યું
સિડનીઃ ભારતના ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે અહીં રવિવારે સવારે ઑસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી 3-1થી જીતી લીધી ત્યાર બાદ પોતાના અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલન બોર્ડરના નામવાળી ટ્રોફીના વિતરણ સમારોહમાં આવવાનું પોતાને જ આમંત્રણ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. પીટીઆઇના અહેવાલ મુજબ એક ચૅનલે ગાવસકરને એવું કહેતા ટાંક્યા હતા કે ટ્રોફી વિતરણ સમારોહમાં આવવાનું મને આમંત્રણ મળ્યું હોત તો ખૂબ ગમ્યું હોત.
આ સિરીઝ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ના બૅનર હેઠળ રમાઈ હતી અને એ ટ્રોફી સાથે ફક્ત ઑસ્ટ્રેલિયા તથા ભારત જ સંકળાયેલા છે.' ગાવસકરે ચૅનલને એવું પણ જણાવ્યું હતું કે
મારો કહેવાનો મતલબ એ છે કે હું મેદાન પર જ હતો તો પણ ટ્રોફી વિતરણ સમારોહમાં મને ન બોલાવ્યો. ઑસ્ટ્રેલિયા સિરીઝ જીતી ગયું તો શું થયું.
એ મારા માટે કોઈ મુદ્દો હતો જ નહીં. તેઓ ભારત કરતાં ચડિયાતું રમ્યા એટલે જીતી ગયા. બહુ સરસ. શું હું ભારતીય છું એટલે? મને મારા મિત્ર ઍલન બોર્ડર સાથેની જોડીમાં ટ્રોફી આપવા દીધી હોત તો મને ખૂબ ગમ્યું હોત.’
આપણ વાંચો: ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે સુનીલ ગાવસકરે કરી મોટી ભવિષ્યવાણી
જો ભારત આ સિરીઝ જીતી ગયું હોત તો વિજેતા ભારતીય ટીમને ટ્રોફી એનાયત કરવા માટે ગાવસકરને વિતરણ સમારોહમાં આવવાનું આમંત્રણ અપાયું જ હોત.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે રવિવારે સાંજે ખુલાસામાં પોતાનાથી ગરબડ થઈ ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. બોર્ડના એક પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે `ગાવસકર એ જાણતા હતા કે જો ભારતીય ટીમ સિડનીની ટેસ્ટ જીતી હોત અને ટ્રોફી જાળવી રાખી હોત તો એ એનાયત કરવા માટે પોતાને (ગાવસકરને) બોલાવવામાં આવ્યા જ હોત.
અમે કબૂલ કરીએ છીએ કે ઑસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી એનાયત કરવા માટેના સમારોહમાં સ્ટેજ પર ઍલન બોર્ડરની સાથે સુનીલ ગાવસકરને બોલાવવા જોઈતા હતા.’
આપણ વાંચો: સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?
બન્ને દેશ વચ્ચે 1996ની સાલથી બોર્ડર-ગાવસકર ટ્રોફી રમાય છે અને એમાં જે રસાકસી થાય છે એની સરખામણી ભારત-પાકિસ્તાન રસાકસી તેમ જ ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝની રસાકસી સાથે થાય છે.
ભારત 10 વર્ષથી ટેસ્ટની બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતી રહ્યું હતું. આ વખતની 1-3ની હાર અગાઉ ભારતે ચારેય સિરીઝ (બે ભારતમાં અને બે ઑસ્ટ્રેલિયામાં) 2-1, 2-1, 2-1, 2-1થી જીતી લીધી હતી.