Mandvi murder case: હત્યારાને ફાંસીની માગણી સાથે લોકોએ કાઢી વિશાળ રેલી…
ભુજ: ગત ૩૦મી ડિસેમ્બરના રોજ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ખાતે વહેલી સવારે બસ સ્ટોપ પાસે ઊભીને,પોતાની ફરજ પર જવા બસની પ્રતીક્ષા કરી રહેલી ૨૮ વર્ષીય ગવરી તુલસીદાસ ગરવા નામની પરિચારિકાને મોટરસાઇકલ પર આવેલા બે હત્યારાઓ દ્વારા તલવાર અને ગુપ્તી વડે ઘાતકી હત્યા કરાવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા ગુનાને અંજામ આપનારા એકતરફી પ્રેમી સાગર રામજી સંઘારને તાત્કાલિક ફાંસીની સજાની માંગ સાથે ભુજમાં શનિવારે સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને જિલ્લા સમાહર્તા અને પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં તલવારના ઘા ઝીકી નર્સની હત્યા કરનારો હૉસ્પિટલમાંથી ઝડપાયોઃ આ છે કારણ
તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પરિચારિકા તરીકે ફરજ બજાવતી યુવતીને સરાજાહેર બર્બરતાપૂર્વ રહેંસી નાખવાના ભયાનક હત્યાના બનાવમાં તટસ્થ તપાસ માટે સીટની રચના કરવામાં આવે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવાય,ખાસ સરકારી વકીલની નિયુકતી અને મુખ્યમંત્રી રાહતકોષમાંથી પીડિત પરિવારને ત્વરિત આર્થિક મદદની પણ આ મૌન રેલીમાં એકઠા થયેલા સંત-મહાત્મા સહિતના લોકો દ્વારા માંગ કરાઈ હતી.
આ રજુઆત વખતે કચ્છ-મોરબી વિધાનસભા બેઠકના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : ક્યાં છે કાયદો ને વ્યવસ્થા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સની તલવારના ઘા ઝીંકીને હત્યા…
દરમ્યાન, કચ્છ જિલ્લા કોંગ્રેસ અને કચ્છ મહિલા વિકાસ સંઘઠન દ્વારા હત્યાની ઘટનાને વખોડવામાં આવી હતી અને આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરાઈ હોવાનુ જણાવાયું હતું.