`કિંગ કોહલીની એવી શું મજબૂરી હતી? સચિન પાસેથી શીખવું જોઈતું હતું’: ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં રોષ
સિડનીઃ 36 વર્ષનો વિરાટ કોહલી ક્રિકેટનો કિંગ છે, પણ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)માં આજે પૂરી થયેલી પાંચ મૅચની લાંબી સિરીઝમાં તેના બૅટિંગના આંકડા શર્મનાક છે. આ શ્રેણીમાં તે નવમાંથી આઠ ઇનિંગ્સમાં ઑફ-સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો.
ક્રિકેટચાહકો તેના આ વલણથી ટેવાઈ ગયા હતા અને કંટાળ્યા પણ હતા. શનિવારે સ્કૉટ બૉલેન્ડના બહારના બૉલને કોહલી બૅટ અડાડી બેઠો અને છ રનના પોતાના સ્કોર પર સ્ટીવ સ્મિથના હાથમાં કૅચઆઉટ થયો હતો.
પાંચમી વાર તે બૉલેન્ડને વિકેટ આપી બેઠો હતો. ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે `કોહલીની એવી શું મજબૂરી હતી કે એવા બૉલમાં તેને કવર ડ્રાઇવ કે ઑફ સાઇડ પર કોઈ શૉટ મારવો જ હતો? તે લાલચભર્યા બૉલને છોડી પણ શક્તો હતો.’
આપણ વાંચો: મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે
કોહલીને ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં કવર ડ્રાઇવ મારવાની ખૂબ મજા આવે છે એવું કદાચ ધારીને ઑસ્ટ્રેલિયન બોલર્સ તેને વારંવાર એવા જ બૉલ ફેંકતા ગયા અને તે વારંવાર સસ્તામાં વિકેટ ગુમાવતો ગયો.
પર્થની પહેલી ટેસ્ટના બીજા દાવમાં તે 100 રને અણનમ રહ્યો હતો. એ સિવાય બાકીના તમામ આઠ દાવમાં તેણે ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં વિકેટ ગુમાવી હતી. કોહલીએ ધૈર્ય ગુમાવીને ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવાની જીદ પકડીને આઠ વખત વિકેટ ગુમાવીને તેના કરોડો ચાહકોની તેમ જ ટીમ ઇન્ડિયાની આશા પર પણ પાણી ફેરવી દીધું હતું.
ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે કોહલી પોતાની આ નબળાઈ દૂર કરવા માટે તેના આદર્શ અને બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકર પાસેથી સલાહ લઈ શક્યો હોત અથવા તેની 2004ની સાલની સિડની ખાતેની 241 રનની અણનમ ઇનિંગ્સ પરથી શીખી શક્યો હોત.
આપણ વાંચો: બુમરાહે બેદીનો બે રીતે 46 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
સચિનને ત્યારે ઑસ્ટ્રેલિયન બોલર્સ બે્રટ લી, જેસન ગિલેસ્પી, નૅથન બૅ્રકન વગેરેએ કવર ડ્રાઇવ મારવાની લાલચ આપતા બૉલ વારંવાર ફેંક્યા હતા, પરંતુ સચિને દર વખતે એવા બૉલને છેડવાનું ટાળ્યું હતું અને પોતાને જ્યારે ઠીક લાગ્યું ત્યારે જ કવર ડ્રાઇવ મારી હતી.
સચિને ત્યારે કવર ડ્રાઇવની લાલચ રાખવાને બદલે અપર કટ, સ્ક્વેર કટ તેમ જ ઑન સાઇડ પર શૉટ ફટકારીને પોતાની ઇનિંગ્સ ડેવલપ કરી હતી અને એ મૅચ ડ્રૉ કરાવવા બીજા દાવમાં અણનમ 60 રનનું યોગદાન પણ આપ્યું હતું.
સચિનના કેટલાક વિક્રમ તોડી ચૂકેલા કોહલી પાસે સચિન જેવા જ શૉટ રમવાની કાબેલિયત છે એ સૌ જાણે છે, પરંતુ આ વખતે ઑસ્ટ્રેલિયામાં તેણે કમાલ જ કરી. ફૂટવર્કમાં પણ કચાશ બતાવી એવું બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે શનિવારે સિડનીના મેદાન પરથી જ કહ્યું હતું.
આપણ વાંચો: પંતનો પાવર, બૉલેન્ડની બોલબાલાઃ બીજા દિવસે પડી પંદર વિકેટ
કોહલીની છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સના સ્કોર્સ આ મુજબ છેઃ 0, 70, 1, 17, 4, 1, 5, 100 નૉટઆઉટ, 7, 11, 3, 36, 5, 17 અને 6 રન.
કવર ડ્રાઇવ કોહલીનો ફેવરિટ શૉટ છે અને આવો શૉટ રમીને જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઢગલો રન કર્યા છે. જોકે તેના એવા ફેવરિટ શૉટને ધ્યાનમાં રાખીને કેવી રીતે તેની વિકેટ લઈ શકાય એની ઑસ્ટ્રેલિયન બોલર્સે યોજના બનાવી હશે જેમાં તેમને સફળતા મળી.
વારંવાર એક જ પ્રકારનો (ઑફ સ્ટમ્પ બહારનો બૉલ ફેંકીને) કોહલીને લાલચ આપ્યા રાખી અને એમાં તે ધીરજ ગુમાવીને જાળમાં ફસાતો ગયો અને વિકેટ તાસક પર ધરતો ગયો. કવર ડ્રાઇવ કોહલીની નબળાઈ બની ગઈ જેનો ઑસ્ટ્રેલિયન બોલર્સે પૂરો લાભ લીધો.
ભૂતકાળમાં સચિન વારંવાર કવર ડ્રાઇવ મારવાના પ્રયાસમાં બહારના બૉલમાં કૅચ આપી બેસતો હતો. જોકે 2004ની સિડનીની ટેસ્ટમાં તે એવા બૉલની લાલચથી દૂર રહ્યો અને અણનમ 241 રનની યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. ખુદ સચિને પછીથી કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયન બોલર્સ તેને વારંવાર ઑફ સ્ટમ્પની બહાર બૉલ ફેંકીને પરેશાન કરતા હતા એટલે તેણે કવર ડ્રાઇવની લાલચ ટાળી હતી.