મીરા રોડમાં જૂની અદાવતને લઇ વેપારીની ગોળી મારી હત્યા: બે આરોપી પકડાયા
મુંબઈ: મીરા રોડમાં જૂની અદાવતને લઇ 38 વર્ષના વેપારીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે નાલાસોપારા અને બદલાપુરથી બે આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સૈફઅલી મન્સુરઅલી ખાન (22) અને મોહંમદ યુસુફ મન્સુરઅલી આલમ (34) તરીકે થઇ હતી. આરોપી સૈફઅલી ખાન પાસેથી પિસ્તોલ અને છ બુલેટ્સ જપ્ત કરવામાં આવી હતી.
મીરા રોડમાં સ્ટેશન પાસે આવેલા શાંતિ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા શમ્સ તબરેઝ શહાબુદ્દીન અન્સારી ઉર્ફે સોનુની શુક્રવારે રાતના હત્યા કરવામાં આવી હતી. અન્સારી શુક્રવારે રાતે મિત્ર ઉમર રમજાન સોલંકી સાથે શોપિંગ સેન્ટરમાં બંધ દુકાન સામે બેઠો હતો ત્યારે આરોપીએ તેના માથામાં ગોળી મારી હતી.
આપણ વાંચો: Manipurમાં ફરી હિસા; બે મજૂરોની ગોળી મારીને હત્યા
બાદમાં આરોપી મીરા રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 તરફ ભાગી છૂટ્યો હતો. માથામાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા અન્સારીને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ ઘટના બાદ નયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો અને તેની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
આ ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને મળેલી માહિતીને આધારે નાલાસોપારાથી શનિવારે સૈફઅલી ખાનને ઝડપી પાડ્યો હતો.
આપણ વાંચો: Delhi માં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા, આપે ભાજપ પર નિશાન તાક્યું
આરોપીની પૂછપરછમાં મોહંમદ યુસુફ આલમનું નામ સામે આવતાં તેને પણ બાદમાં બદલાપુરથી તાબામાં લેવાયો હતો. યુસુફ આલમ અને અન્સારી વચ્ચે જૂની અદાવત હતી અને યુસુફે તેને ધમકી પણ આપી હતી. યુસુફે કરેલા ગુનામાં કરેલા ગુનામાં અન્સારી સાક્ષીદાર હતો. દરમિયાન યુસુફે કાવતરું ઘડીને અન્સારીની હત્યા કરાવી હતી.