પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જોવા મળશે Digital Lounge: શું મળશે સુવિધા?
મુંબઈ: ભારતીય સ્ટેશનોને આધુનિક બનાવવાની યોજના હેઠળ પશ્ચિમ રેલવે સ્ટેશનો પર એક નવો પ્રયોગ કરવા જઇ રહી છે. પશ્ચિમ રેલવેએ સ્ટેશનો પર ડિજિટલ લાઉન્જ બનાવવાની યોજના બનાવી છે, જેને નૉન ફેર રેવન્યુ (એનએફઆર) હેઠળ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેમાં વધુ એક સ્ટેશને ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો, રેલવે પ્રધાને શું કહ્યું?
રેલવે બોર્ડને મોકલાશે પ્રસ્તાવ
પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રવાસીઓની સુવિધા માટે ૧,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામા આવશે, જેમાં ટર્મિનસ સ્ટેશનો પર નોકરી-ધંધા કરતા લોકો માટે ડિજિટલ લાઉન્જ બનાવવાની યોજના છે. આ ડિજિટલ લાઉન્જનો પ્રસ્તાવ ટૂંક સમયમાં રેલવે બોર્ડને મોકલવામાં આવશે. સામાન્ય રીતે ટર્મિનસ સ્ટેશનો પર આઇઆરસીટીસીના ડિલક્સ લાઉન્જ નજરે પડે છે જ્યાં ફ્રેશ થવા અને થોડો સમય આરામ કરવા માટે બુકિંગ કરવામાં આવે છે.
ઓફિસ જેવું સેટ અપ અને ચા-કોફીને સુવિધા
પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે ડિજિટલ લાઉન્જમાં ઓફિસ જેવું સેટઅપ હશે. ડેસ્ક પર લૅપટોપ રાખવા, મોબાઇલ અને લેપટોપ ચાર્જરના પોઇન્ટ હશે. આ સિવાય ચા-કોફીની વ્યવસ્થા હશે. કેટલાક કલાક ઘોંઘાટથી દૂર જો કોઇ ઓફિસનું કામ કરવા ઇચ્છતા હોય તો આ ઉત્તમ વિકલ્પ હશે. ડિજિટલ લાઉન્જમાં ૪૦ લોકોની એકસાથે બેસીને કામ કરવાની સુવિધા હશે.
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસ માટેની ટિકિટ સિવાય અન્ય રીતે રેલવે આવક વધારવા માટે રેલવે પ્રશાસન દ્વરાા વિવિધ પ્રયાસો કરી રહ્યું છે જેના હેઠળ સ્ટેશનો પર કોચ રેસ્ટોરાં અને સલૂન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.