વિધાનસભા ચૂંટણીઃ ‘આપ-દા સરકાર’, રેલીમાં પીએમ મોદીએ AAP પર કર્યાં પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નમો ભારત કોરિડરનું ઉદ્ઘાટન કર્યા બાદ સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધી ટ્રેનમાં સફર પણ કરી હતી. દિલ્હીના અશોક વિહારમાં રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આપના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોણો માર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, જ્યારે દિલ્હીના લોકો કોરોનાનો સામનો કરતા હતા, ઑક્સિજન તથા દવાઓ માટે ભટકતા હતા ત્યારે લોકોનું ફોક્સ શીશમહલ બનાવવા પર હતું. આ માટે તોતિંગ બજેટ બનાવાયું હતું, પરંતુ હકીકત એ છે કે આ લોકોને દિલ્હીવાસીઓની કોઈ પડી નહોતી. તેથી આજે દિલ્હીવાસીઓ આપ-દા નહીં સહન કરીએ, બદલાવ કરીશું તેમ કરી રહ્યા છે.
પીએમ મોદીએ રેલીને સંબોધન કરતાં કહ્યું, મને વિશ્વાસ છે કે દિલ્હી વિધાનસભામાં પણ કમળ ખીલશે. હું દિલ્હી ભાજપના તમામ કર્મઠ કાર્યકર્તાઓને નિષ્ઠા સાથે દિલ્હીના દરેક કાર્યકર્તાને મળીને આગામી સમયમાં ભાજપના સંકલ્પથી પરિચિત કરાવવા આહ્વાન કરું છે. ભારતના વારસાનું ભવ્ય સ્વરૂપ જોવા મળે તેવી રાજધાની બનાવીને દિલ્હીને વિશ્વ સમક્ષ રાખવા માંગીએ છીએ.
આ પણ વાંચો: હું પણ શીશ મહલ બનાવી શકતો હતો પણ…… દિલ્હી રેલીમાં આ શું બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, આપ-દા વાળાના કામનો કોઈ હિસાબ નથી પરંતુ તેમના કારનામા બેહિસાબ છે. જ્યારે નિયતમાં ખોટ હોય અને જનતા પ્રત્યે નિષ્ઠા ન હોય ત્યારે આમ થાય છે. આપ-દા વાળા દિલ્હી ચૂંટણીમાં હાર ભાળી ગયા છે તેથી જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે. પરિવર્તન રેલીને સંબોધિત કરતાં કહ્યું, દિલ્હી પર આપ-દા લાવનારા લોકો જૂઠા આરોપ લગાવે છે કે કેન્દ્ર સરકાર તેમને પૈસા નથી આપતી, કામ કરવા નથી દેતી.. આજના એક અખબારે કેગ રિપોર્ટના આધારે શીશમહલ પર થયેલા ખર્ચનો ખુલાસો કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું, જે આપ-દા સરકાર પાસે દિલ્હીનું કોઇ વિઝન ન હોય, દિલ્હીની ચિંતા ન હોય તેઓ દિલ્હીનો વિકાસ કરી શકે નહીં. દિલ્હીને આધુનિક બનાવવા માટે જેટલા પણ કામ છે તે કેન્દ્રની ભાજપ સરકાર કરી રહી છે. આપ-દા વાળાએ દિલ્હીના 10 વર્ષ બરબાદ કર્યા. ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. દિલ્હીના ભવિષ્ય માટે આ ખૂબ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારની રાજ્ય સરકાર જોઈ છે તે કોઈ આપત્તિથી ઓછી નથી. દિલ્હીવાસીઓને આજે તેનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હીમાં આજે એક જ અવાજ સંભળાઈ રહ્યો છે ‘આપ-દા નહીં સહન કરીએ.. બદલાવ કરીશું’. પીએમ મોદીએ કહ્યું- દિલ્હી વિકાસ ઈચ્છે છે, મને ખુશી છે કે દિલ્હીનો વિશ્વાસ ભાજપ પર છે. ભાજપ પર આ વિશ્વાસ એટલા માટે છે કે ભાજપ સુશાસન લાવનારો પક્ષ છે. ભાજપ સેવાભાવથી કામ કરતો પક્ષ છે. ભાજપ સપનાને પૂરો કરતો પક્ષ છે.