અમદાવાદ

વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સહાયમાં આપવામાં આવતી હજારો સાયકલો આજે સરકારના અણધડ વહીવટને કારણે ભંગાર થવાને આરે આવીને ઊભી છે. વિદ્યાર્થીઓને સહાયમાં આપવા માટે સાયકલની ખરીદી તો કરવામાં આવી પણ તેને વિદ્યાર્થીનીઓને ન આપવામાં આવતા હવે તે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને ભંગાર થઈને પડી છે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે આટઆટલી સાયકલો ભંગાર થતી હોય તેમ છતાં સરકાર આગામી દિવસોમાં 1.70 લાખ સાઇકલની ખરીદી માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
https://youtu.be/UDLYP5LcmVY

સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના
રાજ્ય સરકારની સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ આઠમાંથી નવમા ધોરણમાં વિદ્યાર્થીનીઓને સાઈકલ વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળાથી દૂર રહેતી વિદ્યાર્થીની શાળામાં નિયમિત પહોંચી શકે તે હેતુથી સાયકલ આપવામાં આવે છે. જોકે આ સાઈકલો ખરીદી લીધા બાદ સરકારના અણધડ વહીવટને કારણે તે સાયકલ ન તો વિદ્યાર્થીનીઓને મળી કે ન તો તેની કોઇ જાળવણી કરવામાં આવી. અંતે પ્રજાના કરોડોના ખર્ચે ખરીદવામાં આવેલી સાયકલો હવે ભંગાર થઈ ગઈ છે. ધૂળ ખાતી, ભંગાર થઈને પડેલી હજારો સાઈકલોની તસવીરો, વિડીયો પ્રકાશિત થયા હોવા છતાં સરકારના પેટનું પાણી પણ ના હલ્યુ હોય તેમ હજુ પણ ધૂળ ખાઈ રહી છે.

હજારો સાયકલો બની ભંગાર
સરકાર દ્વારા આપવામાં આવતી સાઈકલની ગુણવતાને લઈને પણ તે વિવાદનું કેન્દ્ર બની હતી, પણ સરકારે તપાસ કરીશું તેવું આશ્વાસન આપ્યા બાદ આ મુદ્દો સંકેલાઈ ગયો હતો. આ મુદ્દે વિપક્ષ આક્ષેપ કરી ચૂક્યું છે કે કોઈ જ તપાસ સમિતિની રચના કરવામાં નથી આવી. આ બિનઉપયોગી અને ભંગાર થઈ ગયેલી સાયકલો રાજ્યભરના ગોડાઉનો અને શાળાના પ્રાંગણમાં પડી રહી છે, જેમાં લાંભા, અમદાવાદની નિવાસી શાળા અને આણંદ, વ્યારા, ઉના અને દેવગઢ બારિયાના સ્થળોનો સમાવેશ થાય છે. વળી ચોંકાવનરી બાબત તો એ છે કે અહી 100 કે 500 નહીં પરંતુ હજારો સાયકલો ધૂળ ખાઈ રહીં છે.

આ પણ વાંચો…WATCH: કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ; ત્રણ લોકોના મૃત્યુના અહેવાલ

સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા
તેમ છતાં સરકાર આ યોજના માટે શાળાઓ પાસેથી અરજીઓ મંગાવી છે. વર્ષ 2025 માટે, અમદાવાદની લગભગ 82 શાળાઓએ સાયકલ માટે અરજી કરી છે. હજારો સાયકલો ભંગાર બનીને પડી હોવા છતાં નવી સાયકલો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા 6 જાન્યુઆરી શરૂ કરવામાં આવશે. આ ટેન્ડરમાં છ મહિનાની ડિલિવરી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાયકલમાં તાળાઓ અને એક થી પાંચ વર્ષની વોરંટી હોવી આવશ્યક છે. અમદાવાદ જિલ્લામાં જ 7,650 સાયકલની જરૂર હોવાનું સરકારે જણાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button