ઉત્સવ

બેકારનું લેબલ ભૂંસવું છે? આ જગ્યા માટે એપ્લાય કરો…

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘મિસ્ટર રાજુ, તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કર્યું તે ખબર છે?’ નોકરીના ઇન્ટરવ્યુમાં લી નામના ઑફિસરે સવાલ પૂછયો. ‘યેસ સર, મને બધી ખબર છે. હું પૂરી તૈયારી સાથે આવ્યો છું. આઈ એમ નોટ અ બાર્બર વિધાઉટ રેઝર.’ રાજુએ સ્વયંસ્પષ્ટ જવાબ આપ્યો. ‘તમારું બ્લડ પ્રેશર કેટલું રહે છે?’ યાંગ નામના અધિકારીએ પૂછયું. ‘સર મારું બ્લડ પ્રેશર 90-120 છે.’ રાજુએ બ્લડ પ્રેશરનો રિપોર્ટ વુ નામના અધિકારીને આપ્યો. ‘તમારો ડાયાબિટીસ રિપોર્ટ…?’

‘સર, જમ્યા પહેલાં 109 અને જમ્યા પછી 130 બ્લડ શ્યુગર રહે છે. આ રહ્યો રિપોર્ટ.’ ડાયાબિટીસની સાથે રાજુએ હેમોગ્લોબિન ઇત્યાદિના રિપોર્ટસ પણ પકાડાવ્યા.

‘તમે માઇનસ દસ ડિગ્રીમાં કામ કરી શકશો?’ બીજા એક અધિકારીએ પૂછયું. ‘એટલે કે મારે હિમાલય પર્વતમાં રહીને કામ કરવાનું છે? માઇનસ ડિગ્રીમાં કામ કરવામાં શારીરિક તકલીફ થશે, પરંતું, ગરમગરમ ચા કે સુપની ચુસ્કીથી મારી ઠંડી ભગાડી દઈશ.’ રાજુએ ખુમારીપૂર્વક જવાબ આપ્યો. એનામાં આવી પડકારજનક નોકરી મેળવવાનો અદમ્ય ઉત્સાહ હતો.
‘મિસ્ટર રાજુ, તમારો ઇકો કાર્ડિયોગ્રામ આપો.’ ‘સર, મેં આજે જ મારો ઇકો કઢાવેલો છે.’ એમ કહી રાજુએ પોતાનો ઇકો રિપોર્ટ પણ આપ્યો.

હૃદયની અંદર વીજતરંગો ઉત્પન્ન થાય છે અને આ તરંગોને કારણે હૃદય સતત ધબકતું હોય છે. દરેક ધબકારો વિદ્યુતસ્પંદનથી શરૂ થાય છે અને એ વખતે હૃદય સંકોચાય છે. હૃદયમાં વિદ્યુતપ્રવાહ જે ગતિએ થતો હોય એ મુજબ હૃદયનું સંકોચન અને વિસ્તરણ થતું હોય છે. ઈસીજી મશીન દ્વારા વીજપ્રવાહનું કાગળ પર રેખાંકન લેવામાં આવે છે. આનાથી હાર્ટને અટેકથી થયેલું નુકસાન કે હૃદયની તાલબદ્ધતા અને ગતિમાં અનિયમિતતા કેટલી છે એનું વિશ્ર્લેષણ કરી શકાય છે.

ડૉકટરે જોયું કે ઇકો શૅરબજારના ઇન્ડેકસની જેમ ચડ-ઊતર કરતો ન હતો. ચોક્કસ પોઇન્ટની આજુબાજુ એકધારો સ્ટેડી જણાતો હતો. ‘તમે કદી એન્ડિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી છે? અમારે મજબૂત હદય ધરાવતા સ્ટાફની જરૂર છે. તમે ટ્રેડમિલ ટેસ્ટ ટીએમટી રિપોર્ટ લાવ્યા છો?’ અધિકારીએ એક વધુ રિપોર્ટ માગ્યો. ‘ના, મેં ક્યારેય એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી નથી. આ મારો ટ્રેડમિલ રિપોર્ટ.’ ‘તમારો એચઆઇવી રિપોર્ટ?’ રાજુએ એ રિપોર્ટ પણ રજૂ કર્યો.

‘તમને પગાર સિવાય બીજા પર્કસ એટલે ભથ્થાં મળશે નહીં’ વડા અધિકારીએ રાજુને નોકરીની શરત કહી. ‘નો પ્રોબ્લેમ.’
‘તમને મોર્ચરીમાં જવા ગ્લોવ્ઝ કે ઓવરકોટ કંપની તરફથી મળશે નહીં.’ ‘હું જાણું છું, સર.’ રાજુનો જવાબ.

‘તમારે ત્રણ શિફટમાં કામ કરવાનું રહેશે. અઠવાડિક રજા મળશે નહીં. સ્ટાફની તંગી હોય તો રાત-દિવસ કામ કરવાનું રહેશે.’ ‘મને કંપનીની વર્ક સ્ટાઈલની જાણકારી છે…. ઓબાઓ નામના ત્રીસ વર્ષીય યુવકે સતત એકસો ચાર દિવસ કોઈ કંપનીમાં સતત કામ કરતાં તેનાં અંગો કામ કરતાં બંધ થતાં અવસાન થયું હતું તે વિગતો જાણું છું.’ રાજુએ પુરાવા સહિત કામકાજના કલાકોની વિગતો શેર કરી.

રાજુ રદીએ કઈ જગ્યા પર નોકરી કરવા અરજી કરી હશે એવો સવાલ આ બધું વાંચતાં તમારા મનમાં થયો હશે. રાજુ સાવ બેરોજગાર હતો. એણે ‘સ્વરોજગાર’ના નામે પાણીમાં પકોડા તળ્યા. દેશમાં એટલા બધા બેરોજગાર પકોડા સેન્ટરો ખૂલી ગયેલા કે રાજુના પકોડા કોણ ખરીદે ને કોણ ખાય? ‘અગ્નિવીર’ યોજનાની ભરતીમાં પણ આટલો લાંબો ઇન્ટરવ્યુ કે પડપૂછ ન હોય. ચાર વરસની નોકરી માટે ચાર પ્રશ્ર કાફી કહેવાય. એક દેશમાં એક કૂતરાંને દત્તક લેનારને ત્યાંના કૂતરા દીઠ સાડા ચાર હજાર રૂપિયા આપે છે. રાજુ એટલા રૂપિયા માટે શ્વાનપાલક થાય નહીં. અફઘાનિસ્તાનના શિક્ષણમંત્રી ભણવાને બદલે બૉમ્બ બનાવવાની તાલીમ લેવાની યુવાનોને નસીહત આપે છે. રાજુ બૉમ્બ તો શું ટીકડી પણ ફોડતાં બીવે છે.

આમ છતાં, રાજુ રદીએ એક જાહેરખબર જોઈને નોકરી માટે અરજી કરેલી. એ કંપની ચીનના શૈડોંગ પ્રાંતમાં અંતિમ સંસ્કારની સેવા આપવાનું કામ કરે છે. પ્રાચીન સમયમાં મૃતદેહોની અંતિમ વિધિ ચાંડાલ લોકો કરતા હતા. આ નોકરી ચાંડાલનું સુધારેલું રૂપ હતું, જેમાં મૃતદેહને મોર્ચરી-મોર્ગમાંથી લાવવા ન્યૂનતમ દસ મિનિટ ફ્રીજીંગ ટેમ્પરેચરમાં રહેવું ફરજિયાત હતું. આ કામ માટે પગાર માત્ર પચ્ચીસ હજાર રૂપિયા મળનાર હતો.

રાજુ રદીએ નોકરીની બોલી અને શરતો જાણીને પણ જય રણછોડ થવાનો માર્ગ અખત્યાર કર્યો એવું મે ચંદુ ચૌદસ પાસેથી સાંભળ્યું છે. આ જગ્યા હજુ ખાલી છે. વાચકો તમે બેકાર હોવ તો અત્યારે જ ફૉર્મ ભરી નોકરી પાકી કરો. કમસે કમ તમારા કપાળ પરથી ‘બેરોજગાર’નું લેબલ તો ભૂંસાશે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button