રાષ્ટ્રીય પક્ષી દિવસ: માત્ર પ્રવાસીઓને જ નહિ પણ દેશવિદેશના પક્ષીઓને પણ આકર્ષે છે ગુજરાત; વાંચો અહેવાલ
અમદાવાદ: દેશમાં દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ (National Bird Day 2025) ઉજવવામાં આવે છે. પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે. બૉર્ન ફ્રી યૂએસએ (Born Free USA) અને એવિયન વેલફેરના ગંઠબંધને (Avian Welfare Coalition) વર્ષ 2002માં પહેલીવાર રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. જો કે ગુજરાત પક્ષીઓના વૈવિધ્યથી ભરપૂર રાજ્ય છે. ગુજરાત યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન છે.
ગુજરાતમાં અદ્ભુત પ્રવાસન સ્થળો ઉપરાંત, ગુજરાત પક્ષી પ્રેમીઓ કે નિરીક્ષકો માટે પણ સ્વર્ગ સમાન છે, કારણ કે ગુજરાત હજારો પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. ગુજરાતનું ભૌગોલિક સ્થાન બે પરંપરાગત પક્ષીઓના સ્થળાંતર માર્ગો વચ્ચે આવેલું છે, એક મધ્ય પૂર્વ અને યુરોપથી દ્વીપકલ્પ તરફ અને બીજો ભારત મધ્ય અને ઉત્તર એશિયાથી પૂર્વ આફ્રિકા સુધી.
આમ ગુજરાત યાયાવર એટલે કે સ્થળાંતર કરતાં પક્ષીઓ માટેનું એક સંપૂર્ણ આરામનું સ્થળ છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે અંદાજે 1.3 મિલિયન સ્થળાંતરિત પક્ષીઓ ગુજરાતના નાનામોટા મળીને 1,419 વેટલેન્ડ્સમાં આવે છે. કચ્છના રણ અને જામનગરની આસપાસના ક્ષેત્ર પેલિકન, ફ્લેમિંગો અને એવોસેટ્સ માટે સંવર્ધન સ્થળ તરીકે ઘોષિત થયેલા છે.
રાજ્યનો સૌથી મોટો જિલ્લો અને ભાતીગળ પ્રદેશ કચ્છ તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિના કારણે યાયાવર પક્ષીઓ માટેનું કેન્દ્ર છે. કચ્છમાં રણ છે, દરિયો છે, ડુંગરો પણ છે અને ઘાસિયા મેદાનોની સાથે સાથે કાંટાળા વન, ચેરિયા અને જળપ્લાવિત વિસ્તારો પણ આવેલા છે. આમ વિવિધ નિર્વસન તંત્રના કારણે વિવિધ પક્ષીઓની પ્રજાતિ અહીં આશ્રય મેળવે છે. દર વર્ષે લાખો પક્ષીઓ શિયાળો ગાળવા માટે કચ્છમાં આવે છે. કચ્છમાં કુલ મળીને 270 થી વધુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે.
છારી ઢાંઢ એ કચ્છના બન્નીના મેદાની પ્રદેશમાં આવેલું છે. જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 80 કિલોમીટરના અંતરે છે. છારી ઢાંઢ લગબહગ 80 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. છારી ઢાંઢ ખારાશ ભર્યા અને છીછરી ભેજવાળી જમીનમાં આવેલું છે. તે મોસમી રણની ભીની જમીન છે અને સારા ચોમાસા દરમિયાન તે ભેજવાળી બને છે. આ પ્રદેશમાં 74 થી વધુ વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.
પક્ષીવિદો માટે તીર્થ સ્થાન નળ સરોવર
નળ સરોવર અમદાવાદથી 60 કિમી.ના અંતરે અમદાવાદ અને સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક આવેલુ છે. મૂળ રીતે જ્યારે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ હતો ત્યારે અહી સમુદ્ર હોવાનું માનવામાં આવે છે, આ સમુદ્ર કચ્છ અને ખંભાતના અખાતને જોડતો હતો. કાળક્રમે અહી અહી સરોવરનું નિર્માણ થયું છે. નળસરોવર 126.11 ચોકિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. નળ સરોવરની લંબાઈ 32 કિમી અને પહોળાઈ 6 કિમી જેટલી છે. વર્ષના મોટા ભાગ દરમિયાન તેમાં ખૂબ ઓછું વધતાં પ્રમાણમાં પાણી રહે છે.
નળ સરોવર યાયાવર પક્ષીઓનું કેન્દ્ર છે. અહી ઉત્તર ગોળાર્ધના વ્યાપતિ શીત કટિબંધની વિષમ પરિસ્થિતિથી બચવા માટે છેક સાઇબીરિયાથી શિયાળાની શરૂઆતથી પક્ષીઓ આવવા માંડે છે અને તેઓ છેક માર્ચ મહિના સુધી અહીં નિવાસ કરે છે. કેટલાંક પક્ષીઓ માળા બાંધી પ્રજનન માટે પણ રહેતાં હોય છે. અહી સૌથી વધુ પક્ષીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે.
નળ સરોવરમાં લગભગ 60 પ્રકારનાં જુદા જુદા જળચર પક્ષીઓ જોવા મળે છે. તેમાં સુરખાબ, કીચડિયો, રાજહંસ, ગુજબ, કંકણસાર, ધોળી કંકણસાર, કાળી કંકણસાર, ઊજળી નાની બતક, ધોળી આંખ કરચિયો, દેવાક, જળમાંજાર, કાળો જળમાંજાર, વાંકી ચાંચ, જળકૂકડી, માછીમાર ઘુવડ, ટીંટોડી, સારસ, સર્પગ્રીવા, વિલાયતી ખલીલી, જળ-કાગડો, ઢોર-બગલો, કુંજ તેમજ બ્રાહ્મણી બતક જેવા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
થોળ પક્ષી અભ્યારણ
ગુજરાતના મહેસાણાના થોળમાં પક્ષી અભ્યારણ આવેલું છે. જેમાં દર વર્ષ અસંખ્ય પક્ષીઓ હજારો કિલોમીટરનો પંથ કાપીને અહી આવે છેકડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષીઓ હજારો કિમી કાપીને પહોંચે છે. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર છે. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત લગભગ 7 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરે છે.
થોળ તળાવમાં ઘણા કૃત્રિમ ટાપુઓ છે જે પક્ષીઓની લગભગ 75 પ્રજાતિઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં ફ્લેમિંગો, ગ્રેટ વ્હાઇટ પેલિકન, કોમન ક્રેન, ગ્રેલેગ હંસ, ગ્લોસી આઇબીસ, બ્લેક આઇબીસ, મલાર્ડ્સ, સરસ ક્રેન, ફ્લાય કેચર્સ, ઓડ સ્પોટેડ અને યુરેશિયન કર્લ્યુનો સમાવેશ થાય છે. ગુજરાતનું થોલ પક્ષી અભયારણ્ય પક્ષી નિરીક્ષકો માટેનું સુંદર સ્થળ છે. ગુજરાતનું આ પક્ષી અભયારણ્ય શ્રેષ્ઠ ગુજરાત પક્ષી અભયારણ્યની યાદીમાં સામેલ છે.
જામનગર જિલ્લામાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ કિનારે આવેલો એક જળપ્લાવિત વિસ્તાર છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની નજીક આવેલા છે. આ સ્થળ યાયાવર પક્ષીઓના માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં આવે છે.
તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો પણ મળ્યો છે. અહી કુલ 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાં 170 જેટલા યાયાવર પક્ષીઓ છે, જ્યારે 29 જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે. અહી કાળી ડોક ઢોંક, રાખોડી કારચીયા, નાની કાંકણસાર, મોટી ચોટલી ડૂબકી વગેરે જોવા મળે છે. અહી લગભગ 100 જેટલી જાતિના પક્ષીઓ બચ્ચાઓને જન્મ આપે છે. ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ વર્ષ 1984માં આ અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે તેમણે 104 જાતના પક્ષીઓની ઓળખ એક જ દિવસમાં કરી આપી હતી.
આ પણ વાંચો…NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો
ગુજરાતનું પક્ષી વૈવિધ્ય
આજે પક્ષી અભ્યારણ્યો પણ પ્રવાસીઓનું કેન્દ્ર બની રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ પક્ષીઓની ખૂબ જ સમૃદ્ધ વિવિધતા છે. ભાવનગરમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ચોમાસાના મહિનાઓ દરમિયાન લુપ્ત થવાના આર આવેલા ઘોરાડનું એક સંવર્ધન સ્થળ બની ગયું છે. જૂનાગઢની ગિરનાર પર્વતમાળામાં ગિરનારી ગીધ છે. કચ્છના નલિયામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ અભયારણ્ય છે. પોરબંદરના બરડા ડુંગરમાં દુર્લભ ક્રેસ્ટેડ હોક ઇગલ અને સ્પોટેડ ઇગલ જોઇ શકાય છે. નર્મદામાં શૂલપાણેશ્વર, પંચમહાલમાં જાંબુઘોડા, દાહોદમાં રતનમહાલ અને ડાંગમાં આવેલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પણ પક્ષી નિહાળવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે.