ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -20
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ
બીજે જ દિવસે અભિ અને અકબર પીઆર સુખી ગુલાટીની સામે બેઠા હતા. ‘સર, મૈં જો કૂછ ભી હું…આપકી મહેરબાની હૈ. આપકા અહેસાન ચુકાના ચાહતા હું.’ ‘બડી અચ્છી બાત હૈ. સુન કર અચ્છા લગા.’ પછી અકબર તરફ મોં કરીને કહ્યું: ‘મિયાં, ક્યા ફિક્સ કરને આયે હો.?’ અકબરની અસલિયત ગુલાટીથી છૂપી નહતી અને એટલે જ અકબરના ચહેરા પર ઝાંખપ ન આવી. ‘ગુલાટીસા’બ, અભિ આપકા અહેસાન ચુકાના ચાહતા હૈ…કેસે ચુકાના યે ફિક્સિંગ મેરા હૈ.’
‘સર, મેરી ઇચ્છા હૈ… આપ મેરી સારી ફિલ્મોં કા ડિસ્ટ્રીબ્યુશન કરો. પ્રોડ્યુસર્સ સે આપકો ડિસ્ટ્રીબ્યુશનશિપ મૈં દિલાઉંગા…..આપકા નામ હોગા. ડિસ્ટ્રીબ્યુટર સુખી ગુલાટી. સારા પૈસા મેરા હોગા. આપ જો કમાઓ ઉસ પૈસો સે અપની સ્ટાઇલ કી ફિલ્મેં બનાના.’ ‘અહેસાન ચુકાને કી અભિ કી ઇચ્છા કે પીછે કા તુમ્હારા ફિક્સિંગ ક્યા હૈ અકબર.?’ ગુલાટીએ પૂછ્યું. ‘હબીબ ઔર આદિલ ખાન. યે દોનોં અભિ કી કરિયર ખતમ કરના ચાહતે હૈ.’ અકબરે કહ્યું. ‘ઓહ, તો અભિ મેરા અહેસાન ચુકાયેગા ઔર મૈં ઉસકી કીમત ચુકાઉંગા.’ ગુલાટીએ કહ્યું. ‘ગુલાટી સા’બ, હબીબ આપકે સામને ચું તક નહીં કર સકતા યે મૈં જાનતા હું…વરના વો આપકી ફિલ્મ એક ટુકડા આકાશ બનને નહીં દેતા’ ‘….ઔર મૈં એક્ટર નહીં બન પાતા’ અકબરનું વાક્ય કાપતા અભિએ કહ્યું.
‘અકબર, તુમ્હારા નામ અકબર હૈ, લેકિન તુમ્હારા દિમાગ બીરબલ કા હૈ’ સુખી ગુલાટી હસ્યો. ‘સર, તો યે બાત મૈં પક્કી સમજું?’ અભિએ હસીને પૂછ્યું. ‘રિલીઝ કે લિયે તુમ્હારી કૌન સી ફિલ્મ તૈયાર હૈ, અભિ?’ ‘ટક્કર કાંટે કી’ અભિ બોલ્યો. અને ત્રણેય હસી પડ્યા.
‘ગુલાટી, અભિ અને અકબરે હાથ મિલાવ્યા. ગુલાટીએ રાતોરાત ડિસ્ટ્રીબ્યુશન કંપની ખોલી નાખી……અભિએ ફિલ્મના નિર્માતાઓ પાસેથી ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ સુખી ગુલાટીને અપાવ્યા, પણ એમાં ફિલ્મના એક્ઝિબિશનને લઇને અડચણ ઊભી થવાની શક્યતા હતી. એક્ઝિબિટર્સ એટલે કે થિયેટરમાલિકો હબીબની ધાકને લીધે ડિસ્ટ્રીબ્યુટર સુખી ગુલાટીની ફિલ્મ ન બતાવે તો શું કરવું.? એનો રસ્તો અકબર પાસે હતો. એણે અભિની ફિલ્મ બતાવવા માગતા એક્ઝિબિટર્સને ચોક્કસ અઠવાડિયા માટેની ચોક્ક્સ રકમ ચુકવીને સુખી ગુલાટીને રાઇટ્સ અપાવી દીધા. થિયેટર માલિકો પરથી પૈસાનું કે હબીબની ધમકીનું જોખમ ઘટી ગયું. હબીબની ધમકી પહોંચે તે પહેલાં બધું ગોઠવાઇ ગયું હતું. અભિની એક પછી એક ફિલ્મ રિલીઝ થઇ….બતાવાઇ. એની તવાઇ ન તો અભિ પર આવી ન તો ગુલાટી પર આવી.
અભિ એક પછી એક હિટ ફિલ્મો આપવા લાગ્યો. પ્રોડ્યુસરો માટે એ લકી સાબિત થતો ગયો. અકબર પીઆર અભિના કામમાં વ્યસ્ત થઇ ગયો. સુખી ગુલાટી અભિની ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશન અને એક્ઝિબિશનમાંથી કમાવા લાગ્યો. અને એની કમાણીમાંથી પોતાને ગમતી આર્ટ ફિલ્મો બનાવતો ગયો.
ગાંડી ગણાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ફરી એકવાર પોતાનું ગાંડપણ બતાવી આપ્યું. અભિને હીરો બનાવી દીધો. એ વાત જુદી છે કે અભિ પાસે અભિનય કળાનો ખજાનો હતો…..એ જન્મજાત અદાકાર હતો…સાથે સાથે એની પાસે લોકોને વાપરવાની કળા પણ હતી…..કદાચ કુદરતી અભિનય કળાની સાથે એની પોતાની આ કળા પણ કામ કરી ગઇ…..કોઇપણને વશમાં લઇ લેવાનો એનો ચાર્મ એને ચરમસીમાએ લઇ ગયો. અભિ સીમાની રૂમમાંથી લોજમાં અને લોજમાંથી લિવ એન્ડ લાઈસન્સમાં….લિવ એન્ડ લાઈસન્સમાંથી પોતાના ફ્લેટમાં અને પછી બાંદરામાં પોતાના આલીશાન બંગલામાં પહોંચી ગયો. એનો વ્યાવસાયિક સિતારો સાતમે આસમાને હતો પણ સામાજિક કે અંગત જીવનમાં આવનારી મુસીબતનો કદાચ એને અંદાજ નહતો. અભિએ કેટલીક ફિલ્મોમાં શીલાને રોલ અપાવીને એની કરીઅર પણ બનાવી હતી. જોકે શીલાને અભિ સાથે ઘરસંસાર માંડવામાં કોઇ રસ નહતો., પણ પોતાને અભિની સૌથી નિકટ માનતી પ્રિયા ખુલી આંખે જોયેલું સપનું સાકાર થાય એની ઘડીઓ ગણતી હતી. અભિ પ્રિયાને ટાળતો નહતો, પણ લગ્નની વાત પણ કરતો નહતો…..પ્રિયા અભિની ઝળહળતી કારકિર્દી જોઇને હરખાતી ને અભિના જવાબની રાહ જોતી. બીજી બાજુ, સીમા એની એ જ રૂમમાં પહેલા જેવું જ જીવન વીતાવતી હતી.
અને કોઇ રાજા છુપા વેશે રાત્રિચર્યા કરવા નીકળે એમ અભિ ચોરીછૂપીથી સીમા પાસે પહોંચી જતો. સીમા પાસે આ કેવું ચુંબકીય આકર્ષણ હતું જે અભિને ખેંચીને સીમાની નાનકડી રૂમમાં લઇ જતું. એક રાતે એણે સીમાના વાળમાં હાથ ફેરવાતા કહ્યું: ‘સીમા, હવેથી હું અહીં નહીં આવું.‘કોઇપણ સંબંધ હોય એની એક સીમા હોય છે….હદ હોય છે…મર્યાદા હોય છે. તું એક હદ સુધી સીમા સુધી પહોંચ્યો…હવે તારી મર્યાદા આવી ગઇ છે.’ સીમાએ કહ્યું.
‘સીમા, હું અહીં નહીં આવું, પણ તું મારી સાથે રહીશ…મારા બંગલામાં.’ અભિ બોલ્યો અને સીમાએ સ્વીચ ઓન કરીને રૂમમાં અજવાળુ કર્યું. ‘તું આ શું બોલે છે અભિ.?’ એણે પૂછ્યું. ‘હા સીમા, હું તારી સાથે લગ્ન કરવા માગું છું?’ અભિએ લાઇટ ઓફ્ફ કરીને સીમાને બાહુપાશમાં જકડી લીધી.
આદિલ ખાનના આખાય શરીરમાં ઝનુન પ્રસરી ગયું હતું શોહરતની કાચી દિવાલને ટેકે ઊભેલો હીરો આદિલ ખાન અભિની સામે અભિનયમાં ટકી શકે એમ નહતો એટલે એ વિલનિયત પર ઉતરી આવ્યો હતો. એણે ખૂબ ધમપછાડા કર્યા ને રોજ હબીબનું માથું ખાવા લાગ્યો હતો. ‘હબીબભાઇ, અભિ કી ફિલ્મેં નહીં રોક પાતે હૈ તો ઉસકો રાસ્તે સે હટા દો’
સાંભળીને હબીબનું માથું ફરી ગયું. એણે દોસ્તીયારીનો મુખવટો હટાવીને અન્ડરવર્લ્ડનો અસલી ચહેરો બતાવ્યો. ‘ઇસકો સુપારી કહેતે હૈ. ફૂકટ મેં નહીં હોગા…પચાસ લાખ હોગા. મુઝે વિદેશ મેં બૈઠે ભાઇ કો પૈસે ઔર જવાબ દેના પડેગા.’
અભિ નામના કાંટાને કાયમ માટે રસ્તામાંથી દૂર કરવાની સુપારી પચાસ લાખ.? આદિલ ખાન હબીબને ભરોસે બેઠો હતો. દોસ્તીદાવે કામ પતી જશે એવા વહેમમાં હતો. ‘હબીબભાઇ, ભાઇ સે બઢકર હમારી દોસ્તી હૈ…. કૂછ તો લિહાઝ કિયા હોતા ઇતની બડી રકમ માંગને સે પહેલે.’‘દોસ્તી હૈ ઇસલિયે મૈને અભિ કી ફિલ્મે રોકને કી કોશિશ કી….લેકિન ગુલાટી કે પાસ અભિ કી ફિલ્મે દિખાને કે અપને રાસ્તે થે. અબ બાત અભિ કી સુપારી કી હૈ તો……બડા પૈસા લગેગા.’ હબીબે સાફ શબ્દોમાં કહી દીધું. ‘મૈં આપકી દસ ફિલ્મે મુફત મેં કરુંગા…..આપ મેરા કામ કર દો.’ આદિલે રસ્તો બતાવ્યો.
‘તુમ ઔર તુમ્હારી ચાર હિરોઇન જિસ કે સાથ તુ સોતા હૈ….સબ મિલ કે કોન્ટ્રેક્ટ પર સાઇન કર દો…તો સમજો તુમ્હારા કામ હો ગયા.’ આદિલ ખાન પોતાની ખાતરી આપી શકે એની સાથે કામ કરતી બીજી ખ્યાતનામ અભિનેત્રીઓ વતી એ કઇ રીતે કહી શકે.? છતાં એણે ટાઇમ માગ્યો….હિરોઇનોને સમજાવવા પટાવવાની કોશિશ કરી જોઇ…અંતે બધેથી ના સાંભળીને ભિખારી જેવું મોઢું લઇને હબીબ પાસે ગયો. હબીબ એનું મોં જોઇને હસવા લાગ્યો. ‘બહુત ઝ્યાદા માંગ લિયા આપને હબીબભાઇ?’ એણે કહ્યું. ‘કામ ભી બડા હૈના….તુ ભી તો પ્રોડ્યુસરોં સે બડા પૈસા લેતા હૈના…ઔર યે મેરા ધંધા હૈ…..ધંધે મેં ના યારી હૈ, ના દોસ્તી.’ હબીબને સાંભળીને આદિલ ખાન ઘવાયો….લોહીલોહાણ કાળજા સાથે એ ફિલ્મીસ્ટાઇલે હબીબને ભેટીને નીકળી ગયો.
જખ્મી આદિલ ખાન પાંજરે પુરાયેલા સિંહની જેમ રૂમમાં આંટા મારી રહ્યો હતો. એની સામે અભિનો ચહેરો ફરતો હતો. અચાનક હબીબનો અસલી ચહેરો સામે આવતા એણે હાથમાં પકડેલો ગ્લાસ ટીવીના પરદા પર ફેંક્યો. કાચના અવાજથી દોડી આવેલા નોકરોને ગાળો ભાંડીને ભગાડી મૂક્યા. ‘હબીબ, કહાં ગયા તેરા ભાઇચારા.? મૈં ભાઇ ભાઇ કહેતા રહા ઔર તુ મુઝે ચારા સમઝતા રહા. દેખ લુંગા…તુઝે દિખા દુંગા.’
આદિલ ખાનના પગની સાથે સાથે જુબાન પણ લડખડાતી હતી, ઇર્ષાની આગમાં એનું દિમાગ લબકરા મારતું હતું. એણે નવો પેગ બનાવીને ટેલિફોનનું રિસિવર ઊચક્યું ને પાંજરામાંથી માંડ છુટેલા સિંહની જેમ ગર્જના કરી: ‘હબીબ, તૂ નહીં તો ઔર સહી…ઔર સહી……તૂ ખિલાડી હૈ તો મૈં ભી અનાડી નહીં હું.’ એણે એક નંબર ઘૂમાવીને કહ્યું: ‘હેલો બસ્તા શેઠ….મૈં આદિલ ખાન.’
(ક્રમશ:)