Happy Birthday: રીયલ લાઈફમાં મેન્ટલ હેલ્થ વિશે વાત કરવાની હિંમત બતાવી આ અભિનેત્રીએ
તમે સામાન્ય જીવન જીવતા હો ત્યારે પણ દુઃખી છો તેવું દુનિયાને દેખાડવા માગતા નથી. ખાસ કરીને આજે પણ જો આપણે નિરાશા, તાણ અને માનસિક થાક અનુભવતા હોઈએ તો ઘરના કે નજીકના લોકોને કહેતા નથી. આ રીતે નિરાશામાં ડૂબી ઘણા લોકો આત્મહત્યા કરી લે છે. પરિવાર પણ આ મામલે કોઈને ખબર ન પડે તેનું ધ્યાન રાખે છે. વળી, ડોક્ટર પાસે જવાનું ટાળીએ છીએ અને એક મોટો વર્ગ હજુ ભુવાભરાડા પાસે જાય છે અને ચિત્રવિચિત્ર ઈલાજ કરી દરદીને વધારે બીમાર કરી નાખે છે.
જો આપણે આટલો છોછ અનુભવતા હોઈએ તો એક સફળ અભિનેત્રી માટે દુનિયા સામે કહેવું કે મને ડિપ્રેશન ફીલ થાય છે કે હું માનસિક રીતે સ્વસ્થ નથી કેટલું અઘરું હશે. આ અઘરું કામ કરી બતાવ્યું છે આજની બર્થ ડે સેલિબ્રિટીએ. તેણે માત્ર પોતાની નિરાશામાંથી બહાર આવવાનું કામ નથી કર્યું, પરંતુ આ વિશે ખુલીને વાત કરી છે અને આવા નિરાશાથી પીડાતા દરદીઓની મદદ માટે સંસ્થા પણ બનાવી છે. આ અભિનેત્રી છે લેડી સિંઘમ એટલે કે દીપિકા પદુકોણ.
જવાની દિવાનીની નૈના તલવારથી પોતાની સફળ કારકિર્દીમાં તે સતત આગળ વધી રહી છે. શરૂઆત તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંત ઓમથી કરી હતી, પરંતુ ધીમે ધીમે તે સફળતાની સીડી ચડતી ગઈ. 2014ના અરસામાં તેને કોઈ ખાસ કારણો વિના જ નિરાશાનો અનુભવ થવા લાગ્યો.
આખો દિવસ સૂતા રહેવાનું, કામ ન કરવાનું અને કંઈક ખૂટતું હોય તેવું તેને સતત લાગ્યા કરતું. આ બધી વાતો તે કોઈ સાથે કરતી નહી અને એક સમયે એવો આવ્યો કે તેને આત્મહત્યા કરવાના વિચારો આવ્યા લાગ્યા. પોતે માતા-પિતા સામે પણ કંઈ કહી શકતી ન હતી. પણ મા તે મા…દિપિકાની માતા ઉજ્જલા એકવાર જ્યારે મુંબઈ આવી ત્યારે તેને લાગ્યું કે દીકરી ખુશ નથી. તેણે દીપિકા સાથે વાત કરી અને સમજાયું કે દીકરી માનસિક તાણનો ભોગ બની છે. ત્યારબાદ ડોક્ટરની સલાહ અને માતાની કાળજીએ તેને આમાંથી ઉગારી. પોતે જ્યારે સ્વસ્થ થઈ ત્યારે તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી અને લીવ,લવ,લાફ નામની એનજીઓની જાહેરાત કરી, જે માનસિક બીમારી સામે ઝઝૂમતા દરદીઓની મદદ કરે છે.
દીપીકાએ મહારાષ્ટ્રના આંબેગાંવ તાલુકાનું એક ગામ દત્તક લીધું છે અને અહીં તે વીજળી પૂરી પાડે છે. તેણે એક અંગ્રજી અખબારમાં લાઈફસ્ટાઈલ સેક્શનમાં લેખો લખીને પણ માનસિક સ્વાસ્થ્ય મામલે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે. દીપિકા ઘણા કાર્યક્રમોની બ્રાન્ડ એમ્બેસેડર બની છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો…Kiara Advaniને હોસ્પિટલમાં દાખલ નથી કરાઈ? જાણો ટીમે શું કહ્યું…
દિપીકાનું નામ ઘણા પુરુષો સાથે જોડાયું પણ તેણે અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા અને ગયા વર્ષે તે દુઆ નામની એક પુત્રીની માતા બની. હવે તે માતા તરીકેની જવાબદારી નિબાવી રહી છે અને સાથે સાથે હીટ ફિલ્મો પણ આપી રહી છે. 2006થી શરૂ કરેલી તેની કરિયર ઘણી લાંબી અને સફળ રહી છે, પરંતુ પોતાની મર્યાદાઓ કે માનસિક બીમારીમાંથી બહાર આવવાનું સાહસ તેણે કર્યું છે તે ખરેખર કાબિલ-એ-તારિફ છે. આજે તેનો 39મો જન્મદિવસ છે. તેને ખૂબ ખૂબ શુભેચ્છા.