એક ભૂલ ને સાબરકાંઠાનો પરિવાર વિખેરાયોઃ પતિની નજરની સામે જ પત્ની અને બે પુત્ર…
ભુજઃ કચ્છના બંદરીય મુંદરાના ભદ્રેશ્વર પાસે માલગાડી નીચે પડતું મૂકીને યુગલે આપઘાત કર્યો હોવાના બનાવની અરેરાટી હજુ શમી નથી ત્યાં અંજારના ભીમાસર પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ જતાં પતિની નજર સમક્ષ પત્ની અને બે પુત્રો સહિત ત્રણના મૃત્યુ થયાં છે.
ગત શુક્રવારે રાત્રે અંદાજે ૧૧.૩૦ કલાકે ભીમાસર રેલવે સ્ટેશન પાસે બનેલી આ કરુણાંતિકા અંગે રેલવે પોલીસના સાધનોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાનો શ્રમજીવી પરિવાર રેલવે પાટા ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરઝડપે પસાર થયેલી ‘કચ્છ એક્સપ્રેસ’ નીચે ત્રણ જણનાં કપાઈ જવાથી મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં જનતાબેન જગતભાઈ વાલ્મીકિ (૩૦), ૯ વર્ષના પુત્ર મહેશ અને અઢી માસના પુત્ર પ્રિન્સનો સમાવેશ થાય છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હતભાગી પરિવાર મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામનો વતની છે અને અંજારમાં એક કંપનીમાં મજૂરી કરે છે.
પરિવાર રજા માણવા વતન ગયો હતો અને પાલનપુરવાળી ટ્રેનમાં બેસીને કચ્છ પરત ફર્યો હતો. ભીમાસર ગામે કૌટુંબિક મામા રહેતાં હોઈ પરિવાર તેમને મળવા માટે ભીમાસર રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો.રાતના અંધારામાં યુગલ સંતાનોના હાથ પકડીને રેવલે ટ્રેકને ક્રોસ કરી રહ્યું હતું તે સમયે ધસમસતી આવેલી ટ્રેન નીચે માતા અને બે માસૂમ પુત્રો કપાઈ જતાં સ્થળ પર જ તેમના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં.
Also read: ભુજબળ ભાજપ સાથે જશે કે પછી અજીત પવાર સાથે જ રહેશે?, એનસીપીના નેતાનું મોટું નિવેદન
ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પરિવારે જો રેલવે ટ્રેક ક્રોસ કરવાનું જોખમ ન ઉઠાવતા રેલવે બ્રિજ દ્વારા એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવાની સાવધાની વરતી હોત તો આવો કરૂણ અંજામ ન આવ્યો હોત. અંધારામાં કે અજવાળા દિવસના કોઈપણ સમયે રેલવે ટ્રેક ક્રોસ કરવાની ભૂલ કોઈએ પણ ન કરવી જોઈએ. તમારી સુરક્ષા માટે જે તે વ્યવસ્થાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે તેનું અચૂકપણે પાલન કરો નહીંતર એક ભૂલ જીવનભરનો સંતાપ બની જાય છે.