સ્પોર્ટસ

IND vs AUS: સિરીઝ હાર છતાં બુમરાહ ઝળક્યો, જાણો મેચ બાદ શું કહ્યું

સિડની: ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગયેલી ઇન્ડિયન ક્રિકેટ ટીમે ફરી (India lost test series against Australia) ચાહકોને નિરાશ કર્યા, પાંચ મેચની સિરીઝમાં ઇન્ડિયન ટીમને 1-3 હાર મળી. પર્થ ટેસ્ટને બાદ કરતાં આ સમગ્ર સિરીઝમાં ઇન્ડિયન ટીમના બેટર્સ નિષ્ફળ રહ્યા. બોલિંગમાં જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah) એકમાત્ર એવો બોલર હતો, શાનદાર પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા. જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહે 5 મેચની સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બન્યો હતો. જો કે બુમરાહ એકલા હાથે ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતાડી શકે એમ ન હતો.

કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન:
આ સિરીઝમાં ભારતે એક માત્ર પર્થ ટેસ્ટમાં રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી, આ મેચ બુમરાહ કેપ્ટન હતો. ત્યારબાદ સિરીઝની છેલ્લી મેચમાં પણ તેણે કેપ્ટનશિપ કરી હતી, જોકે ઈજાને કારણે તે ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો ન હતો. જો બુમરાહ બીજી ઇનિંગમાં ઉપલબ્ધ હોત તો કદાચ 162 રન કરવા ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ હોત.

ઈજાને કારણે બુમરાહને સ્કેન માટે હોસ્પિટલમાં જવું પડ્યું. આ પછી તે ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો નહોતો. આ હારથી કેપ્ટન બુમરાહ ઘણો નિરાશ છે.

હાર બાદ બુમરાહે શું કહ્યું?
જસપ્રિત બુમરાહે કહ્યું કે આવી વિકેટ પર બોલિંગ ન કરી શકવી એ નિરાશાજનક છે. અમારી ટીમમાં એક બોલર ઓછો હતો અને અન્ય બોલરોએ વધારાની જવાબદારી લેવી પડી હતી. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં રમતમાં હતી, એવું નથી થયું કે અમે એકતરફી મેચ હારી ગયા. આ સિરીઝમાંથી અમારે ઘણું શીખવાનું છે.

તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં તમારે પરિસ્થિતિ અનુસાર રમવાનું હોય છે અને આ શીખ અમને ભવિષ્યમાં ઉપયોગી થશે. ટીમમાં ઘણી પ્રતિભા છે અને યુવા ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. આ ખૂબ જ સારી સિરીઝ હતી, ઓસ્ટ્રેલિયાને અભિનંદન, તેઓ આ જીતના હકદાર છે.

આ પણ વાંચો…IND vs AUS: WTC ફાઈનલ રમવાનું ટીમ ઇન્ડિયાનું સપનું તૂટ્યું, સિડની ટેસ્ટમાં પણ નાલેશીભરી હાર

ઈજા અંગે શું કહ્યું?
જસપ્રીત બુમરાહે સિરીઝ ગુમાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ તેની ઈજા અંગે કોઈ અપડેટ આપી ન હતી. બુમરાહની ઈજાને અંગે આગામી દિવસોમાં અપડેટ મળી શકે છે. જો ઈજા ગંભીર નીવડશે તો ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હોઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા મહિને રમાશે, જે પહેલા ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ રમશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button