આયુર્વેદ આવ્યું છે ક્યાંથી?
કેન્વાસ -અભિમન્યુ મોદી
આપણો દેશ જબરો છે. બધા દેશમાં ધ્રુવીકરણ થતું હોય. બે પક્ષ લડતા હોય. બે વિચારસરણી ધરાવતા લોકો બાખડતા હોય. એમાં પોલિટિક્સ પણ ભળે. ભારત એટલે યુનિક છે કે એમાં ઝઘડાની સાથે રાજકારણ ઉપરાંત ધર્મ પણ ભળે. આયુર્વેદ અને મેડિકલ એલોપેથી વચ્ચે પણ જે ઝઘડો ચાલતો આવે છે અને બાબા રામદેવ અને બીજાં તત્ત્વોને કારણે તે ક્યારેક ક્યારેક ભડકે પણ બળે છે. આવા ઈસ્યૂ-મુદ્દામાં ધાર્મિક તણાવ પણ છે, એજેન્ડા પણ છે, વેપાર પણ છે અને એવું પણ ઘણું બધું છે, જેની આપણને નથી ખબર. મેડિકલ-એલોપેથી અને આયુર્વેદ વચ્ચેનાં વર્ષો જૂના ગજગ્રાહમાં એકબીજા ઉપર દોષારોપણ થાય ને સાચા-ખોટા દાવા પણ થાય. હિંદુઈઝમ અને ખ્રિસ્તી ધર્મને લઈને પણ દલીલો આવે. આપણે એ ઝઘડામાં તો નથી પડવું અને કયો રસ્તો વધુ બેટર છે એ વાત પણ નથી કરવી. એ બધાથી વધુ રસપ્રદ છે આયુર્વેદનો ઇતિહાસ કે આયુર્વેદ આવે છે ક્યાંથી? આયુર્વેદને વેદ કહે છે, પણ એ મુખ્ય વેદ નથી. ભારતવર્ષના પાયામાં ચાર વેદ છે. એ ચાર વેદના પાયા ઉપર હિન્દુસ્તાન નામના દેશનો ઇતિહાસ ખડો છે. એમાં સૌથી જૂનો વેદ એટલે ઋગ્વેદ. આયુર્વેદને ઋગ્વેદના એક ઉપવેદ તરીકે પણ જોવામાં આવે છે. ગંગાકિનારે રહેનારા આર્યો તરીકે ઓળખાવા લાગ્યા. આર્ય એટલે સારા-નોબેલ માણસ. આયુર્વેદને આર્યોનું વૈદ્યકશાસ્ત્ર પણ માનવામાં આવતું. પ્રાચીન ભારતનું ચિકિત્સાશાસ્ત્ર એટલે આયુર્વેદ. આ આયુર્વેદનો ઉદ્ભવ કઈ રીતે થયો? એ જાણવા જઈએ તો બે રસ્તા મળે.
એક રસ્તો દંતકથાઓ કે માયથોલૉજિકલ સ્ટોરીનો છે અને બીજો રસ્તો ઇતિહાસકારો અને સંશોધકોને જે સાબિતીઓ મળી છે તે છે અર્થાત્ આયુર્વેદની ઉત્પત્તિની એક વાત માનવા માટે શ્રદ્ધા જોઈએ. આયુર્વેદના ઉદ્ભવની બીજી થિયરીમાં સાયન્સ છે, પણ બધાંનાં જ સાયન્ટિફિક પરિમાણો હોતાં નથી. દંતકથાવાળો ઇતિહાસ પહેલાં જોઈએ. સૌપ્રથમ આપણે પહેલાં એટલે કે ધાર્મિક રસ્તે આયુર્વેદના ઉદ્ભવનો તાગ મેળવવાની કોશિશ કરીએ. આયુર્વેદ એટલે ઉપવેદ અને તે બ્રહ્મા અર્થાત્ બ્રહ્મદેવના પૂર્વ મુખમાંથી નીકળ્યાનું માનવામાં આવે છે, જેના સૌથી પહેલાં આચાર્ય અશ્વિનીકુમાર હોવાનું મનાય છે. અશ્વિની કુમાર પાસેથી ઇંદ્રે આ વિદ્યા મેળવીને ધન્વંતરિને તે શીખવી. અહીં એક બીજો ફાંટો પણ પડે છે તે છે અત્રિનો. હવે આ અત્રિ કોણ છે? બ્રહ્મદેવનો બીજો પુત્ર એટલે અત્રિ. એ સમયગાળા પહેલાં પેદા થયેલા બધા માનસપુત્રો મહાદેવના શાપથી મરણ પામતાં બ્રહ્મદેવે કરેલ યજ્ઞના અગ્નિની શિખામાંથી એ ઉત્પન્ન થયો હતો. એને અનસૂયા નામે સ્ત્રી હતી. એમને દત્ત, દુર્વાસા, સોમ અને અર્યમા એવા ચાર પુત્ર તથા અમલા નામની બ્રહ્મનિષ્ઠ પુત્રી હતી. દંડકારણ્યમાં રામ આ ઋષિને આશ્રમે ગયા હતા. એણે રામનું આદરસહિત આતિથ્ય કર્યું હતું અને અનસૂયાએ સીતાની પરોણાચાકરી કરી એને પાતિવ્રત્ય સંબંધી નીતિ સમજાવી હતી. આયુર્વેદની આ બે મુખ્ય શાખા અત્રિ અને ધન્વંતરિ. એ બંનેની વિદ્યાશાખાઓ પણ જુદી. કાશીનો રાજા દિવોદાસ ધન્વંતરિનો અવતાર કહેવાતો. એની પાસે જઈને સુશ્રુતે આયુર્વેદનો અભ્યાસ કર્યો. અત્રિની જ પ્રણાલી મુજબ અગ્નિવેશે ચરકસંહિતાનું સંકલન કર્યું. હરિતસંહિતા પણ આ શ્રેણીમાં આવે, જેમાં જુદાં જુદાં દ્રવ્યો દ્વારા શરીરની આંતરિક શક્તિને મજબૂત કરવા ઉપર ભાર મૂકવામાં આવતો. એનો અર્થ એ કે આ પ્રણાલીમાં શસ્ત્રક્રિયાને બદલે દવાઓ ઉપર ભાર મૂકવામાં આવતો. જ્યારે ધન્વંતરિ પ્રણાલી મુજબ જ સુશ્રુતસંહિતા લખાયું. એમાં વાઢકાપ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ભારદ્વાજને પણ આ શાસ્ત્રના પ્રવર્તક માનવામાં આવે છે. કેટલાકના મત પ્રમાણે આયુર્વેદનું શાસ્ત્ર અથર્વવેદનું ઉપાંગ મનાય છે.
આયુર્વેદનાં આઠ અંગ છે : શલ્ય, શાલાક્ય કાયચિકિત્સા ભૂતવિદ્યા, કૌમારતંત્ર (બાલ ચિકિત્સા), અગદતંત્ર. રસાયન અને વાજીકરણ એ તેનાં આઠ અંગ છે. કફ, પિત્ત અને વાયુ એ ત્રણ પ્રકૃતિની માન્યતા ઉપર આયુર્વેદ રચાયેલો છે. આયુર્વેદના આચાર્યો: અશ્વિની કુમાર, ધન્વંતરિ, દિવાદાસ (કાશીરાજ), નકુલ, સહદેવ, અર્કિ, ચ્યવન, જનક, બુધ, જાવાલ, જાજલિ, પૈલ, કરથ, અગસ્ત્ય, અત્રિ અને તેના 6 શિષ્ય (અગ્નિવેશ, ભેડ, જાતૂકર્ણ, પરાશર, સીરપાણિ, હારીત), સુશ્રુત અને ચરક. આયુર્વેદનું જ્ઞાન આરબ અને યુનાની લોકોની મારફત યુરોપમાં પ્રસરવા પામ્યું અને અર્વાચીન વૈદ્યકશાસ્ત્રની ઉત્પત્તિમાં તે ઉપયોગી થઈ પડ્યું. આયુર્વેદના મૂળ ગ્રંથકારો ચરક અને સુશ્રુત લગભગ અઢી હજાર વર્ષ જેટલા જૂના છે. ચરક (ઈ. સ. પૂ. 500) ઔષધ સંગ્રહ માટે અને સુશ્રુત (ઈ.સ. 100) શસ્ત્રવૈદ્ય તરીકે પ્રસિદ્ધ છે.આયુર્વેદના સમયગાળા વિષે પણ મતમતાંતર છે. જે ઉપલબ્ધ શાસ્ત્રો મળ્યાં છે અને તેમાં જે સમયઅવધિનો ઉલ્લેખ છે એ મુજબ આયુર્વેદ નામની વિદ્યા ઈ.સ. પૂર્વે 3300થી લઈને ઈ.સ. પૂર્વે 1000 ના સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવી હોય એવું બને.
ઇતિહાસકારોનો એક મત એવો પણ છે કે સિંધુખીણની સંસ્કૃતિ એટલે કે મોહેં-દડો અને હડપ્પાના લોકો આયુર્વેદનો ઉપયોગ કરતા. તે સમયે પણ શરીરમાં કોઈ અવ્યવસ્થા સર્જાય કે કોઈ રોગ આવે તો તેનાં અમુક મુખ્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતાં અને તેના પરથી તેની દવા નક્કી થતી. એ મુખ્ય લક્ષણોમાં કફ, અતિસાર, કબજિયાત, આંચકી, ગાંઠ, ગૂમડાં અને ચામડીના અમુક વિકારો હતા. તે જોઈને દર્દીને દવા આપવામાં આવતી. આમ તામ્રયુગથી આયુર્વેદની શરૂઆત થઈ અને લોહયુગ સુધીમાં તો એ ખૂબ વિકસ્યું.
ભારતમાં ગુપ્ત વંશના શાસનકાળ દરમિયાન આયુર્વેદ વિદ્યા ગ્રંથસ્થ થઈ ત્યાં સુધીમાં તો કરોડો લોકોએ આયુર્વેદની ચિકિત્સાનો લાભ લીધો હતો અને પોતાની જિંદગીનાં દુ:ખ-દર્દોમાંથી રાહત મેળવી હતી. આયુર્વેદમાં મુખ્યત્વે ત્રણ દોષ અને તેનું પ્રમાણમાપ જોવામાં આવે. આ તો આપણે બધા જાણીએ છીએ. વાત, પિત્ત અને કફ. માણસની માનસિકતા સાથે પણ ત્રણ દોષ જોડાયેલા છે તેવું આયુર્વેદ માને છે – સતોગુણ, રજોગુણ, તમોગુણ. તે સિવાય શરીર સાત ધાતુઓથી બનેલું હોય તેવું આયુર્વેદ માને છે. (સાત ધાતુ: રક્ત, રસ, માંસ, શુક્ર, મેદ, અસ્થી, મજ્જા.) અત્યારે તો આખી દુનિયામાં આયુર્વેદ અને યોગ ઉપર પુષ્કળ લખાય છે. આયુર્વેદના અનેક ગ્રંથો પ્રાચીન સમયમાં લખાયા છે. એમાંથી અમુક ગ્રંથ આકૃતિઓ સાથે શરીરવિદ્યા અને ચિકિત્સાશાસ્ત્ર સમજાવે છે. શલ્ય એટલે કે ઓપરેશન પણ એક આર્ટ છે, જે જીવન-મરણ સાથે જોડાયેલું છે. હિમાલયની દુર્ગમ પહાડીઓ કે બીજા અમુક દૂરસુદૂરના પ્રદેશોમાં અલભ્ય જડીબુટ્ટીઓ છે, જે ચમત્કાર કરી શકે છે. ચાઇનીઝ ટે્રડિશન કે યુનાની પદ્ધતિઓ પણ આવા દાવાઓ કરતી હોય છે. જોકે અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ્સ જે મળે છે એમાંથી ઘણી ભેળસેળવાળી હોય છે. પારો અને સીસું જેવી ઝેરી ધાતુઓ પણ ઘણી આયુર્વેદિક દવાઓમાંથી મળી આવે છે, પણ એ વાંક ઉત્પાદકની
દાનતનો છે.
આમ જુવો તો આયુર્વેદ અને એલોપેથી બંને એકબીજાના પૂરક છે. અમુક સંજોગોમાં ઝડપી ઉપચાર માટે એલોપેથીના ઉપચાર જ કારગત નીવડે છે તો નિરોગી રહેવા માટે આયુર્વેદ મદદરૂપ બને છે. આજનું મેડિકલ સાયન્સ અને આયુર્વેદ પણ ઉપકારક છે, પરંતુ બંને જુદાં છે. બંને જુદા જુદા સંજોગોમાં કામ આવી શકે એમ છે. કોઈ જ શાખાનો સાવ છેદ ન ઉડાડી શકાય. જોકે, આ બંનેને સાથે સ્વીકારી શકે એવા લોકો કેટલા?