નવી દિલ્હી: વર્ષ 2024માં, કોલસાનું ઉત્પાદન 1,039.59 મિલિયન ટન (MT)ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. જે પાછળના વર્ષના કુલ 969.07 MTની સરખામણીએ 7.28 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો સ્થાનિક કોલસાની ઉપલબ્ધતા વધારવા અને વધતી ઉર્જાની માંગને પહોંચી વળવા મંત્રાલયના વ્યૂહાત્મક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે, એમ મંત્રાલયે જણાવ્યું છે.
કોલસાનું ડિસ્પેચ 1,012.72 મિલિયન ટન
વર્ષ 2024માં કોલસાનું ડિસ્પેચ પણ સમગ્ર દેશમાં 1,012.72 મિલિયન ટન કોલસા સાથે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. જે વર્ષ 2023માં નોંધાયેલા 950.39 મિલિયન ટન કરતાં 6.56 ટકાનો વધારો દર્શાવે છે. દરમિયાન, ભારતની ખાણોમાંથી કુલ કોલસાનું ઉત્પાદન 1 એપ્રિલથી 31 ડિસેમ્બર, 2024 વચ્ચે લગભગ 34.2 ટકા વધીને 131.05 મિલિયન મેટ્રિક ટન થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 97.665 મિલિયન મેટ્રિક ટન હતું.
2024-25 માટે 77 મેટ્રિક ટનનો લક્ષ્યાંક
મંત્રાલયે ડિસેમ્બર 2024માં જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ કોલ લોજિસ્ટિક્સ પ્લાન હેઠળ સરકારે નાણાકીય વર્ષ 2030 સુધીમાં 1.5BT કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. “મિશન કોકિંગ કોલ” પહેલ હેઠળ, કોલસા મંત્રાલયે 2030 સુધીમાં 140 મેટ્રિક ટનના સ્થાનિક કાચા કોકિંગ કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું હતું. જે વર્ષ 2023-24 માટે ઉત્પાદન 66.82 મેટ્રિક ટન રહ્યું હતું. નાણાકીય વર્ષ 2024-25 માટે 77 મેટ્રિક ટનના લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…થાણેમાં Bageshwar Dhamના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ, જુઓ વિડીયો
રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાને મજબૂતી
કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઉત્પાદન અને ડિસ્પેચ બંનેમાં આ સતત વૃદ્ધિ વીજ ઉત્પાદન અને અન્ય ઉદ્યોગો માટે કોલસાની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ક્ષેત્રની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જેનાથી રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બને છે.” મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે કોલસાના ઉત્પાદન અને આંતરમાળખાના વિકાસને ઑપ્ટિમાઇઝ કરવા પર ફોકસ કોલસાની આયાત પર નિર્ભરતા ઘટાડવા, દેશની આત્મનિર્ભરતાને મજબૂત કરવા અને લાંબા ગાળાના ટકાઉ વિકાસમાં યોગદાન આપવાના લક્ષ્યને અનુરૂપ છે.