ઉત્સવ

ગઝલ સમ્રાટ `શયદા’નો ગઝલ ગુલઝાર ખીલ્યો છે પુરબહારે

સર્જકના સથવારે -રમેશ પુરોહિત

ગઝલકાર શયદા હરજી લવજી દામાણી એક અગ્રગણ્ય ગઝલકાર હતા એમ કહીએ તો કોઈ ના ઓળખે, પણ ગઝલ સમ્રાટ શયદા કહીએ તો તાત્કાલિક ઓળખાણ પડે. ગઝલકાર તરીકે એવું પ્રદાન કર્યું કે `શયદા’ ઉપનામ આધુનિક ગુજરાતી ગઝલનો પર્યાય બની ગયું વીસમી સદીના પ્રારંભમાં ઘણા ગઝલકારો પ્રયત્નશીલ હતા ત્યારે ગઝલના આકાશમાં શયદા નામનો નવો સિતારો ઊગે છે. શયદા આવે છે અને સાથે છે સગીર, નસીમ, આસીમ રાંદેરી, અમીન આઝાદ, રતિલાલ `અનિલ’, મજનૂ અને સાબિર.

શયદાનો જન્મ 24-11-1892માં ભાવનગર પાસેના ધોલેરા ગામે, પણ કર્મભૂમિ હંમેશાં મુંબઈ રહ્યું. ઈ.સ. 1912માં મુંબઈ સમાચારમાં એમની ગઝલ પ્રગટ થઈ ત્યારે હરજી લવજી માસ્તર ધોલેરાવાળા એવા લાંબા નામે પ્રગટ થઈ હતી.

ભાષાની સરળતા, ભાવોની સુકુમારતા, વિચારની ગહનતા અને વેધકતા એમની ગઝલોમાં એકસાથે સમાવેશ પામે છે. ઈશ્કે-મિજાજી અને ઈશ્કે-હકીકી-રતિ અને ભક્તિ બન્નેનાં ઉદાહરણ એમની કૃતિઓમાં મળે છે. એમણે યોજેલા ઉપમા, દૃષ્ટાન્ત, અર્થાન્તરન્યાસ, વિરોધભાસ, અપહનુતિ જેવા અલંકારો સ્વાભાવિક છતાં ચમત્કૃતિપૂર્ણ લાગે છે. શયદાની શૈલીનો પ્રવાહ વિના-અવરોધે વહ્યો જાય છે. એમણે પોતે પોતાની ગઝલ માટે કહ્યું છે તે યથાર્થ છે:

વિચારી વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે ગઝલ શયદાની સાદી સાવ છે, પણ છે મનન માટે શયદાની ગઝલપ્રીતિ અને ગુજરાતી ભાષા પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ હતી એટલે 1924માં `બે ઘડી મોજ’ નામનું સામયિક શરૂ કર્યું. મુંબઈમાં મેનહટન જેવા ફોર્ટ વિસ્તારમાં બે ગાળાનું એક માળનું મકાન એ `બે ઘડી મોજ’નું કાર્યાલય જ્યોતીન્દ્ર દવેના હાસ્ય લેખો, ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ અને સમકાલીન શાયરોની ગઝલો ઉપરાંત શયદાની નવલકથા નિયમિત પ્રગટ થાય. યુવાન સૈફુદીન એટલે સૈફ પાલનપુરીને ગઝલ લખતા કર્યા અને `બે ઘડી મોજ’માં તેઓ ઉર્દૂ શાયરી પર બઝમે શાયરી કોલમ પણ લખતા. આપણા લોકપ્રિય શાયર બરકત વીરાણી `બે ફામ’ એમના જમાઈ હતા. `બે ફામ’ કહે છે કે હું થોડીક ગઝલો લઈને `બે ઘડી મોજ’માં શયદા સાહેબ પાસે ગયો, એમણે ગઝલો તો ના સ્વીકારી પણ જમાઈ તરીકે પસંદ કરી લીધો.

એ વખતના સમકાલીન ગઝલકારો ઉર્દૂ-ફારસી શબ્દોની ભરમારમાં રાચતા હતા ત્યારે શયદાએ ગઝલનું ગુજરાતીકરણ કર્યું. સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં ગઝલો કહેવાનું શરૂ કર્યું. `શબ્દમાં ગહેકી રહ્યા છે મોરલા, ભાવના મારી ઢળકતી ઢેલ છે.’ એમાં વાણી, રૂપક, પ્રતીક બધુંય ગુજરાતી છે, અને `અમારું જ મસ્તક અમોને નમે છે,’ એમાં તો જાણે કે ગઝલ અને ભુજંગી છંદની ચાલ કદમ મિલાવીને ચાલે છે.

મુંબઈ સમાચારના તંત્રી મીનુભાઈ દેસાઈએ નોંધ્યું હતું કે `વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન શયદાએ આ ગઝલ અને અનુસંગિક નઝમ ઇત્યાદિ કાવ્ય સ્વરૂપોની ગંભીરતા અને સહૃદયતાપૂર્વક ઉપાસના કરી તેમને વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. કાવ્ય તત્ત્વના છાંટણાઓ અને અર્થધનતાવાળી, શયદાની ગઝલ સૌના હૈયામાં વસી જાય તેમાં કશું નવાઈ જેવું નથી.’

મુશાયરાઓ દ્વારા ગઝલને લોકપ્રિય બનાવવામાં શયદાનો ફાળો બહુ મોટો છે. મુશાયરાનો ઇતિહાસ રચનાર મહાગુજરાત ગઝલ મંડળના દર ત્રણ મહિને એક પંક્તિ પર મુશાયરાઓ થવા માંડ્યા. શયદા નિયમિત દર ત્રણ મહિને સુરત આવતા. આવા જ એક મુશાયરામાં એમણે સૈફ પાલનપુરીને ગઝલ રજૂ કરતા કર્યા હતા. પછી તો મંડળના મુશાયરા આખા ગુજરાતમાં યોજાવા લાગ્યા તેમાં શયદા અચૂક હાજર હોય. એમનો દરજ્જો ઊંચો તોય શાયરોના ઉતારે જ રહે. બધાની ગઝલો સાંભળે. કોઈક વાર સુંદરમ્, ઉમાશંકર કે જ્યોતીન્દ્ર દવે પ્રમુખપદે હોય. રાંદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે વિદ્વાન પ્રમુખોનાં પ્રવચનો સહિત એક પંક્તિ પર રચાયેલી ગઝલોના `કાવ્યકુંજ’નામે સંગ્રહો પ્રગટ કર્યા હતા. આમ 1922થી 1924 સુધીમાં શયદા મુશાયરાઓમાં છવાઈ જાય છે.

રાંદેરમાં પંક્તિ પરના મુશાયરામાં આવા શેરો પણ મળે છે જે સદાબહાર રહ્યા છે:

બનાવ રાતે બન્યો છતાંય મેં કીધું કોઈ ગયું ધોળા દીએ હૃદય ચોરી 1942થી ગઝલમાં શયદાનાં સ્થાન અને માન ગઝલ સમ્રાટના મોભાને શોભે એમ સ્થાપિત થાય છે. પછી આવા સરસ શેરો આવે છે.

રૂપ એનું નામ છે બીજું ચમકતી વીજળી
એ ચમકતી વીજળી શું હાથમાં આવી શકે?

બોલચાલની ભાષાના મહાવરાઓનો સમુચિત ઉપયોગ શયદા માટે રૂઢિપ્રયોગોનો ગઝલમાં સહજ પ્રવેશ આસાન વાત હતી. જેમ કે:

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે
***
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?

ઊભો છે શયદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.

શયદાએ `ભારત ભારતી’ પુસ્તક લખ્યું અને માતૃભૂમિની વેદના-સંવેદના વ્યક્ત કરી. ગાંધીજી એ વખતે વર્ધા આશ્રમમાં હતા. શયદા સાહેબ ગાંધીજી પાસે પહોંચી ગયા. કેટલાક અંશો સંભળાવ્યા. એ દિવસ ગાંધીજીનો મૌનવાર હતો એટલે એ `શ્રવણવાર’ બની ગયો. શયદાના એ વખતના શેરની તાસીર જુદી જ લાગે. એમણે ગાંધીજીને આવા શેરો સંભળાવ્યા, જેમ કે:

અમારા કોણ કહે છે કે ખજાના આજ ખાલી છે
ખજાનામાં રુદન છે, ભૂખમરો છે, પાયમાલી છે.
***
ફળ ફૂલથી ભરપૂર ભારત-વર્ષ નંદનવન હતો
ખોટું નથી લવલેશ કે આ દેશ પણ કંચન હતો
ઉજ્જડ થતો દેખાય છે દેશ નંદનવન થશે
કંચન હતો આ દેશ ને પાછો ફરી કંચન થશે.

ગાંધીજીએ એક કાગળ પર લખ્યું કે `બહુ મીઠું લાગ્યું’ આ વાત 1944ની છે. મુશાયરાઓમાં નવા નવા શાયરોને લઈ જવા એવો શયદાનો શિરસ્તો. 1924થી 1962 સુધીમાં જીવનમાં અનેક ચઢાવ-ઉતાર વચ્ચે ગઝલની સાધના-આરાધના સતત ચાલુ રહી. 30-6-1962માં વિદાય થયા ત્યાં સુધીમાં બધાની ગઝલો છાપી અને છપાવી, પણ પોતાનો સંગ્રહ પ્રગટ કર્યો નહીં. છેલ્લા દિવસોમાં 24 ગઝલોની પુસ્તિકા `ગુલઝારે શાયરી’ પુસ્તિકા શ્રેણીમાં 1961માં પ્રગટ થઈ હતી, જેમાં જ્યોતીન્દ્ર દવેએ પ્રસ્તાવના લખી હતી. 1999માં એમના પુત્રો હબીબ શયદા અને અફઝલ શયદા આગળ આવે છે. કવિ શોભિત દેસાઈના સંપૂર્ણ સહકારથી 240 પાનાંનો ગ્રંથ `અશ્રુ ચાલ્યા જાય છે’ પ્રગટ થયો છે.

જ્યારે ગુજરાતની પ્રજાએ ગઝલ સમ્રાટનું બિરુદ આપ્યું ત્યારે શયદાએ કહેલા શેરોમાં એમની વિનમ્રતા દેખાય છે:
ગઝલ સમ્રાટ નહીં `શયદા’
ગઝલનો ભેખધારી છે.
***
પછી સમ્રાટનો સમ્રાટ થાજે
પ્રથમ `શયદા’ સહુનો દાસ થઈ જા
ગઝલને સ્થાપિત કરી, ગઝલની પ્રતિષ્ઠા વધારી અને પછી કહ્યું કે:
હવે આવતો `શયદા’ ઇતિહાસ કહેશે
ગઝલમાં તમે બાદશાહત કરી છે
***
જીવનમાં જોઉં છું જાતે, અને મરવા પછી મારા જગત કહેશે કે `શયદા’નો ગઝલ ગુલઝાર બાકી છે શયદાની ગઝલમાં લાલિત્ય અને લાવણ્ય હતું. આકર્ષણ અને આભિજાત્ય હતું. એમની ગઝલો રળિયામણી અને સોહામણી હતી. રૂપની મસ્તી અને પ્રેમનો મિજાજ હતો. ખેલદિલી અને ખુદ્દારી હતી. ખુમારી હતી તો ખુવારી પણ હતી. એમના જમાનામાં એમનો એક દમામ હતો, દબદબો હતો. મરીઝે કહ્યું હતું કે ઉર્દૂ ગઝલમાં જે સ્થાન મીર તકી મીરનું છે, એવું જ ગુજરાતી ગઝલમાં શયદા સાહેબનું છે.

શયદા ઉત્તમ ગઝલકાર ઉપરાંત નવલકથાકાર હતા. `અમીના’, `મા તે મા’, લાખેણી લાજ જેવી લોકપ્રિય નવલકથાઓ એ વખતે મુંબઈ સમાચારમાં નિયમિત પ્રગટ થતી રહેતી.’

શયદાના ગઝલ ગુલઝારમાંથી થોડાંક ગુલોની મહેક માણીએ:
તું કહે છે: અશ્રુ ચાલ્યાં જાય છે
હું કહું છું: જિંદગી ધોવાય છે
***
હૃદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રુદન માટે
***
જનારી રાત્રી જતાં કહે જે: સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે
***
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું
***
સાત સાગર બંધ પાંપણમાં હતા
બંધ કંઈ કાચો હતો; તૂટી ગયો:
***
કંઈ ભાવોમાં, કંઈ દૃષ્ટિમાં, કંઈ હસવામાં, કંઈ રડવામાં
કંઈ આ રીતે, કંઈ એ રીતે જે કહેવું છે કહેવાઈ જશે.
***
કદી ચિંતા કરી લઉં છું કદી ચિંતન કરી લઉં છું
જીવનમાં એમ જીવનનું હું સંશોધન કરી લઉં છું
***
જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો થયો, ફૂટી ગયો.
***
યુગેયુગથી સકળ વિશ્વ એનું એ જ નીરખું છું
હવે કોઈ નવી દૃષ્ટિ મને આપો નયન માટે
*** *** ***

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button