સિડની: સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25ની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે (IND vs AUS 5th Test) હરાવ્યું છે. ભારત 1-3 થી સિરીઝ હારી ગયું, ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી. આ હાર સાથે ભારતીય ટીમનું સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC) ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ તૂટી ગયું છે.
મેચમાં શું થયું?
આ મેચ માત્ર ત્રણ દિવસમાં જ ખતમ થઈ ગઈ. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ સિડની ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 2-2થી બરાબર કરવાની આશા સાથે ઉતરી હતી. રોહિત શર્મા આ મેચમાંથી બહાર થયા બાદ જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ સંભાળી હતી. પ્રથમ ઇનિંગમાં ટીમ 185 રનમાં ઓલઆઉટ થયા બાદ, ભારતે ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બીજી ઇનિંગમાં ઋષભ પંત સિવાય કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 157 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતે ઓસ્ટ્રેલીયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલીયાએ 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ 34 અને બેઉ વેબસ્ટર 39 રન બનાવીને અણનમ રહ્યા.
આવી રહી BGT સિરીઝ:
ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પર્થ ટેસ્ટ 295 રને જીતી હતી. આ પછી એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં 184 રનથી જીત મેળવી હતી જ્યારે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવી.
10 વર્ષ બાદ સિરીઝ જીતી:
ભારતે સતત ચાર વખત આ ટ્રોફી જીત્યા બાદ આ વખતે સિરીઝ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે વર્ષ 2014-15માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં છઠ્ઠી વખત સિરીઝ જીતી, જ્યારે ભારતે 10 વખત આ સિરીઝ જીતી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત WTCની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે, તે દક્ષિણ આફ્રિકા સામે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં WTC ફાઇનલ મેચ રમશે.