ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા કોંગ્રેસે ન્યાયયાત્રા યોજી: શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી જોડાયા
અમદાવાદઃ ભાવનગરમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ તથા કોંગ્રેસના સહયોગથી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની તંત્રના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે અસરગ્રસ્તોને સાથે રાખીને વિશાળ રેલી કાઢી હતી અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામના ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત શહેરના લોકો પણ જોડાયા હતા. ત્યારે આ દરમિયાન જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ગઢેચી નદીના શુદ્ધીકરણ માટે નદીકાંઠે વસવાટ કરી રહેલા 1,000થી વધુ મકાનોના રહીશોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં જનઆક્રોશ રેલી નીકળશે
જીગ્નેશ મેવાણીએ કહ્યું હતુ કે,એક તરફ કોંગ્રેસ તમારા ઘર બચાવાની કોશિશ કરે છે અને બીજી તરફ ભાજપ સરકાર 70 કરોડ ખર્ચવા તૈયાર થઈ છે તમને બેઘર કરવા માટે અને તમારા ઝુપડા તોડવા માટે વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી તમારી લડવાની તૈયારી હશે ત્યાં સુધી તમારા મકાનની એક પણ કાકરી નહીં ખરે તેના માટે જે પણ મહેનત કરવાની થશે તે મહિનત કરવા અમે તૈયાર છીએ. આ સાથે તેમણે કહ્યુ હતું કે, જો મકાન તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો. જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કરતાં જણાવ્યું હતું કે તમારા પસંદગીના બિલ્ડરો, તમારા નેતાઓએ ગૌચર સહિત અનેક જમીન ગેરકાયદે હડપ કરી છે, ત્યાં બુલડોઝર નહીં અને શ્રમિકની છાતી પર બુલડોઝર ફેરવો છો, એ અમે ચલાવી લેવાના નથી.