વડોદરા

વડોદરામાં 6થી તા.14 જાન્યુઆરી સુધી સેનાનો ભરતી મેળો: 8354 યુવાનો અગ્નીવિર પરીક્ષા આપશે

Vadodara News: વડોદરા શહેરમાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના મેદાનમાં આગામી તા. 6થી તા.14 જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ 8354 નવલોહિયા યુવાનો ભાગ લેશે. સેનામાં જોડાઇ દેશ સેવા કરવાની પ્રબળ ભાવના ધરાવતા આ યુવાનો સારી રીતે શારીરિક કસોટી આપી શકે એવી તમામ તૈયારી કરવામાં આવી છે.

ભારતીય સેનાના ભરતી વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓના અગ્નિવીરો માટે તારીખ પ્રમાણે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 6ના રોજ મહેસાણા જિલ્લાના 763 ઉમેદવારોની કસોટીથી ભરતી પ્રક્રીયાનો પ્રારંભ થશે. એ બાદ તા. 7ના રોજ સાબરકાંઠાના 811 ઉમેદવારો, તા. 8ના અમદાવાદના 853, તા. 9ના રોજ વડોદરાના 156 અને અરવલ્લી 713, તા. 10ના રોજ બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકાના 873 અને તે બાદ તા. 11ના રોજ બનાસકાંઠાના છ જિલ્લાના 586 અને ગાંધીનગરના 228 ઉમેદવારો શારીરિક કસોટી આપશે. એ રીતે જોઇએ તો ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના 1459 યુવાનો અગ્નિવીર બનવા માટે થનગની રહ્યા છે.

Also read: Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન

એ જ પ્રકારે તા.12ના રોજ નવસારીના 51, ખેડાના 330, પંચમહાલના 459 ઉમેદવારો, તા. 13ના રોજ સુરતના 306, દાહોદના 457, વલસાડના 30 યુવાનો, તા. 14ના મહિસાગર જિલ્લાના 311, છોટાઉદેપુરના 200, ડાંગના 13, નર્મદાના 14, દાદરાનગર હવેલીના 8, ભરૂચના 26, તાપીના 13, આણંદના 172 ઉમેદવારો અગ્નિવીર ભરતીમાં જોડાશે. તા.15ના રોજ ભારતીય સેના વિવિધ ટેક્નિકલ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રીયા થશે. જેમાં 981 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોનું તા.16ના રોજ પ્રારંભિક મેડિકલ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. વડોદરામાં તરસાલી સ્થિત રોજગાર કચેરીના સંયોજનમાં અગ્નિવીર ભરતીમાં ભાગ લેવા આવતા યુવાનોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button