સ્પોર્ટસ

બુમરાહે બેદીનો બે રીતે 46 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

સિંગલ-ડિજિટ રનના અનિચ્છનીય વિશ્વ વિક્રમમાં કોહલી હવે રોહિતની બરાબરીમાં

સિડનીઃ જસપ્રીત બુમરાહે આજે અહીં ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં બીજા દિવસે પીઠની ઈજા બદલ મેદાનની બહાર થતાં પહેલાં સિરીઝમાં 32મી વિકેટ લઈને પીઢ સ્પિનર બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. બીજી તરફ, આઉટ-ઑફ ફૉર્મ વિરાટ કોહલીનો વર્તમાન ટેસ્ટ સીઝન (2024-’25)માં 10મી વખત સિંગલ ડિજિટમાં સ્કોર નોંધાયો અને એ સાથે તેણે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે.

અહીં બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં એક તરફ ભારતે ઑસ્ટ્રેલિયા સામે પરાજયથી બચવાનું છે એટલું જ નહીં, ટ્રોફી જાળવી રાખવા આ મૅચ જીતવાની પણ છે એટલે રવિવારે રસાકસી જબરદસ્ત થશે એમાં બેમત નથી. જોકે આ માહોલમાં ભારતના પીઢ ખેલાડીઓ સારા અને ખરાબ, બન્ને રીતે રેકૉર્ડ-બુકમાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?

બુમરાહે માર્નસ લાબુશેન (બે રન)ની આજે વિકેટ લીધી જે આ સિરીઝમાં તેની 32મી વિકેટ હતી. વિદેશી ધરતી પર ભારતીય બોલર્સે હરીફ ટીમ સામેની એક ટેસ્ટ-સિરીઝમાં લીધેલી વિકેટોની રેકૉર્ડ-બુકમાં અત્યાર સુધી બિશનસિંહ બેદી મોખરે હતા. તેમણે 1977માં ઑસ્ટ્રેલિયામાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં કુલ 31 વિકેટ લીધી હતી જે ભારતીય વિક્રમ હતો. જોકે બુમરાહે આજે 32મો શિકાર કરીને તેમનો 46 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય તરીકે પણ બેદી એ 31 વિકેટના આંકડા સાથે પ્રથમ હતા, પણ હવે બુમરાહે 32મી વિકેટ લઈને તેમને એમાં પણ પાછળ પાડી દીધા છે. આ યાદીમાં સ્પિનર ભાગવત ચંદ્રશેખર ત્રીજા નંબરે છે. તેમણે 1977માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં સિરીઝમાં 28 વિકેટ લીધી હતી.

દરમ્યાન, એક સીઝનમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ફક્ત સિંગલ ડિજિટમાં રન બનાવવાની બાબતમાં અત્યાર સુધી રોહિત શર્મા મોખરે હતો, પરંતુ આજે વિરાટ કોહલીએ `તેનો પીછો કરીને’ તેની બરાબરી કરી લીધી.

રોહિતે એક ટેસ્ટ-સીઝનમાં સૌથી વધુ 10 વાર સિંગલ ડિજિટમાં રન નોંધાવ્યા છે. વિરાટ આજે છ રને આઉટ થતાં તેના નામે પણ હવે આ સીઝનમાં 10 વાર સિંગલ ડિજિટમાં રન છે. આ યાદીમાં રોહિત-વિરાટ પછીના સ્થાને આ ખેલાડીઓ છેઃ ઑસ્ટ્રેલિયાના ક્રેગ સાર્જન્ટ (1977ની સીઝનમાં નવ વખત સિંગલ ડિજિટમાં રન), ભારતના દિલીપ વેન્ગસરકર (1982ની સીઝનમાં નવ વખત સિંગલ ડિજિટમાં રન) તથા ગૅરી કર્સ્ટન (1996ની સીઝનમાં નવ વાર સિંગલ ડિજિટમાં રન). સચિન (2003માં) તેમ જ દિલશાન, નયન મોગિંયા અને સ્લેટર પણ નવ-નવ સિંગલ ડિજિટના રન સાથે તેમની બરાબરીમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button