સ્પોર્ટસ

સવારે સવાત્રણ કલાક મેદાન પર નહોતો, અન્ય બોલર્સે ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂક્યું હતું

સિડનીઃ કૅપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા કાર્યવાહક કેપ્ટન જસપ્રીત બુમરાહને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં આજે બીજા દિવસે પીઠમાં બે વર્ષે ફરી દુખાવો શરૂ થતાં તેને સ્કૅન માટે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બુમરાહની ગેરહાજરીમાં નેતૃત્વની જવાબદારી વિરાટ કોહલીએ સંભાળી હતી. બુમરાહને વર્ષ 2022 અને 2023 દરમ્યાન પીઠના નીચલા ભાગમાં દુખાવો હતો અને લગભગ બાર મહિના સુધી તે મેદાનથી દૂર રહ્યો હતો. આજે બપોરે ભારતીય ટીમના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પત્રકારોને સંબોધન કર્યું હતું અને ક્રિષ્નાએ તેમને કહ્યું હતું કે બુમરાહને પીઠમાં ઈજા છે અને સ્કૅન પછીના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સિરીઝના તમામ બોલર્સમાં બુમરાહની 32 વિકેટ હાઈએસ્ટ છે. ભારતીય ટીમને શ્રેણીની હારથી બચાવવાનો તેના પર બોલર તરીકે જબરદસ્ત બોજ છે એવામાં રોહિત શર્માએ પોતે જ નબળા ફોર્મ બદલ આ મૅચમાંથી આરામ લઈ લેતાં સુકાનની જવાબદારી બુમરાહ પર આવી પડી અને હવે તેને પીઠમાં દુખાવો શરૂ થયો છે. તે આજે ત્રણ કલાક અને 20 મિનિટ સુધી મેદાનની બહાર હતો. બુમરાહે ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં 10 ઓવર બોલિંગ કરી જેમાં તેણે 33 રનમાં ઉસ્માન ખ્વાજા (બે રન) અને માર્નસ લાબુશેન (બે રન)ની વિકેટ લીધી હતી.

Also read: બુમરાહના 4,484 બૉલમાં પહેલી જ સિક્સર ગઈ! કોણ છે એ જાંબાઝ બૅટર?

બુમરાહને ટ્રેઈનીંગ કિટમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે લંચ અગાઉ 30 મિનિટ પહેલાં મેદાનની બહાર જતો રહ્યો હતો. જમ્યા બાદ પાછો રમવા આવ્યો હતો, પણ એક જ ઓવર બોલિંગ કરીને પૅવિલિયનમાં જતો રહ્યો હતો. બુમરાહની ગેરહાજરીમાં બાકીના બોલર્સ યજમાન ટીમને ભારે પડી ગયા હતા. ભારતના 185 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયા 181 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. મોહમ્મદ સિરાજે 51 રનમાં ત્રણ, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 42 રનમાં ત્રણ અને નીતીશ કુમાર રેડ્ડીએ 32 રનમાં બે વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button