મંત્રાલયમાં જગ્યાની તંગી વચ્ચે એર ઇન્ડિયાના મકાનના હસ્તગત કરવાની પ્રક્રિયાને ગતિ મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મંત્રાલયમાં જગ્યાની તંગીને કારણે નવા શપથ લેનારા પ્રધાનો અને રાજ્યના વિભાગોને સમાવવાનું મુશ્કેલ બની રહ્યું છે, એ બાબતને ધ્યાનમાં લેતાં એર ઇન્ડિયાના મકાનના સંપાદનની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)એ આ ઈમારતનું નિરીક્ષણ અને માળખાકીય ઓડિટ પૂર્ણ કરી લીધું છે, ત્યારે કેટલાક વિભાગોને આ ઇમારતમાંથી કામ શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચ મહિનામાં મહારાષ્ટ્ર સરકારને ઇમારત ટ્રાન્સફર કરવાની મંજૂરી આપ્યા પછી અજિત પવારના નેતૃત્વ હેઠળના રાજ્યના નાણાં વિભાગે 1,601 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી હતી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં ચૂંટણી જીતવા માટે રાજકીય દબાણને કારણે લાડકી બહેન અને અન્ય લોકપ્રિય યોજનાઓ જેવી અન્ય પ્રાથમિકતાઓને કારણે આ સોદા માટે ભંડોળની જોગવાઈ થઈ શકી નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન
‘હવે મહાયુતિ સરકાર પાછી આવી ગઈ છે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવેલા રસને કારણે ઇમારતના ટેકઓવરની પ્રક્રિયા સરળ બનશે,’ એમ અધિકારીએ માહિતી આપી હતી.
એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ કંપનીને ભંડોળ આપવા માટે જોગવાઈ કરવા બાબતે થોડી બેઠકો યોજાઈ હોવા છતાં, પૂરક માંગણીઓ દ્વારા આર્થિક જોગવાઈઓ કરવા માટેનાં પગલાં શરૂ કરી શકાયા નથી, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, રાજ્ય પીડબ્લ્યુડીએ ચૂંટણી સમયગાળા દરમિયાન સ્થળ નિરીક્ષણ અને માળખાકીય ઓડિટની પ્રક્રિયા શરૂ કરી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારના કેટલાક વિભાગોને એર ઇન્ડિયા બિલ્ડિંગ પરિસરમાંથી કામ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
જોકે હજુ સુધી એ નક્કી થયું નથી કે પ્રધાનોની ચેમ્બર અને તેમની સાથે જોડાયેલી ઓફિસો ઇમારતમાં ખસેડવામાં આવશે કે પછી રાજ્યના વિભાગો. સરકારને વધારાની જગ્યાની સખત જરૂર છે. ઇમારતની માલિકી હસ્તગત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતી વખતે એવી દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર ખાનગી જગ્યા ભાડે લેવા માટે મોટી રકમ ખર્ચ કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક વિભાગો ઉપરાંત, રાજ્યના નિગમો અને અન્ય સંસ્થાઓએ દક્ષિણ મુંબઈમાં કરોડોના ભાડાની લીધી છે.