ઍર હોસ્ટેસને મની લોન્ડરિંગના કેસમાંધરપકડની ધમકી આપી 10 લાખ પડાવ્યા
થાણે: મની લોન્ડરિંગના કેસમાં ધરપકડની કથિત ધમકી આપી સાયબર ઠગે થાણે જિલ્લામાં રહેતી ઍર હોસ્ટેસ પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. કલ્યાણમાં રહેતી 24 વર્ષની ફરિયાદીને 23 નવેમ્બર, 2024ના રોજ અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે ફરિયાદીને કહ્યું હતું કે તેણે ઈરાનમાં મોકલેલું પાર્સલ તેના સરનામે પહોંચ્યું નથી. પોતે કોઈ પાર્સલ ઈરાનમાં મોકલ્યું ન હોવાનું ફરિયાદીએ કહેતાં કૉલ કરનારા શખસે વીડિયો કૉલ કર્યો હતો અને મની લોન્ડરિંગના કેસમાં ફરિયાદીનું નામ સામે આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવાની ધમકી પણ ફરિયાદીને આપવામાં આવી હતી.
Also read: પવઈમાં ઍર હોસ્ટેસની હત્યા, આરોપીનો પોલીસ લૉકઅપમાં આપઘાત
ધરપકડથી બચવું હોય તો નાણાં ટ્રાન્સફર કરવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. આ માટે ફરિયાદીના મોબાઈલ ફોન પર એક લિંક સુધ્ધાં મોકલવામાં આવી હતી. ડરી ગયેલી ફરિયાદીએ લિંક ઑપન કરી 9.93 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જોકે બાદમાં પોતે છેતરાઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ જે નંબર પરથી ફરિયાદીને કૉલ આવ્યો હતો તેનું લૉકેશન ‘વિદેશ’માં દર્શાવી રહ્યું છે. (PTI)