ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણ પછી નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહનિર્માણ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ તેમના વિભાગનો પદભાર સંભાળ્યા બાદ જાણકારી મેળવી હતી. સમીક્ષા બેઠકમાં મુંબઈવાસીઓના આવાસ અંગે ચર્ચા થઈ હતી. હાઉસિંગ ડિપાર્ટમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ ધારાવી રિડેવલપમેન્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટને લઈને ઘણો હોબાળો થયો છે, પરંતુ એકનાથ શિંદેએ હાઉસિંગ ડિપાર્ટમેન્ટની બેઠક યોજીને ખાતરી આપી હતી કે ઝૂંપડપટ્ટીમાં અપાત્ર ઠરેલા રહેવાસીઓને ઘર આપવા માટે પ્રોજેક્ટનું પુનરાવલોકન કરવામાં આવશે.
ધારાવીમાં 2007 પહેલાના 60 હજારથી વધુ પાત્ર રહેવાસીઓ છે. હાલમાં અનધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સંખ્યા 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ તમામને ઘર આપવા માટે એકનાથ શિંદેએ બેઠક યોજી હતી.
એકનાથ શિંદે બેઠકમાં જણાવ્યું હતું કે તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારે લોકોને ઘર આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું, પરંતુ તે સરકાર નિષ્ફળ રહી હતી. આ પછી નાયબ મુખ્ય પ્રધાને મહાયુતિ સરકારના કાર્યકાળ દરમિયાન દરેકને ઘર આપવા માટે કામ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધારાવીના વિકાસની સકારાત્મક બાબતો લોકો સુધી પહોંચવી જોઈએ. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિપક્ષ વારંવાર ખોટા આક્ષેપો કરે છે. તેથી દરેકે જાગૃત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: ‘ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું નવું નામકરણ થયું, જાણો કેમ?
બેઠકમાં એકનાથ શિંદેએ શું કહ્યું?
ગૃહનિર્માણ વિભાગ એ લોકોના દિલની વાત છે. ઘર એ દરેકનું સ્વપ્ન છે. મ્હાડા, એસઆરએમાં ઘર મેળવવા માટે જે પણ પ્રક્રિયા છે, તેને સરળ બનાવવાની આવશ્યકતા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ માટે શક્ય તેટલી પ્રક્રિયા ઓનલાઈન કરો. અધિકારીઓએ સક્રિયતાથી કામ કરવું જોઈએ. આ સામાન્ય લોકોની સરકાર છે. હું સામાન્ય લોકો માટે નક્કર કામ કરવા માગું છું.
વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો
એમવીએ ગઠબંધન મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન ધારાવી પુન:વિકાસના મુદ્દાઓ પર રાજકારણ કર્યું હતું. આ સમય દરમિયાન, એમવીએ દ્વારા ધારાવીના પુન:વિકાસ માટેનો પ્રોજેક્ટ અદાણીને આપવા સામે તત્કાલીન શિંદે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, એમવીએ વિધાનસભાની ચૂંટણીમાં સફળ રહી ન હતી, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.