દાદરમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પીટીના શિક્ષકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં પાલિકા સંચાલિત શાળાના ક્લાસ રૂમમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે પીટીના શિક્ષકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 27 ડિસેમ્બરે બની હતી, જેની પોલીસ ફરિયાદ શુક્રવારે કરાઈ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગ કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પોલીસને જાણ ન કરનારી પ્રિન્સિપાલની ધરપકડ
ફરિયાદમાં જણાવાયું હતું કે વિદ્યાર્થિની ક્લાસ રૂમમાં એકલી હતી ત્યારે પીટીના શિક્ષક ત્યાં આવ્યા હતા. ક્લાસ રૂમ નજીક કોઈ ન હોવાનું જોઈને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. વિદ્યાર્થિનીને ભેટવાનું કહીને શિક્ષકે તેનો કથિત વિનયભંગ કર્યો હતો.
ડરી ગયેલી વિદ્યાર્થિનીએ તેની સાથે બનેલી ઘટનાની તાત્કાલિક કોઈને જાણ કરી નહોતી. બે દિવસ પછી તેણે બહેનપણીને ઘટના વિશે કહ્યું હતું, જેણે ક્લાસ ટીચરને જાણ કરી હતી. ટીચરે વિદ્યાર્થિનીના વડીલો અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. વડીલોએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે શાળાના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજ પરથી 27 ડિસેમ્બરે વિદ્યાર્થિની અને પીટી શિક્ષક સ્કૂલમાં હોવાની ખાતરી થઈ હતી. આરોપી શિક્ષક છેલ્લાં સાત વર્ષથી શાળામાં ફરજ બજાવે છે. અગાઉ પણ કોઈ વિદ્યાર્થિની સાથે આરોપીએ આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.