અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ બનવા આજથી સેન્સ પ્રક્રિયાનો આરંભ થયો છે. જેના માટે દાવેદારો દ્વારા લોબિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અને જિલ્લા પ્રમુખ બનવા વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે. કેટલાક નેતાઓએ ગોડફાધર દ્વારા તેમને આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે પ્રમુખોની વરણી માટે બનાવ્યા નિયમો
અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ મકવાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે પાછળ અનેક કારણો છે. આ સિવાય ભાસ્કર ભટ્ટ, ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, હિતેશ બારોટ, સુરેશ પટેલ, મહેન્દ્ર પટેલ, ડો. નિર્મળાબેનના નામ પણ ચર્ચાઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી અમદાવાદ કાર્યાલય પર પહોંચતા જ શહેર પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સહચૂંટણી અધિકારી અને પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ , ખાડિયાના પૂર્વ કોપોરેટર મયૂર દવેનાં ફોર્મ ભરવાથી શરૂઆત થઈ હતી.
ભાવનગમાં પ્રમુખ નહીં તો બીજું પદ મળે તેવી ગણતરી સાથે પણ કેટલાકે નોંધાવી દાવેદારી
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે આજે શહેર કાર્યાલય ખાતે ભાવનગર મહાનગરના ચૂંટણી અધિકારી વંદનાબેન પરમાર સહિતની સમિતિએ દાવેદારોના ઉમેદવારી ફોર્મ સ્વિકાર્યા હતા. ભાજપ પ્રમુખ માટે બપોર સુધીમાં 40 જેટલા ફોર્મ ભરાયાં હતાં. કેટલાકે પ્રમુખ નહીં તો બીજું પદ પણ મળી જાય તેવી ગણતરી સાથે ઉમેદવારી નોંધાવી દીધી હતી. શહેર ભાજપ પ્રમુખ માટે સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, પૂર્વ મ્યુ. પદાધિકારીઓ, નગરસેવકો, નાગરિક બેંકના ડાયરેક્ટર સહિતના 40 થી વધુ એ દાવેદારી કરી છે. જેમાં અભયસિંહ ચૌહાણ, અરુણ પટેલ, મહેશ રાવલ, ડી.બી. ચુડાસમા, કુમાર શાહ, યોગેશ બદાણી, ધર્મેન્દ્ર મહેતા, ભરતસિંહ ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, સુરેશ ધાંધલ્યા, પ્રવીણ ચાવડા, હિમાંશુ દેસાઈ, હરેશ મકવાણા, રઘુભા ગોહિલ, રાજુ ઉપાધ્યાય, કુલદીપસિંહ ચુડાસમા, કિશોર ભટ્ટ, રાજુ બાંભણિયા, યશપાલસિંહ ગોહિલ, જીતુ બોરીસાગર, નરેન્દ્રસિંહ ગોહિલ, નરેશ સોનાણી સહિતના 40થી વધુનો સમાવેશ થાય છે. વર્તમાન સંગઠનમાંથી જ 9 હોદ્દેદારોએ દાવેદારી કર્યાનું જાણવા મળ્યું છે.
સુરતમાં કોના પર ઢોળાશે પસંદગીનો કળશ
સુરતમાં પણ આજે સવારથી ભાજપ કાર્યાલય પર દાવેદારી નોંધાવવા નેતાઓ ઉમટી પડ્યા હતા. 60થી વધુ ફોર્મનું વિતરણ થયું હતું, નિરીક્ષકના કહેવા પ્રમાણે, મહિલા અને પુરુષો થઈને 65 લોકોએ દાવેદારી નોંધાવી છે. પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ,લલિત વેકરીયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નિરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ સિવાય કેયુર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી.
રાજકોટમાં કોણે કોણ ભર્યા ફોર્મ
રાજકોટમાં ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાની અને મુકેશ લંગાળિયા આવી પહોંચતા ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે.
વડોદરામાં સેન્સ પ્રક્રિયામાં ઉડ્યા શીસ્તના લીરા
વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ કર્યા હતા. ચૂંટણી અધિકારીની હાજરીમાં ડખો થતાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. વડોદરા શહેર ભાજપ માટે સુનીલ સોલંકી, જિગીષા શેઠ, હિતેન્દ્ર પટેલ, ડો. વિજય શાહ, હર્ષિત ઉર્ફે ગોપી તલાટી, ભૂપેન્દ્ર લાખાવાલા, જિગર ઈનામદાર, દીપર પઢિયાર, લલિત રાજે દાવેદારી નોંધાવી હતી. જ્યારે વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર તરીકે સતીષ પટેલ, યોગેશ અધ્યારુ, ધર્મેશભાઈ પંડ્યા, ગોપાલભાઈ રબારી, અરવિંદભાઈ પટેલ, મુકેશભાઈ પંડ્યા, પૂનમભાઈ રાઠોડે ફોર્મ ભર્યા હતા.
તમામ શહેરોનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશની ટીમને આપી દેવામાં આવશે અને આ રિપોર્ટના આધારે નામ નક્કી કરવામાં આવશે.