લાડકી બહેનના લાભાર્થીઓની ચકાસણી સાબિત કરે છે કે યોજના મતો માટે જ હતી: વડેટ્ટીવાર
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ના લાભાર્થીઓની ચકાસણી કરવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય સાબિત કરે છે કે આ યોજના રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે જાહેર કરવામાં આવી હતી.
વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે, ગયા વર્ષે ચૂંટણી પહેલાં જ્યારે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સરકારે લાભાર્થીઓ માટેના માપદંડ હળવા કર્યા હતા.
આ પણ વાંચો: એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
લાડકી બહેન યોજના મહાયુતિ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ અને શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત નોંધાવી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ પાત્ર મહિલાઓને માસિક 1,500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે.
કોંગ્રેસના નેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મહાયુતિ મહિલાઓ પાસેથી મતો મેળવવા ઇચ્છતી હતી અને હવે સરકાર કહે છે કે લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવશે. ઘણા લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ અન્યાયી છે. સંબંધિત પ્રધાને એમ પણ કહ્યું હતું કે અન્ય સરકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓને લાડકી બહેનનું ભથ્થું મળશે નહીં. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે આ યોજના ફક્ત મતો માટે હતી.’
આ પણ વાંચો: ‘લાડકી બહેન’ લાભાર્થીઓ દ્વારા મળેલું સન્માન મારા માટે સૌથી મોટું: શિંદે
આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યના મહિલા અને બાળવિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ એવી જાહેરાત કરી હતી કે સરકાર બોગસ લાભાર્થીઓ અંગેની ફરિયાદોનો ઉકેલ લાવશે અને ચકાસણી માટે આવકવેરા અને પરિવહન વિભાગો પાસેથી માહિતી માગવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બધા લાભાર્થીઓની ચકાસણીનો આદેશ આપી રહી નથી, પરંતુ ફક્ત સ્થાનિક સરકારી કચેરીઓમાં નોંધાયેલી ફરિયાદોનો ઉકેલ લાવી રહી છે.