પંતનો પાવર, બૉલેન્ડની બોલબાલાઃ બીજા દિવસે પડી પંદર વિકેટ
કોહલી આઠમી વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવા જતાં થયો આઉટઃ 175 જેટલો લક્ષ્યાંક ઑસ્ટ્રેલિયાને ભારે પડી શકે
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાતી છેલ્લી ટેસ્ટમાં આજના બીજા દિવસે પડેલી કુલ 15 વિકેટ (ઑસ્ટ્રેલિયાની નવ અને ભારતની છ વિકેટ) સહિત અનેક રોમાંચક વળાંકો આવ્યા બાદ હવે આ મૅચનો (અને શ્રેણીનો) મોટા ભાગે આવતી કાલે (રવિવારે) અંતિમ દિન બનશે અને એ સાથે સિરીઝમાં ઑસ્ટ્રેલિયા 3-1થી વિજયી બનશે કે શ્રેણી 2-2થી ડ્રૉમાં જશે એ નક્કી થઈ જશે. હાલમાં કાંગારુંઓ 2-1થી આગળ છેે અને સિડનીની ટેસ્ટમાં તેમનો હાથ ઉપર છે. આક્રમક બૅટિંગમાં 61 રન બનાવનાર વિકેટકીપર-બૅટર રિષભ પંત અને ફરી ચાર વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડ બીજા દિવસના સૌથી મોટા બે આકર્ષણ હતા.
બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર છ વિકેટે 141 રન હતો અને ચાર રનની લીડ ઉમેરતાં ભારતના 145 રન હતા અને ચાર વિકેટ પડવાની બાકી હતી. રવીન્દ્ર જાડેજા 39 બૉલમાં એક ફોરની મદદથી બનેલા આઠ રને નૉટઆઉટ હતો અને તેની સાથે વૉશિંગ્ટન સુંદર (17 બૉલમાં છ રન) રમી રહ્યો હતો. જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા થઈ છે, પરંતુ રવિવારે તે બોલિંગ કરી શકશે કે કેમ અને કેવી કરશે એના પર બધો આધાર છે. બાકીના ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયાને મળનારો સાધારણ લક્ષ્યાંક ડિફેન્ડ કરી શકશે કે કેમ એ પણ એક સવાલ છે.
સિડનીની પિચ પર ફાસ્ટ બોલર્સને ઘણા ઉછાળ મળે છે અને પિચમાં તિરાડો પણ પડી છે એટલે સ્પિનર રવીન્દ્ર જાડેજા તથા વૉશિંગ્ટન સુંદર એનો લાભ લઈ શકશે. બુમરાહ અડધા ભાગની ફિટનેસ સાથે પણ રમશે તો ઑસ્ટ્રેલિયા માટે 175ની આસપાસનો ટાર્ગેટ મુશ્કેલ બની શકે. રિષભ પંત (61 રન, 33 બૉલ, 47 મિનિટ, ચાર સિક્સર, છ ફોર) આજે તોફાની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે માત્ર 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને માત્ર એક બૉલ માટે પોતાના જ 28 બૉલની અડધી સદીના ભારતીય વિક્રમની બરાબરીમાં આવતાં રહી ગયો હતો. વિરાટ કોહલી (12 બૉલમાં એક ફોરની મદદથી છ રન)ની વિકેટ પડ્યા બાદ પંત બૅટિંગમાં આવ્યો હતો અને તેણે પહેલા જ બૉલમાં (સ્કૉટ બૉલેન્ડના બૉલમાં) ઊંચી સિક્સર ફટકારીને પોતાની તાકાત બતાવી હતી તેમ જ પોતાની જુસ્સેદાર ઇનિંગ્સ જોવા બધા તૈયાર થઈ જાવ એવો તેણે જાણે સંકેત આપ્યો હતો.
એક તબક્કે પંતે પેસ બોલર બો વેબસ્ટરના ઉપરાઉપરી ત્રણ બૉલમાં ચોક્કા ફટકાર્યા હતા, પછીથી તેની જ ઓવરના ત્રણ બૉલમાં સિક્સર અને ફોર સહિત કુલ 10 રન બનાવ્યા હતા અને બે ઓવર બાદ મિચલ સ્ટાર્કના બે બૉલમાં ફરી ઊંચી સિક્સર ફટકારી હતી. એ બન્ને સિક્સરમાં બૉલ લેડીઝ મેમ્બર્સ સ્ટૅન્ડમાં ગયો હતો અને ત્યાંની પ્રેક્ષકો રોમાંચિત થઈ ગઈ હતી. જોકે એ પછી કૅપ્ટન અને ફાસ્ટ બોલર પૅટ કમિન્સની ઓવરના બીજા બૉલમાં શૉટ મારવા જતાં પંતના બૅટના બહારના ભાગને કટ લાગ્યા બાદ બૉલ વિકેટકીપર ઍલેક્સ કૅરી તરફ ગયો હતો જેણે આસાન કૅચ પકડી લીધો હતો.
જો પંતે ફાંકડી ફટકાબાજીથી આ હાફ સેન્ચુરી ન ફટકારી હોત તો ભારતીય ટીમ કદાચ 100 રનની આસપાસના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હોત.
Also read: બુમરાહ કેમ મેદાનની બહાર જતો રહ્યો? વિરાટે કેપ્ટન્સી સંભાળવી પડી…
બીજી તરફ, બૉલેન્ડે ટીમ ઇન્ડિયા પર ફરી આતંક ફેલાવ્યું હતું. પ્રથમ દાવમાં 31 રનમાં ચાર વિકેટ લેનાર આ 35 વર્ષીય બોલરે આજે 42 રનમાં ચાર વિકેટ લીધી હતી. કમિન્સ ઉપરાંત નવા ઑલરાઉન્ડર બો વેબસ્ટરે એક-એક વિકેટ લીધી હતી. મિચલ સ્ટાર્કને 36 રનમાં એકેય વિકેટ નહોતી મળી. એ પહેલાં, ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રન પર પૂરો થયો હતો. જસપ્રીત બુમરાહે શુક્રવારે એક વિકેટ લીધી હતી અને આજે પણ તેણે એક વિકેટ મેળવી હતી. જોકે પછીથી તે પીઠની ઈજાને લીધે મેદાનની બહાર જતો રહ્યો હતો અને મોહમ્મદ સિરાજ (51 રનમાં ત્રણ વિકેટ), પ્રસિદ્ધ ક્રિષ્ના (42 રનમાં ત્રણ વિકેટ), રવીન્દ્ર જાડેજા (12 રનમાં એકેય વિકેટ નહીં) તથા નીતીશ કુમાર રેડ્ડી (32 રનમાં બે વિકેટ)એ બાજી સંભાળી લીધી હતી અને યજમાન ટીમને સરસાઈ નહોતી લેવા દીધી.
સિડનીમાં ખરેખર તો બીજો દિવસ `બોલર્સ-ડે’ હતો જેમાં વિરાટ કોહલી (છ રન) અને ટૉપ-ઑર્ડરના બીજા બૅટર્સ યશસ્વી જયસ્વાલ (35 બૉલમાં બાવીસ રન), કેએલ રાહુલ (20 બૉલમાં 13 રન), શુભમન ગિલ (15 બૉલમાં 13 રન) ખાસ કરીને સ્કૉટ બૉલેન્ડના ઝંઝાવાત સામે લાંબો સમય ક્રીઝમાં નહોતા ટકી શક્યા. બૉલેન્ડની પ્રાઇઝ વિકેટ ખાસ કરીને વિરાટ કોહલી હતો જે આ સિરીઝમાં આઠમી વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને કટ મારવાના પ્રયાસમાં કૅચ આપી બેઠો હતો. બીજી સ્લિપમાં સ્ટીવ સ્મિથ જાણે કૅચની પ્રૅક્ટિસ કરી રહ્યો હોય એ રીતે તેણે વિરાટનો કૅચ પકડ્યો હતો.