વિદેશી મોડેલ બનીને 700 યુવતીને ફસાવી
દિલ્હી: લોકો સાથે છેતરપિંડી કરવા ગઠિયાઓ કેવી કેવી રીતો અપનાવતા હોય છે એ જાણીને આપણે પણ મોંમા આંગળા નાખી જઇએ. હાલમાં જ દિલ્હી પોલીસે 23 વર્ષના એક સાયબર ગુનેગારને પકડી પાડ્યો છે, જેના કારનામા તમને આશ્ચર્યચકિત કરી દેશે. તેણે ઘણી યુવતીઓ અને મહિલાઓ સાથે ઓનલાઈન દોસ્તી કરીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. આ ફ્રોડ વ્યક્તિ ખાસ કરીને 18 થી 30 વર્ષની છોકરીઓ અને મહિલાઓને ફસાવતો હતો. ડેટિંગ પ્લેટફોર્મ પર મોડલ તરીકે દર્શાવીને 700થી વધુ મહિલાઓ સાથે તેણે છેતરપિંડી કરી છે, જે બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ફ્રોડ કરનાર વ્યક્તિ દિલ્હીનો છે. તેનું નામ તુષાર છે. તેની પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)માં સ્નાતકની ડિગ્રી છે. છેલ્લા ત્રણેક વર્ષથી તે તે નોઈડાની એક ખાનગી કંપનીમાં ટેકનિકલ રિક્રુટર તરીકે નોકરી કરતો હતો. તેના પિતા ડ્રાઇવર છે અને માતા ગૃહિણી છે. તેની બહેન ગુરુગ્રામમાં નોકરી કરે છે.
મહિલાઓ પ્રત્યેના લોભ અને વાસનાની લાલચે તુષાર સાયબર ક્રાઇમની દુનિયામાં આવી ગયો હતો. તુષારે બમ્બલ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી પ્રોફાઇલ્સ બનાવી હતી. ડેટિંગ એપ્સ પર અમેરિકન ફ્રીલાન્સ મોડેલ બનીને તે યુવતીઓને ઠગતો હતો. તેણે બ્રાઝિલિયન મોડલના ફોટા અને વાર્તાઓ ચોરીને પોતાનો પ્રોફાઇલ બનાવ્યો હતો.
18થી 30 વર્ષની યુવતીઓને ટાર્ગેટ કરી તુષાર તેમની પાસે અંગત ફોટા કે વીડિયો માંગતો. શરૂ શરૂમાં તો તુષાર પોતાના અંગત આનંદ માટે આવા ફોટા લેતો હતો, પણ એમાંથી ધીમે ધીમે તે બ્લેક મેઇલર બની ગયો અને યુવતીઓને બ્લેક મેઇલ કરવા માંડ્યો. તે યુવતીઓના ફોટા અને વીડિયો લઇને તેમને બ્લેકમેઇલ કરવા માંડ્યો અને તેમની પાસેથી મોટી રકમ પડાવવા માંડી. એક યુવતીએ પહેલા તો થોડી રકમ ચૂકવી , પણ પછીથી તુષારની માગણી વધી જતા તેણે ઘરમાં પેરેન્ટ્સને અને પછી પોલીસને ફરિયાદ કરી, તેમાં તુષારની આખી કરમકુંડળી બહાર આવી અને તે પકડાયો.
Also read: હું પણ શીશ મહલ બનાવી શકતો હતો પણ…… દિલ્હી રેલીમાં આ શું બોલ્યા પીએમ મોદી
પોલીસને તુષાર પાસેથી નકલી ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર અને 13 અલગ-અલગ બેંકોના ક્રેડિટ કાર્ડ મળ્યા હતા. ફોનમાંથી 60થી વધુ મહિલાઓ સાથે ચેટ રેકોર્ડ અને અન્ય ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી હતી. પોલીસે તુષારના કેટલાક બેંક ખાતાની તપાસ કરી છે અને એમાં પીડિત મહિલાઓએ કરેલી ચૂકવણીની રકમની વિગતો મળી આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.