મહાકુંભમાં આ 6 દિવસ થશે શાહી સ્નાન, જરૂર કરો આ 3 કામ
પ્રયાગરાજઃ સનાતન ધર્મમાં મહાકુંભનું (Mahakumbh 2025) વિશેષ મહત્ત્વ છે. મહાકુંભમાં દેશ-દુનિયાથી લોકો આવે છે. આ મેળામાં નાગા સાધુ પણ ભાગ લે છે. 2025માં પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભનું આયોજન થયું છે અને 13 જાન્યુઆરીથી શરૂઆત થશે. મહાકુંભ ચાર પવિત્ર તીર્થસ્થળ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન તથા નાસિકમાં યોજાય છે.
ક્યારથી શરૂ થશે મહાકુંભ
મહાકુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરી, 2025, સોમવાર પોષ પૂર્ણિમાથી થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. મહાકુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે. આ દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન થશે.
મહાકુંભ દરમિયાન દરરોજ અહીં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવી સનાતન ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે.. પરંતુ કેટલીક ખાસ એવી તારીખો છે જેને શાહી સ્નાનની તિથિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ડૂબકી લગાવવાથી જીવનના તમામ પાપ ધોવાઈ જાય છે.
મહાકુંભ 2025 શાહી સ્નાનની તિથિ
13 જાન્યુઆરી, 2025 – પોષ પૂર્ણિમા
14 જાન્યુઆરી, 2025- મકર સંક્રાંતિ
29 જાન્યુઆરી, 2025 – મૌની અમાસ
3 ફેબ્રુઆરી, 2025 – વસંત પંચમી
12 ફેબ્રુઆરી, 2025 – માઘ પૂર્ણિમા
26 ફેબ્રુઆરી, 2025 – મહાશિવરાત્રિ
મહાકુંભમાં સ્નાન બાદ જરૂર કરો આ 3 કામ
સૂર્યને અર્ધ્ય આપોઃ મહાકુંભનો સંબંધ સૂર્યદેવ સાથે છે. તેથી મહાકુંભ દરમિયાન જ્યારે પણ સ્નાન કરો ત્યારે સૂર્યદેવને અર્ધ્ય જરૂર આપો. તેનાથી ન માત્ર કરિયરમાં પ્રગતિ થશે પરંતુ સુખ-સંપત્તિમાં વધારો થવાની સાથે દુર્ભાગ્ય પણ દૂર થાય છે. દાનનું મહાપર્વઃ મહાકુંભ માત્ર સ્નાનનું જ નહીં પરંતુ દાનનું પણ મહાપર્વ છે. મહાકુંભમાં સ્નાન બાદ દાન કરવું શુભ માનવામાં આવે છે. આ પાવન પર્વ પર હજારો સાધુ-સંત, મહાત્મા, બ્રાહ્મણ અને યાચક ઉપસ્થિત હોય છે. મહાકુંભમાં સ્નાન અને દાનથી આધ્યાત્મિક લાભ મળે છે. મહાકુંભમાં સ્નાન બાદ જરૂરિયાતમંદને દાન આપીને પુણ્ય કમાવવું જોઈએ તેવી માન્યતા છે. તેનાથી જીવનમાં ખુશાલી આવે છે. અશુભ ગ્રહ પણ શુભ ફળ આપવા લાગે છે.
Also read: મહાકુંભમાં આ વખતે થશે એકતાનો મહાયજ્ઞ: PM Modiએ કુંભના મહત્ત્વ અંગે કરી મોટી વાત
દીપદાનનું મહત્ત્વઃ ન માત્ર સમંગ કે મહાકુંભ પરંતુ નદીમાં સ્નાન બાદ દીપદાનની પણ પરંપરા છે. મહાકુંભમાં સ્નાન બાદ દીપદાનને અત્યંત પવિત્ર અને શુભ કાર્ય માનવામાં આવે છે. તે ન માત્ર ધાર્મિક દ્રષ્ટિથી પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ મહત્ત્તવ ધરાવે છે. દીપદાનનો અર્થ અજ્ઞાન અને અંધકારમાંથી જ્ઞાન અને પ્રકાશ તરફ લઈ જવાનો છે. દીપદાનથી ગ્રહોની અશુભતા ઓછી થાય છે અને શુભ પરિણામ આપવા લાગે છે.