નેશનલ

છત્તીસગઢમાં ગુમ થયા બાદ સેપ્ટિક ટાંકીમાંથી મળ્યો પત્રકારનો મૃતદેહ; રિપોર્ટના લીધે હત્યા?

રાયપુર: છત્તીસગઢના બીજાપુરમાં બે દિવસ પહેલા એક પત્રકાર ગુમ થયો હતો, હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પત્રકાર મુકેશ ચંદ્રાકરની લાશ કોન્ટ્રાક્ટરના કમ્પાઉન્ડમાં બનેલી સેપ્ટિક ટાંકીમાંથી મળી આવી છે. એવી વિગતો મળી રહી છે કે પત્રકારે કોન્ટ્રાક્ટર મુકેશ ચંદ્રાકાર અને સુરેશ ચંદ્રાકર સામે રોડ નિર્માણમાં કથિત ભ્રષ્ટાચારનો અહેવાલ આપ્યો હતો. આથી મુકેશની હત્યાની આશંકા છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને પૂછપરછ માટે ઘણા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો : Manipur Violence : મણિપુરમાં ફરી હિંસા ભડકી, કલેક્ટર કચેરી પર હુમલો, એસપી ઘાયલ…

મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ

મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાયએ ટ્વિટ કરીને આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરજીની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મુકેશજીનું નિધન પત્રકારત્વ અને સમાજ માટે અપુરતી ખોટ છે.” સીએમ વિષ્ણુદેવે આગળ લખ્યું, “ગુનેગારને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. મેં ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવા અને તેમને સખત સજા આપવા સૂચના આપી છે.”

પત્રકારનો મૃતદેહ કોન્ટ્રાકટરની પ્રોપર્ટીમાં

મુકેશ ચંદ્રાકર છેલ્લે 1 જાન્યુઆરીની સાંજે જોવા મળ્યો હતો. તેના મોટા ભાઈ યુકેશ ચંદ્રાકરે બીજા દિવસે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. મોબાઈલ ટ્રેકિંગના આધારે, પોલીસને મુકેશનો મૃતદેહ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રકરની પ્રોપર્ટીમાંથી મળ્યો હતો. યુકેશ ચંદ્રાકરની ફરિયાદમાં મૃતક પત્રકારની તાજેતરની સ્ટોરીનો ઉલ્લેખ છે, જેમાં ગંગાલુરથી નેલસનર ગામ સુધીના રસ્તાના બાંધકામમાં કથિત અનિયમિતતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ; અમદાવાદમાં સ્થપાશે આધુનિક લેબ…

ફરિયાદમાં શું છે ઉલ્લેખ?

પત્રકારના રિપોર્ટ બાદ પ્રોજેક્ટની તપાસ કરવામાં આવી હતી. ફરિયાદમાં કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકર સહિત ત્રણ વ્યક્તિઓ તરફથી મુકેશને મળેલી ધમકીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શુક્રવારે જાહેર કરાયેલા પોલીસ નિવેદનને ટાંકીને અગ્રેજી વર્તમાનપત્રએ લખ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું હતું કે જ્યાંથી મૃતદેહ મળ્યો હતો તે જગ્યા મજૂરોને રહેવા અને બેડમિન્ટન રમવા માટે વપરાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button