વીક એન્ડ

રોહિત-વિરાટના ટેસ્ટ યુગનો સાગમટે અંત આવી રહ્યો છે કે શું?

વીતેલા દાયકાઓના મહાન બૅટર્સની ટેસ્ટ કરિયર અલગ-અલગ સમયમાં સમેટાઈ હતી, પણ હાલના બે દિગ્ગજની કારકિર્દી પર જાણે એકસાથે પડદો પડી રહ્યો છે

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા

અઢી મહિના પહેલાં (શનિવાર, 21મી ડિસેમ્બરે) બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારતીય ટીમ એક કૅલેન્ડર-યરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 100 સિક્સર ફટકારનાર વિશ્વની પ્રથમ ટીમ બની હતી. ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં કોઈ એક ટીમે એક વર્ષમાં 100 છગ્ગા માર્યા હોય એવું પહેલી જ વાર બન્યું હતું. જોકે અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે એ તો દેખીતી રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની જ અસર કહી શકાય.

ફટાફટ ક્રિકેટમાં છગ્ગા-ચોક્કાનો દરેક મૅચમાં વરસાદ વરસતો હોય છે અને ભારતીય બૅટર્સે એમાં તાકાત બતાડીને ટેસ્ટ-જગતમાં સિક્સરોની વર્ષાથી પોતાનું નામ સોનેરી અક્ષરે લખાવ્યું. જોકે આ સ્થિતિમાં હવે ટેસ્ટ-ક્રિકેટ જેના માટે વખણાય છે એ બૅટિંગ-ટેક્નિક લુપ્ત થતી જાય છે. બૅટર્સમાં ધૈર્ય અને પોતાને લાંબા સમય સુધી ક્રીઝમાં સુરક્ષિત રાખવાની કળા પણ હવે ક્યાં જોવા મળે છે. જુઓને, ટી-20માં ઝડપથી (20 ઓવરની મર્યાદામાં) બને એટલા રન ખડકી દેવાની ઉતાવળમાં બૅટર્સ હવે ધીરજ ગુમાવી બેસે છે અને ટેસ્ટમાં સસ્તામાં વિકેટ ગુમાવી રહ્યા છે. વર્તમાન સિરીઝમાં ભારતની પૂર્ણ થયેલી આઠમાંથી પાંચ ઇનિંગ્સમાં 200 રન નથી બન્યા. આ સંજોગોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજનું બૅટિંગમાં અસલ કૌશલ્ય નથી જોવા મળી રહ્યું અને તેમની ટેસ્ટની નિવૃત્તિનો સમય નજીક આવી ગયો છે.

ભારતે છેલ્લા છ દાયકામાં ટેસ્ટ-ક્રિકેટમાં ઘણા યુગ જોયા છે. ભારતના મહાન કૅપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીના યુગમાં અને ત્યાર પછીના ઘણાં વર્ષો દરમ્યાન ખાસ કરીને વિજય માંજરેકર તેમ જ સુનીલ ગાવસકરના યુગમાં ગુંડપ્પા વિશ્વનાથ, ફરોખ એન્જિનિયર, દિલીપ વેન્ગસરકર, અંશુમાન ગાયકવાડ, બ્રિજેશ પટેલ અને યશપાલ શર્મા સહિતના ભરોસાપાત્ર તથા દિગ્ગજ બૅટર્સ થઈ ગયા અને કપિલ દેવ એ અરસામાં સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હતા. કપિલના જ યુગમાં સચિન તેન્ડુલકરનો (1989માં) યુગ શરૂ થયો હતો.

ત્યાર બાદ મોહમ્મદ અઝહરુદ્દીન પણ ટીમનો બહુમૂલ્ય હિસ્સો બન્યો હતો અને તેના સુકાનમાં રમી ચૂકેલા દિગ્ગજ બૅટર્સમાં સચિન ઉપરાંત સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણનો સમાવેશ હતો. મૅચ-ફિક્સિંગના આક્ષેપો વચ્ચે અઝહરુદ્દીનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વહેલી સમેટાઈ ગઈ ત્યાર બાદ સૌરવ ગાંગુલીએ સત્તાના સૂત્રો સંભાળ્યાં અને તેની કૅપ્ટન્સીમાં (2001માં) વીરેન્દર સેહવાગનો યુગ શરૂ થયો હતો. બૅટર્સની જ વાત કહીએ તો યુવરાજ સિંહ પછી મહેન્દ્રસિંહ ધોનીનો યુગ શરૂ થયો એ પહેલાં જ ગાંગુલીના સુકાનમાં ભારતીય ક્રિકેટમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ ચૂકી હતી જેનો સીધો ફાયદો ધોનીને મળ્યો જે બૅટિંગની સાથે વિકેટકીપિંગની પણ જવાબદારી સંભાળવાની સાથે દેશનો સર્વશ્રેષ્ઠ કૅપ્ટન સાબિત થયો હતો. ધોનીના યુગમાં વિરાટ કોહલીની કરીઅરનો ઉદય થયો અને તેણે તેના આ ગુરુ (ધોની) પાસેથી કૅપ્ટન્સીના પાઠ શીખીને નેતૃત્ત્વની જવાબદારી સ્વીકારી હતી અને વિરાટે જ્યારે કૅપ્ટન્સી છોડી ત્યારે એ રોહિતને સોંપાઈ હતી.

હવે સમય એ આવ્યો છે કે આ બન્ને દિગ્ગજ (રોહિત-વિરાટ)ની ટેસ્ટ કારકિર્દી સમેટાઈ જવાની તૈયારીમાં છે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ ટેસ્ટના કાબેલ બૅટર તરીકે પુરવાર થયા અને એમાં પણ રહાણેની કૅપ્ટન્સીમાં ઑસ્ટે્રલિયામાં 2021માં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. હવે મુખ્ય વાત પર આવીએ તો રોહિતે ગઈ કાલે સિડનીની છેલ્લી ટેસ્ટમાંથી પોતાને બહાર રાખ્યો (કે પછી તેને સ્વૈચ્છિક રીતે રેસ્ટ લેવાનું આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું). જે કંઈ હોય, પણ ટેસ્ટના આ બે દિગ્ગજો આવનારા દિવસોમાં ટેસ્ટ-કરીઅર પર પડદો પાડી દેવાના હશે તો અત્યારે તેમનો કપરો કાળ ચાલી રહ્યો છે. ફૉર્મ ગુમાવી બેસવા બદલ અને ખોટા શૉટ સિલેક્શનને લીધે (ખાસ કરીને વિરાટના કિસ્સામાં) ટીકાઓનો તેમના પર વરસાદ વરસી રહ્યો છે, તેમની બ્રૅન્ડને પણ અસર થઈ રહી છે અને જે કરોડો ક્રિકેટપ્રેમીઓને તેમના પર માન હતું એ થોડું ઓછું થઈ ગયેલું જણાય છે.

રોહિતના નામે 116 ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરીની મદદથી બનેલા 4,301 રન છે. બીજી બાજુ, વિરાટના નામે 209 ટેસ્ટ ઇનિંગ્સમાં 30 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી સાથે બનેલા 9,224 રન છે. જે ઓપનિંગ બૅટરે (રોહિતે) ટેસ્ટ કારકિર્દીની પહેલી બે ઇનિંગ્સમાં સદી ફટકારી હોય (2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે 177 રન અને 111 અણનમ) અને જે બૅટરે (વિરાટે) સચિન જેવા ક્રિકેટિંગ-ગૉડના પણ વિક્રમો તોડ્યા હોય તેમને જો શાનથી કરીઅરને ગુડબાય કરવા નહીં મળે તો ઘણાને દુ:ખ થશે. રવિચન્દ્રન અશ્વિન જેવા દિગ્ગજ ઑફ-સ્પિનરે તાજેતરમાં જ ટીમમાં થતી અવગણના બદલ રિસાઈને ઓચિંતું રિટાયરમેન્ટ લઈ લીધું એવું રોહિત અને વિરાટના કિસ્સામાં ન બને એવી પ્રાર્થના કરીએ. અગાઉના દિગ્ગજ બૅટરની મોટા ભાગે વ્યક્તિગત રીતે ટેસ્ટના ફલક પરથી વિદાય જોવા મળી હતી, પણ રોહિત અને વિરાટની વિદાય જાણે સાગમટે થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. રોહિત અને વિરાટ ટેસ્ટ માટે જરૂરી પાછા ફૉર્મમાં ન આવે તો પણ તેમના માટે ભવ્ય ફેરવેલ રાખવામાં આવે એવું તેમના કરોડો ચાહકો ઇચ્છતા હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button