ડાઇડેસહાઇમનાં ચળકતાં વૃક્ષો વચ્ચે…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
2024માં યુરોપભરની ક્રિસમસ માર્કેટો દુનિયાભરના મુલાકાતીઓથી ઊભરાઈ રહી હતી. પેરિસમાં સૌથી વધુ ભીડ હતી. જાકે કોલોન અને સ્ટ્રાસબોર્ગમાં પણ પગ મૂકવાની જગ્યા ન હતી. માગદેબુર્ગના મેળામાં તો હુમલો પણ થઈ ગયેલો. રાઇડ્સ અને હેન્ડીક્રાફટના સ્ટોલ વચ્ચે ખાણી-પીણી અને ગ્લુ વાઇનની લાઈનો સાથે ત્યાંની વાઈબ તો ભારતીય મેળા સાથે જ સરખાવી શકાય. છતાંય જેમ જેમ આ માર્કેટો બંધ થવાના દિવસો નજીક આવે એટલે લોકોની ત્યાં જવાની તલબ પણ જાણે વધતી જતી હતી. ઓફિસનાં કોલિગ્સ, મિત્રો અને ફેમિલીમાં પણ 25 ડિસેમ્બર પહેલાં માત્ર ક્રિસમસ માર્કેટના પ્લાન બની રહૃાા હતા. સ્પાયર અને બાદેન બાદેન જેટલાં કેટલાંક શહેરોને બાદ કરતાં બધી લોકપ્રિય ક્રિસમસ માર્કેટ 23 ડિસેમ્બરે બંધ થઈ જાય. ઘણી તો માત્ર ડિસેમ્બરમાં વીકેન્ડ પર જ ખૂલે.
રાવેનાઝ ગોર્જ તો આ વખતે વધુ પડતું ઇન્સ્ટા પોપ્યુલર થઈ ગયેલું, એવામાં ત્યાં ધક્કામુક્કી નક્કી હતી. જોકે જર્મનીમાં બીજી ઘણી છૂપાં રત્નો જેવી માર્કેટ છે, તે પણ મિશેલસ્ટાડની જેમ લોકપ્રિય થઈ રહી છે. એવામાં અમે સ્ટ્રાસબોર્ગની ટેડીબેર સ્ટ્રીટ જોવા કે બ્લેક ફોરેસ્ટની કોઝી માર્કેટ જોવા જવાને બદલે વધુ માથાકૂટમાં પડ્યા વિના માંડ પોણા કલાકની ડ્રાઇવના અંતરે આવેલા ફાલ્ઝ રાજ્યના ગામ ડાઇડસહાઇમ જઈ આવવાનું પસંદ કર્યું. આ ગામની માર્કેટ પણ ઘણી અનોખી માનવામાં આવે છે. ઘણાં મિત્રો તો એમ પણ કહે છે કે જો માત્ર એક જ ક્રિસમસ માર્કેટ જવું હોય તો ડાઇડેસહાઇમ જવું. ડાઇડેસહાઇમ આ પહેલાં સ્પ્રિગ અને સમરમાં ત્યાંનાં વિનયાર્ડ અને બ્લોસમ્સ માટે જઈ ચૂકેલાં. ખાસ જર્મન રિઝલિંગ વાઇનનું ઘર ગણાતું ડાઇડેસહાઇમ અત્યંત ટચૂકડું છે અને મોટાભાગે કોઈ ને કોઈ ફેસ્ટિવલ માટે જ જીવંત થાય છે. ક્રિસમસ પહેલાંના છેલ્લા રવિવારે માર્કેટ સંકેલાય તેના બે કલાક પહેલાં અમે પાર્કિંગ તરફ આગળ વધ્યાં. ટેમ્પ્રેચર માઇનસમાં હતું.
હીટેડ કારમાં પાર્કિંગથી માર્કેટ સ્ક્વેર ચાલીને જવું પડશે તે ભુલાઈ ગયું હતું. જરાય સ્નો નહોતો પડતો, પણ દિવસનો વરસાદકચકાણ કરી ગયો હતો. હવામાં વધુ પડતી હૃુામિડિટી અને લો ટેમ્પ્રેચરમાં અમે ઠંડા પાણીના અદૃશ્ય બેરિયરને ક્રોસ કરતાં ચાલી રહૃાાં હોઈએ તેવું લાગતું હતું. ગામની બહારથી જ પાર્કિંગ ફુલ દેખાવા લાગેલાં. જોકે નક્કી હતું કે દરેક સમયે કોઈ ને કોઈ તો બહાર નીકળતું જ હોવું જોઈએ. એ જ ભરોસા પર અમે ડાઇડસહાઇમના સેન્ટરથી ઘણું નજીક પાર્ક કરવામાં સફળ થયેલાં. અને તેની સાથે જાણે ગામની આ આકર્ષક માર્કેટ અમારું સ્વાગત કરવા તૈયાર હોય તેમ, તેની મેજિકલ માઇલની શરૂઆત એક મહાકાય વૃક્ષના જાણે દરેક પાંદડાં પર લાઇટનાં ઝબકારા સાથે થતી હતી. આ પ્રકારની લાઇટિગ અમે પહેલાં ક્યાંય નહોતી જોઈ.
સ્વાભાવિક છે ગ્લુ વાઇન માટે પણ અહીં સ્થાનિક વાઇન જ વપરાતી હતી. જ્યાં જુઓ ત્યાં લોકોનાં હાથમાં અનોખા કલેક્ટિબલ મગ્સ દેખાતા હતા. જોકે હવે ગ્લુ વાઇનના મગ સુવિનિયર તરીકે પણ વેચાવા લાગ્યા છે. પહેલાં તો મગની ડિપોઝિટ પાછી ન આપીને તે મગ વસાવી લેવાનો જ રિવાજ હતો. લાઇટથી લદાયેલાં વૃક્ષ નીચેની હાટમાંથી હાથમાં મજેદાર ગ્લુ વાઇનનો મગ લઈને અમારી પાર્ટી આગળ ચાલી. મોટાભાગના સ્ટોલ્સ એના એ જ હતા. થોડી જ્વેલરી, થોડા ટોપી-મફલરના સ્ટોર, થોડા ક્રિસમસ ડેકોરેશનના સ્ટોર, અંતે તો દરેક મેળાનું ડેકોરેશન ભલે બદલાય, તેનું માળખું તો એનું એ જ હોય છે. અહીંની ખાસિયત એ હતી કે જે પણ ક્રાફટ સ્ટોર હતો, તેનો આર્ટિસ્ટ ત્યાં જ બેસીને પોતાની નાનકડી ટેમ્પરરી વર્કશોપમાં તે પોતાનું સર્જન કઈ રીતે કરે છે તે બતાવતો હતો. આવા સ્ટોર ખાસ માર્કેટ સ્ક્વેરમાં હતા.
હવે વેધર આવું ને આવું રહે તો આ વર્ષે ફરી કોઈ ક્રિસમસ માર્કેટ ન જવાની ચર્ચા પણ થઈ. એવામાં જમવા માટે ડિનેટે તરીકે ઓળખાતાં શ્વેબિશ રિજનના મિનિ પિત્ઝા માટે રોકાયાં. તેમનો વેજિટેરિયન સ્ટોક ખલાસ થઈ ગયેલો. હવે અમારા માટે સ્થાનિક સ્પેત્ઝલેનો ઓપ્શન હતો. ગરમ ગરમ સ્પેત્ઝલે સાથે ત્યાં હાથમાં ખાવાનું કે પીવાનું રાખવાનું મુખ્ય પ્રયોજન તો જાણે હાથ ગરમ રાખવાનું જ હોય તેવું લાગતું હતું. ડાઇડેસહાઇમની અનોખી લાગતી ક્રિસમસ માર્કેટની મજા તેની લાઇટિગમાં જ હતી. આમ જોવા જાઓ તો હવે વેલ ડેકોરેટેડ ઇવેન્ટ્સમાં કોઈને ક્રિયેટિવ લાઇટ્સની કોઈ નવાઈ નથી રહી. છતાંય એક મધ્યયુગીન ગામમાં બે ભવ્ય ઓક જેવાં લાગતાં વૃક્ષોની વચ્ચે જાણે ઝગારા મારતું હતુ તે જરાય ક્લિશે નહોતું લાગતું. આ માર્કેટ પણ અહીં છેક મધ્યયુગથી જ ભરાતી આવી છે. થોડી પળો માટે અમે પણ તે ટે્રડિશનનો ભાગ બનેલાં. એવામાં અહીં મર્યાદિત સમય દરમ્યાન મ્યુઝિકલ શો, પપેટ શો, લાઇવ ઓરકેસ્ટ્રા, અને ક્યારેક જર્મન સાન્ટાનું ટે્રડિશનલ સ્ટનિકોલાસનો કોઝપ્લે કરતો કોઈ ચર્ચ એક્ટર પણ નીકળી શકે.
ટૂંકમાં ડાઇડેસહાઇમની આ નાનકડી માર્કેટ એક લાઇટના ઇન્સ્ટોલેશનથી બીજા ઇન્સ્ટોલેશન વચ્ચે પોતાની આગવી મનોરંજક દુનિયા સમાવીને બેઠી છે. બસ અમે જ્યારે ત્યાં હતાં ત્યારે તે દુનિયામાં સ્થાનિક વેજિટેરિયન ફૂડની અછત હતી. આ મેળાની મજા એ છે કે થોડા દિવસો માટે આખું ગામ કોઈ ડ્રામા સેટમાં પલટાઈ જાય. એ પછી અમે ના ના કરતાં પણ માનહાઇમની ક્રિસમસ માર્કેટના એક અલગ પાર્ટમાં પહોંચી ગયેલાં. ત્યાંની તો થીમ જ ફેરી-ટેલ્સ હતી. ત્યાં જર્મન પરીકથાઓનાં બૂથ્સ વચ્ચે સળગતી રમ `ફોયરઝાન્ગેબોલ’ મળતી હતી. ક્રિસમસનો માહોલ ક્યારે સિલ્વેસ્ટરમાં પલટાઈ ગયો તે વેકેશન મૂડમાં ખબર પણ ન પડી. વેકેશન મૂડનો એક ફાયદો એ કે માર્ચમાં જાપાન જવાનું બુકિગ થઈ ગયું છે. વળી ગ્રાન કનેરિયાને વાગોળવાનું તો બાકી જ છે. સતત થયેલા અને થનારા પ્રવાસની વચ્ચે થોડું કામ પણ થઈ જ જાય છે.