એકસ્ટ્રા અફેર

અમેરિકામાં આતંકવાદી હુમલો, ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

જર્મનીમાં નાતાલ પર સાઉદી અરેબિયાના એક મુસ્લિમે ક્રિસ્ટમસ માર્કેટમાં ટ્રક ઘુસાડીને કરેલા હુમલામાં 5 લોકોનાં મોત થયાં એ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાએ સૌને ચોંકાવી દીધા છે કેમ કે અમેરિકામાં હુમલો કરનાર પણ કટ્ટરવાદી મુસલમાન છે. ન્યૂ ઓર્લિયન્સ સ્ટેટના ન્યૂ ઓર્લિયન્સ શહેરના પ્રખ્યાત બોર્બન સ્ટ્રીટ વિસ્તારમાં થર્ટી ફસ્ટની રાત્રે સેંકડો લોકો નવા વર્ષને આવકારીને ન્યૂ યરનું સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા.

આ કચડાયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં અને જે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી પણ ઘણાની હાલત ખરાબ છે તેથી બીજા પણ કેટલાય ઢબી જશે એવું લાગે છે. પોલીસે હુમલાખોરને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે બહાર આવીને પોલીસ પર ફાયરિગ શરૂ કરીને બીજા 5 લોકોને ઢાળી દીધા. હુમલાખોર પણ પોલીસના ગોળીબારમાં મરાયો તેથી આ કાંડનો એ જ વખતે અંત આવી ગયેલો, પણ આ હુમલાએ આખા અમેરિકાને ફફડાવી નાખેલું. પોલીસે પહેલાં તો કોઈ પાગલે આ કૃત્ય કર્યું હશે એમ માનેલું અને એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પછી આતંકી હુમલો છે તે દિશામાં તપાસ શરૂ કરી. આ તપાસમાં જે વિગતો બહાર આવી છે તેણે પોલીસને ચોંકાવી દીધી છે અને અમેરિકનોનો ફફડાટ વધારી દીધો છે કેમ કે હુમલાખોરની ઓળખ 42 વર્ષીય શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે અને આ શમશુદ્દીન જબ્બાર કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શમસુદ્દીન જબ્બારની પિકઅપ ટ્રકમાંથી કાળા રંગનો ધ્વજ મળી આવ્યો હતો અને આ ધ્વજ ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસનો ધ્વજ છે. સ્થાનિક સમય અનુસાર સવારે 3:15 વાગ્યે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાંથી એજન્સીઓને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત એક સાયલન્સરવાળી બંદૂક પણ મળી આવી છે. એફબીઆઈનું માનવું છે કે આ હુમલામાં જબ્બારે બીજા કોઈની પણ મદદ લીધી હોવી જોઈએ અને આ વ્યક્તિ હુમલા પછીની અંધાધૂંધીનો લાભ લઈને ફરાર થઈ ગઈ હશે. જબ્બારે હુમલા પહેલાં સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા હતા, આ વીડિયોમાં જબ્બાર પોતે ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થઈને ખ્રિસ્તીઓને મારી નાખવાનો ઈરાદો ધરાવતો હોવાનું જણાવે છે.

એજન્સીઓએ જબ્બારની આખી કરમ કુંડળી બહાર કાઢીને મૂકી છે એ સાંભળીને અમેરિકનો વધારે ફફડી ગયા છે. આ વિગતો પ્રમાણે, શમસુદ્દીન અમેરિકાના ટેક્સાસનો વતની હતો અને અમેરિકાની આર્મીમાં ફરજ પણ બજાવી ચૂક્યો હતો. શમસુદ્દીનનો જન્મ ખ્રિસ્તી તરીકે થયો હતો, પણ પછીથી તેણે ધર્માંતરણ કરીને ઇસ્લામ અપનાવી લીધો હતો. જબ્બારને ઓળખનારા લોકોનું કહેવું છે કે, જબ્બાર ઇસ્લામના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતો અને નિયમિત રીતે મસ્જિદમાં જતો હતો. અમેરિકન આર્મીમાં હ્યુમન રિસોર્સથી માંડીને આઈટી સ્પેશિયાલિસ્ટ સુધીનાં કામ કરનાર જબ્બાર ફેબ્રુઆરી 2009થી જાન્યુઆરી, 2010 સુધી અફઘાનિસ્તાનમાં તહેનાત હતો. આ કારણે તેની દેશભક્તિ સામે કોઈને શંકા નહોતી. જબ્બારે 2020માં એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકેલો કે જેમાં તેણે યુએસ આર્મીએ તેનું કઈ રીતે ઘડતર કર્યું તેની વાતો કરી હતી. જબ્બારે દાવો કરેલો કે, યુએસ આર્મીમાં કામ કરતી વખતે સેવા અને જવાબદારી વિશે જાણવા મળ્યું અને પોતે વધારે સારો માણસ મળ્યો.

જબ્બારે બે વખત નિકાહ કર્યા હતા. પહેલા નિકાહ 2012માં તૂટી ગયા હતા ને બે વર્ષ પછી તેણે બીજા નિકાહ કર્યા હતા. પહેલા નિકાહ આર્મીમાં સતત કામના કારણે પત્નીને સમય નહોતો આપી શકતો તેના કારણે તૂટી ગયા હતા. યુએસ આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જબ્બાર હ્યુસ્ટનમાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તે કટ્ટરવાદી મુસ્લિમોના સંપર્કમાં આવ્યો અને તેના વિચારો બદલાયા એવું મનાય છે. જબ્બાર સામે ભૂતકાળમાં બે ગુના નોંધાયા હતા, પણ તે બહુ ગંભીર નહોતા. 2002માં તેની સામે એક ચોરીનો ગુનો નોંધાયો હતો. 2005માં ગેરકાયદેસર લાઈસન્સ સાથે કાર ચલાવવા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પણ આ પ્રકારના ગુના સામાન્ય છે તેથી જબ્બાર ગુનાઈત માનસિકતા ધરાવતો હતો એવું ના કહી શકાય, પણ કટ્ટરવાદી મુસ્લિમોના સંપર્કમાં આવ્યા પછી એ ખતરનાક ઈરાદા ધરાવતો થઈ ગયો હશે એવું પોલીસને લાગે છે.

આ લોકોના પ્રભાવ હેઠળ જ એક વર્ષ પહેલાં જબ્બારે નોર્થ હ્યુસ્ટનમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાડેથી ઘર લીધું હતું. તેના ઘરની નજીક જ એક મસ્જિદ પણ છે. જબ્બારની કટ્ટરવાદીઓ સાથે મુલાકાતો આ મસ્જિદમાં થતી હશે એવું મનાય છે. ખ્રિસ્તી ન્યુ યર પર હુમલાના પ્લાન સાથે મસ્જિદને કંઈ લેવાદેવા છે કે નહીં તેની હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓને આ શંકા છે તેનું કારણ એ છે કે, છેલ્લા કેટલાક સમયથી જબ્બાર કંઈ કામ કરતો નહોતો. રીયલ એસ્ટેટ એજન્ટ તરીકેનું તેનું લાઈસન્સ 2021માં એક્સ્પાયર થઈ ગયું હતું, પણ જબ્બારે આ લાઈસન્સ રીન્યુ કરાવવાની તસદી પણ નહોતી લીધી એ છતાં તેનું ઘર ચાલતું હતું એ આશ્ચર્યજનક છે. જબ્બારના બીજા નિકાહનો પણ 2022માં અંત આવ્યો અને તલાક લઈ લીધા હતા. એ પછી તેને નાણાંભીડ રહેતી એવું તેના મિત્રોએ જ કહ્યું છે ને છતાં એ કશું કામ નહોતો કરતો એ આશ્ચર્યજનક છે.

જબ્બારને ઇસ્લામિક સ્ટેટ તરફથી મદદ મળતી હશે એ કહેવાની જરૂર નથી. તેનો મતલબ એ થાય કે, અમેરિકામાં ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેનું નેટવર્ક વ્યાપક બની રહ્યું છે. આત્મઘાતી હુમલાખોરથી માંડીને હથિયારો-હુમલાખોર સુધીનું બધું જ ઈસ્લામિક સ્ટેટ પાસે હોય તેનો મતલબ એ થાય કે, ભવિષ્યમાં અમેરિકામાં ન્યુ ઑર્લિયન્સ જેવા વધારે હુમલા થઈ શકે છે. અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી કડક હાથે કામ લઈને અલ કાયદા સહિતનાં સંગઠનોને નેસ્તનાબૂદ કરી નાખ્યાં હતાં. માનવાધિકારવાદીઓ અને મુસ્લિમ રાષ્ટ્રોની ઐસીતૈસી કરીને અમેરિકાએ આતંકવાદીઓને પાંસરા કરી નાખેલા, પણ આ હુમલો એ વાતનો પુરાવો છે કે, અમેરિકામાં આતંકવાદીઓ ફરીથી માંથાં ઊંચકી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને જ અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે ત્યારે તેમની સામે આ મુસ્લિમ આતંકવાદીઓને ખતમ કરવાનો નવો પડકાર પણ મોં ફાડીને ઊભો રહી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button