પંજાબ પોલીસે લશ્કર-એ-તૈયબા ના બે આતંકવાદીઓને પકડી પાડ્યા, વિસ્ફોટકો સાથે હથિયારો જપ્ત
પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આજે સવારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યા હતા.
પંજાબ પોલીસે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે હાથ ધરાયેલા ઓપરેશનમાં અમને મોટી સફળતા મળી છે. અહીં અમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લશ્કરના બે આતંકવાદીની ધરપકડ કરી છે. આ બંને નાગરિકો જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. તેમની પાસેથી 2 IED, 2 હેન્ડ ગ્રેનેડ, 2 મેગેઝીન સાથે 1 પિસ્તોલ, 24 કારતૂસ, 1 ટાઈમર સ્વીચ, 8 ડિટોનેટર અને 4 બેટરી મળી આવી છે.
પંજાબ પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓને લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય ફિરદૌસ અહેમદ ભટ નિર્દેશ આપતો હતો. તેના નિર્દેશ પર તેઓ પંજાબમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યા હતા. આતંકવાદીઓ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીર સહિત પંજાબના આ વિસ્તારોમાં મોટો હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા હતા. સરહદી રાજ્યોમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.