સ્પોર્ટસ

કરુણ નાયરે કયો નવો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો?

વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ, મુંબઈ અને ગુજરાત જીત્યા, પણ સૌરાષ્ટ્રનો પરાજય

વિઝિયાનગરમ (આંધ્ર પ્રદેશ): ભારત વતી ટેસ્ટમાં એક સેન્ચુરી (…અને એ પણ ટ્રિપલ સેન્ચુરી) ફટકારી ચૂકેલા કરુણ નાયરે આજે વિજય હઝારે ટ્રોફી વન-ડે સ્પર્ધામાં નવો વિશ્વ વિક્રમ રચ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટની વન-ડે એટલે લિસ્ટ-એ ક્રિકેટની મૅચોમાં તે આઉટ થયા વગર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે આ ફૉર્મેટની મૅચોમાં વિકેટ ગુમાવ્યા વગર કુલ 542 રન બનાવ્યા છે અને એ રીતે તેણે ન્યૂ ઝીલૅન્ડના બૅટર જેમ્સ ફ્રેન્કલિનનો 2010ની સાલનો 527 રનનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

વિજય હઝારે ટ્રોફીમાં કરુણ નાયરે સતત ત્રીજી સેન્ચુરી ફટકારી છે. આજે અહીં વિદર્ભ વતી રમતી વખતે તેણે ઉત્તર પ્રદેશ સામે 101 બૉલમાં 112 રન બનાવ્યા હતા. તેની અને યશ રાઠોડની સદી (138 અણનમ)ની મદદથી વિદર્ભએ 308 રનના લક્ષ્યાંક સામે 47.2 ઓવરમાં બે વિકેટે 313 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એ પહેલાં, ઉત્તર પ્રદેશના 307/8ના સ્કોરમાં સમીર રિઝવીના 105 રન સામેલ હતા.

આ પણ વાંચો : વિરાટ આઉટ થતાં જ અનુષ્કાનું રિએકશન જોવા જેવું હતું…

દરમ્યાન વિજય હઝારેની આજની અન્ય મૅચોમાં મુંબઈએ કૅપ્ટન શ્રેયસ ઐયરની સદી (137 અણનમ)ની મદદથી નવ વિકેટે 290નો સ્કોર નોંધાવ્યા બાદ પોંડિચેરીને 127 રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું અને 163 રનથી વિજય મેળવ્યો હતો. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

જયપુરમાં ગુજરાતના અક્ષર પટેલની ત્રણ વિકેટ તેમ જ રવિ બિશ્નોઈની બે અને અર્ઝાન નાગવાસવાલાની બે વિકેટને પગલે ગોવાની ટીમ 117 રન પર આઉટ થઈ ગયા બાદ ગુજરાતે ઉર્વિલ પટેલના 61 રનની મદદથી 16.5 ઓવરમાં ચાર વિકેટે 118 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

અમદાવાદમાં કર્ણાટક (349/7) સામે સૌરાષ્ટ્ર (47.5 ઓવરમાં 289/10)નો 60 રનથી પરાજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button