ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૫૦ નાં મોતઃ નેતન્યાહૂએ મંત્રણા માટે પ્રતિનિધિમંડળને આપી મંજૂરી…
દેર અલ-બાલાહઃ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના હવાઇ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલામાં હમાસના સુરક્ષા અધિકારીઓ અને ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુરુવાર અને શુક્રવારે બોંબમારો ચાલુ રહ્યો હતો.
આ પણ વાંચો : દક્ષિણી કેલિફોર્નિયા વિમાની દુર્ઘટના; 2ના મૃત્યુ, અનેક ઘાયલ
આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે તેમણે મોસાદ ગુપ્તચર એજન્સી, શિન બેટ આંતરિક સુરક્ષા એજન્સી અને સેનાના એક પ્રતિનિધિમંડળને કતારમાં યુદ્ધવિરામ કરારની દિશામાં વાટાઘાટો ચાલુ રાખવા માટે અધિકૃત કર્યા છે. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું કે પ્રતિનિધિમંડળ શુક્રવારે રવાના થશે. હમાસ તરફથી તાત્કાલિક કોઇ ટિપ્પણી આવી નથી. ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધ દરમિયાન અમેરિકાની આગેવાની હેઠળની વાતચીત વારંવાર અટકી છે.
મુવાસી તરીકે ઓળખાતા દરિયાકાંઠાના માનવતાવાદી વિસ્તાર પર ઇઝરાયેલનો હુમલો એ સમયે થયો જ્યારે સેંકડો-હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયનો હળવી શિયાળાની ઋતુમાં ત્યાં એકઠા થયા હતા. ગાઝા શહેરમાંથી વિસ્થાપિત ઝિયાદ અબુ જબાલ જણાવે છે કે દરેક વ્યક્તિ ઠંડીથી બચવા માટે તેમના તંબુઓમાં આશરો લેતા હતા અને અચાનક અમને દુનિયા ઊંધી વળતી લાગી. કેમ અને શા માટે? વહેલી સવારે થયેલા હુમલામાં ૧૦ લોકોનો મોત થયા હતા. જેમાં ત્રણ બાળકો અને હમાસના બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર તેણે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને નિશાન બનાવ્યો હતો. તે ઇઝરાયેલી દળો પરના હુમલામાં હમાસની સશસ્ત્ર પાંખ દ્વારા ઉપયોગમાં લેવાતી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સામેલ હતો. ગાઝાના મધ્યમાં અલ-બલાહમાં અન્ય એક ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. અલ-અક્સા શહીદ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જે લોકો મૃતદેહોને લઇ ગયા હતા તેઓ સ્થાનિક સમિતિઓના સભ્યો હતા. જે સહાયતા કાફલાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં કેદ 183 ભારતીય નાગરિકને મુક્ત કરવા વિદેશ મંત્રાલયની અપીલ
ઇઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઇ ટિપ્પણી કરવામાં આવી ન હતી. દક્ષિણ ગાઝામાં સેનાએ પૂર્વીય ખાન યુનિસમાં પાંચ પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઇઝરાયેલ સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં હુમલામાં હમાસના આંતરિક સુરક્ષા દળના વડાને નિશાન બનાવવામાં આવ્યો હતો.