હમાસના હુમલા અંગે અમેરિકાની ઈન્ટેલીજન્સ એજન્સીને પહેલાથી જાણ હતી, રિપોર્ટમાં ખુલાસો
ગયા અઠવાડિયે શનિવારે (7 ઓક્ટોબર 2023) હમાસે કરેલા રોકેટ હુમલામાં 700 થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે આ હુમલાને અંગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ ઈઝરાયલને આવા સંભવિત હુમલાઓ અંગે ચેતવણી આપી હતી.
આ અહેવાલ મુજબ, હમાસ દ્વારા આતંકવાદી હુમલાના થોડા સમય પહેલા જ સીઆઈએએ ઈઝરાયલને હમાસ તરફથી સંભવિત રોકેટ હુમલા અંગે ચેતવણી આપી હતી. સીઆઈએએ કહ્યું હતું કે હમાસ ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરી શકે છે. જોકે, સીઆઈએને પણ ગ્રાઉન્ડ એટેક અને પેરાગ્લાઈડર એટેકની જાણ નહોતી.
સીઆઈએના એક અધિકારીએ અખબારને જણાવ્યું જણાવ્યું હતું કે, અમે પેલેસ્ટાઈન કે હમાસ વતી હુમલા અંગેનો અહેવાલ મોકલ્યો હોવા છતાં અમે તેને રાષ્ટ્રપતિ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર ન કર્યો. આનું કારણ એ હતું કે તે એક રૂટિન ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતો અને તેમાં એવી કોઈ વાત નહોતી કે જેનાથી ચેતવું જરૂરી હોય. તેથી, અમે આ બાબતને આગળ ન ચલાવી અને નિયમિત પ્રક્રિયાને અનુસરી.
અન્ય એક સૈન્ય અધિકારીએ કહ્યું, આ અહેવાલ અમારા માટે સામાન્ય હતો કારણ કે સામાન્ય દિવસોમાં પણ ત્યાં આવી કંઈક યા બીજી ઘટના બનતી રહે છે, તેથી બંને એજન્સીઓએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી ન હતી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં બંને દેશોના કુલ 3200થી વધુ લોકોના મોત થયા છે. બંને દેશોના કુલ 9,196 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલમાં 1496 લોકોના મોત થયા છે, જ્યારે ગાઝા પટ્ટીમાં 1900થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, વેસ્ટ બેંકમાં કુલ 49 લોકોના મોત થયા છે અને 700 થી વધુ લોકો ઘાયલ થયા છે.