બૂટલેગર બન્યા બેફામઃ કચ્છ એક્સપ્રેસમાં દારૂની હેરાફેરી કરાતા બબાલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં મુંબઈથી ગુજરાત સેક્શનમાં દોડાવનારી મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં કચ્છ એક્સપ્રેસમાં હેરાફેરી કરતી મહિલા બૂટલેગર વિરુદ્ધ મહિલા પ્રવાસીઓએ જ બંડ પોકાર્યું હતું. રીતસર પકડીને મહિલાઓએ પોલીસને હવાલે કરી હતી, જ્યારે તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.
આ બનાવ બીજી તારીખના કચ્છ એક્સપ્રેસ (ટ્રેન નંબર 22955 એસ-થ્રી કોચ)માં બન્યો હતો. ટ્રેન નવસારીની આસપાસ પસાર થઈ ત્યારે બે બુટલેગર બાઈઓ દારૂની બોટલ સાથે જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કર્યા પછી નવસારી સુધી કોઈ આવ્યું નહોતું. આ બંને બાઈઓને રંગેહાથે પકડવવાનું નક્કી કર્યા બાદ બંનેને મહિલા સાથે પુરુષોએ ટ્રેનના બાથમમાં પૂરી દીધી હતી અને ટ્રેન સુરત પહોંચી પછી આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનોને હવાલે કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ બનાવ અંગે (મૂળ કચ્છના સૂઈ ગામના) થાણેના રહેવાસી વિનોદભાઈ કરમશી વિસરિયા મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કચ્છ એક્સપ્રેસમાં દારૂનો વેપાર બેરોકટોક કરવામાં આવે છે એ શરમજનક બાબત છે. પરિવાર સાથે ટ્રાવેલ કરવાનું સુરક્ષિત લાગતું નથી. ગુરુવારે અમે અમારા ગામ પ્હેડી માટે જઈ રહ્યા હતા ત્યારે બૂટલેગર બાઈઓનો પર્દાફાશ કર્યો હતો. જોકે, ટ્રેનમાં એક ચાવાળાને ચાના પાંચસો રૂપિયા આપ્યા ત્યારે આશ્ચર્ય થયું હતું પછી ખબર પડી હતી કે ચાવાળા સાથે મળીને ટ્રેનમાં દારૂની હેરફેર કરે છે.
વિનોદભાઈએ વધુમાં કહ્યું હતું કે અમારી સામેની સીટ પરના બે બહેન બાથમ ગયા ત્યારે ડરીને પાછા આવ્યા હતા, કારણ કે એક બાઈ બાથરૂમમાં હતી અને દારૂનું વેચાણ કરતી હતી. બીજા બાથરૂમમાં જોયું તો ખાલી દારૂની બોટલ હતી. તેમને જોઈને મહિલાઓએ બૂમાબૂમ કરીને એ બાઈઓને બાથરૂમમાં જ પૂરી દીધી હતી. એના પછી અમે લોકોએ રેલવેની હેલ્પલાઈન અને પોલીસને જાણ કર્યા પછી કોઈ આવ્યું નહોતું. જોકે, ટ્રેનોમાં બૂટલેગરો બેફામ બનીને પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોય છે, તેનાથી પ્રવાસીઓને હાલાકી પડે છે.
આ મુદ્દે રેલવેએ આંખ આડા કાન કરવાને બદલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ પ્રવાસીઓ ટ્રેનમાં સુરક્ષિત પ્રવાસ કરી શકે, એમ તેમણે જણાવ્યું હતું. કચ્છની ટ્રેનોમાં જ બેરોકટોક થતી હેરફેર અને પ્રવાસીઓને પડતી કનડગત મુદ્દે કચ્છ રેલવે પ્રવાસી સંગઠને અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ બનાવ અંગે કચ્છ પ્રવાસી સંગઠનના સભ્ય નીલેશ શ્યામ શાહે કહ્યું હતું કે કચ્છની ટ્રેનોમાં બેરોકટોક દારૂની હેરફેર કરવામાં આવે છે.
એટલું જ નહીં, પાસધારકોની વધતી દાદાગીરીથી મહિલા અને સિનિયર સિટીઝન પ્રવાસીઓ તો તોબા પોકારી ઊઠ્યા છે. આ અંગે પશ્ચિમ રેલવેના સુરક્ષા પ્રશાસન દ્વારા કાયમી ધોરણે ઉકેલ લાવવાનું જરી છે. ખાસ કરીને કચ્છની ટ્રેનોમાં સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવે તો પ્રવાસીઓની ઓનબોર્ડ સમસ્યા તો દૂર થઈ શકે છે.
આ બનાવ મુદ્દે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) પંકજ સિંહેમુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ ગંભીર બાબત છે. સંબંધિત અધિકારીઓ અને રેલવે સુરક્ષા પ્રશાસનને વાકેફ કરવામાં આવ્યા છે તથા તપાસ પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે અમે ત્વરિત પગલા ભરીશું, એમ તેમણે જણાવ્યું હતું.