`કમિન્સ, તારા નવલોહિયા ઓપનરને જરા સમજાવ’ આવું ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર કેમ બોલ્યા?
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 19 વર્ષના નવા ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટૅસે ફરી એક વાર ભારતીય ટીમ સાથે પંગો લીધો અને વિવાદમાં આવી ગયો. મેલબર્ન ટેસ્ટમાં વિરાટ કોહલી સાથેની ટક્કર બાદ તેની સાથે બોલાચાલી પર ઊતરી ગયેલા કૉન્સ્ટૅસે આજે સિડનીની છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે રમતની અંતિમ ક્ષણોમાં ભારતના કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહ સાથે દલીલ કરી હતી.
આ પણ વાંચો : IND vs AUS 5th Test: ભારતીય બેટર્સે ફરી નિરાશ કર્યા, જાણો આજે શું શું બન્યું
જેને પગલે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોચ ટૉમ મૂડીએ સોશિયલ મીડિયામાં ટીમના સુકાની પૅટ કમિન્સ તેમ જ પીઢ ખેલાડી સ્ટીવ સ્મિથને સલાહ આપવાના સૂરમાં જણાવ્યું હતું કે તમારે નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સ્ટૅસને થોડું માર્ગદર્શન આપવાની જરૂર છે.’ આજની રમતની અંતિમ ઓવર બુમરાહે કરી હતી. બુમરાહ ઓપનિંગ બૅટર ઉસમાન ખ્વાજાને રમતનો આખરી બૉલ ફેંકવા માટે રન-અપ શરૂ કરવાની તૈયારીમાં જ હતો ત્યારે ખ્વાજાએ એ બૉલ રમવા માટે પોતે હજી તૈયાર નથી એવો સંકેત આપતાં બુમરાહે રન-અપ મોડો શરૂ કરવો પડ્યો હતો.
ખ્વાજા ત્યારે જે વિલંબ કરી રહ્યો હતો ત્યારે નૉન-સ્ટ્રાસક એન્ડ પર ઊભેલા કૉન્સ્ટૅસે હાથ બતાવીને બુમરાહને રન-અપ પર રોક્યો હતો. કૉન્સ્ટૅસની એ ખોટી દરમ્યાનગીરી સાંભળીને કૅપ્ટન બુમરાહ ગુસ્સે થયો હતો અને તેને કહ્યું,પ્રૉબ્લેમ શું છે.’ એવું બોલીને બુમરાહ તેની નજીક જવા ગયો અને કૉન્સ્ટૅસ પણ પોતાના સ્થાન પરથી હટીને તેની તરફ આવી રહ્યો હતો ત્યારે અમ્પાયરે બન્નેને વિવાદ ન વધારવા કહ્યું હતું. અમ્પાયરે તરત જ મામલો ઠંડો પાડી દીધો હતો.
જોકે છેલ્લું અટ્ટહાસ્ય બુમરાહનું હતું, કારણકે પછીના જ બૉલમાં તેણે ફુલ-લેન્ગ્થ બૉલમાં ખ્વાજાને બીજી સ્લિપમાં રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે વિકેટ સેલિબે્રટ કરવાને બદલે નજીકમાં ઊભેલા કૉન્સ્ટૅસ સામે ખુન્નસથી જોયું હતું અને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. માત્ર બુમરાહ નહીં, ભારતના બધા જ ફિલ્ડર કૉન્સ્ટૅસ તરફ દોડી આવ્યા હતા.
ખાસ કરીને વિરાટ કોહલી એકદમ ઉત્સાહમાં આવીને સ્લિપમાંથી કૉન્સ્ટૅસ તરફ દોડી આવ્યો હતો અને પછી સાથીઓ જોડે વિકેટના સેલિબે્રશનમાં જોડાયો હતો. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના પણ કૉન્સ્ટૅસ તરફ હસી રહેલો જોવા મળ્યો હતો.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ટૉમ મૂડીએ સોશિયલ મીડિયામાં પૅટ કમિન્સ અને સ્ટીવ સ્મિથને સંબોધીને લખ્યું હતું કે `(મેદાન પરના વર્તન બાબતમાં) કૉન્સ્ટૅસને થોડું માર્ગદર્શન આપજો. તેણે હજી ઘણું શીખવાનું બાકી છે. મને ખાતરી છે કે ડ્રેસિંગ-રૂમમાં બધા તેને તેનો આત્મવિશ્વાસ ઓછો ન થાય અને તેનો જોશ ઓછો ન થાય એ રીતે સમજાવશે.’