મોટી બહેન વધુ વ્હાલી હોવાની શંકાપરથી નાની બહેને માતાની હત્યા કરી…
માતા ખબરઅંતર જાણવા ઘરે આવી ત્યારે પુત્રીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંક્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોટી બહેનને વધુ વ્હાલ કરવામાં આવતું હોવાની શંકા પરથી નાની બહેને માતાની હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના કુર્લા પરિસરમાં બની હતી. મુંબ્રામાં રહેતી માતા ખબરઅંતર જાણવા પુત્રીને ઘેર આવી અને પુત્રીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંક્યા હતા. પછી પોલીસ સ્ટેશને જઈ ગુનાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક સવાર ફરાર…
ચુનાભઠ્ઠી પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ રેશમા મુઝફ્ફર કાઝી (41) તરીકે થઈ હતી. કુર્લાના કુરેશી નગરમાં રહેતી રેશમાએ તેની માતા સબીરાબાનો (62)ની ગુરુવારની રાતે કથિત હત્યા કરી હતી.
મુંબ્રામાં પુત્ર સાથે રહેતી સબીરા ગુરુવારની રાતે પુત્રી રેશમાને મળવા આવી હતી. તે સમયે રેશમાએ મોટી બહેન ઝૈનાબી લાડકી હોવાનો મુદ્દો ફરી ઊભો કરી માતા સાથે ઝઘડો કર્યો હતો. માતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ગુસ્સામાં રેશમા રસોડામાંથી છરી લઈ આવી હતી અને માતા પર હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકવાને કારણે સબીરાબાનો મૃત્યુ પામી હતી.
ઘટના બાદ રેશમા ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ગુનાની કબૂલાત કરી હતી. રેશમાએ આપેલી માહિતી પછી પોલીસ તેના ઘરે પહોંચી હતી. સબીરાબાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ પણ વાંચો : મુંબઈમાં ન્યુ યર પાર્ટી લોહીયાળ બની; આ નજીવી બાબતે થયો ઝઘડો, એકનું મોત…
પ્રાથમિક પૂછપરછમાં રેશમાએ પોલીસને જણાવ્યું હતું કે તેને બહેન ઝૈનાબીને માતા વધુ વહાલ કરતી હતી. ઝૈનાબી માતાની દવાનો ખર્ચ ઉઠાવતી હોવાથી માતા ઘણી વાર તેના ઘરે રહેવા જતી હતી, જ્યારે રેશમાને ઘેર ક્યારેક જ રહેવા આવતી.
સબીરા જ્યારે પણ રેશમાને મળવા આવતી ત્યારે ઝૈનાબીનાં વખાણ કરતી હતી. 2021માં રેશમાએ બહેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.